ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ATSએ 2022માં હેરોઈનનો મોટો જથ્થો રિકવર કર્યો હતો અને 6 લોકોની ધરપકડ કરી હતી. ડ્રગ્સના આ કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું. પોલીસ આ મામલે લોરેન્સની પૂછપરછ કરવા માંગે છે. ગુજરાત ATSની અરજી પર લોરેન્સ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપવામાં આવ્યા છે. બિશ્નોઈ છેલ્લા 12 વર્ષમાં 36 કેસમાં સંડોવાયેલા છે. તેની સામે પંજાબ, ગુજરાત, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં 36 ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 21 કેસમાં તપાસ ચાલી રહી છે અને 9માં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તેમાંથી ચાર કેસ એકલા રાજસ્થાનના છે. 10 સપ્ટેમ્બર, 2021ના રોજ, જયપુર પોલીસે બિશ્નોઈ વિરુદ્ધ છેડતી અને ધમકી આપવાનો કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા 2 કામદારોના મોત
બે મહિના પહેલા, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરના ઘરે દરોડા પાડ્યા હતા. કુલવિન્દર લાંબા સમયથી બિશ્નોઈનો સહયોગી છે અને તેની સામે બિશ્નોઈ ગેંગના લોકોને આશરો આપવાના કેસ પણ નોંધાયેલા છે. કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે અને તે લોરેન્સ બિશ્નોઈને મદદ કરતો હતો. આ સમગ્ર મામલે ગુજરાત ATS બિશ્નોઈની પૂછપરછ કરી શકે છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. બિશ્નોઈએ એપ્રિલ 2010માં ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એકલા પંજાબમાં જ બિશ્નોઈ વિરુદ્ધ 17 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમાંથી તેના ગૃહ જિલ્લા ફાઝિલ્કામાં છ, મોહાલીમાં સાત, ફરીદકોટમાં બે અને અમૃતસર અને મુક્તસરમાં એક-એક કેસ છે.