અમદાવાદ, 7 ડિસેમ્બર 2023, (Gujarat)ગુજરાતમાં વધુ એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ ગુજરાત પોલીસને મળ્યાં હતાં. પોલીસે આ સંદર્ભે સતત સર્વેલન્સ કર્યું હતું. (ATS)રાજ્યમાં પોરબંદર અને સુરત બાદ ગોધરામાંથી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા 6 શકમંદોને ATS દ્વારા અટકાયત કરીને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. (ISKP terrorist) આ અંગે ATSના DIG દિપેન ભદ્રને મીડિયાને કહ્યું હતું કે, અમે ઈનપુટના આધારે કેટલાક શકમંદ શખ્સોની પુછપરછ કરી છે અને ગોધરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
એટીએસના અધિકારીઓએ ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ગુજરાતમાં NIA અને સેન્ટ્રલ આઈબીના ઈનપુટના આધારે ISKP આતંકવાદી સંગઠનના કેટલાક લોકો સક્રિય થયાં છે. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. દરમિયાન ગુજરાત પોલીસને મળેલા વધુ એક ઈનપુટમાં આતંકી સંગઠન માટે મદદ કરતા અથવા તેની વિચારધારા અને સમર્થન કરતા લોકોની માહિતી હતી. જેના આધારે ગુજરાતી એટીએસના અધિકારીઓએ ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન છ લોકોની અટકાયત કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. જેમાં પાંચ જેટલા લોકો શકમંદ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અગાઉ સુરત અને પોરબંદરમાં ATS દ્વારા કાર્યવાહી કરાઈ હતી
અગાઉ જૂન 2023માં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી એક મુસ્લિમ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી ATS દ્વારા સુરત પોલીસની મદદથી ઝડપી લેવામાં આવી હતી અને તેને પોરબંદર લઈ જવાઈ હતી. ISKP સાથે કનેક્શન ધરાવતી મહિલાનો પરિવાર ભરૂચનો છે, લગ્ન તામિલનાડુમાં કર્યાં છે અને બે સંતાનની માતા પણ છે. જોકે મહિલા સુરત તેના પરિવારને મળવા આવી હતી, જેની જાણ ATSને થતાં રાત્રે ધરપકડ કરી હતી. મહિલા પાસેથી ISKPનાં રેડિકલ પ્રકાશનો મળ્યાં હતાં. તે ઉપરાંત પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા ત્રણની અટકાયત કરવામાં આવી હતી.
ISKP સંગઠન શું છે
ISKP એ આતંકવાદી સંગઠન ISISની જ એક શાખા છે. વિશ્વના કેટલાક આતંક મચાવ્યા બાદ ISISએ હવે શાખાઓ શરૂ કરવા માંડી છે. ISIS મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે પણ પોતાનો વિસ્તાર વધારવા માટે અને અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે ISKPની સ્થાપના કરી હતી. ISKPનો અર્થ ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવિન્સ. અહીં ખુરાસાન એટલે અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાનને આવરી લેતો વિસ્તાર. દુનિયાના નકશા પર હાલ તેનું અસ્તિત્વ નથી, જોકે હાલ આ નામનો એક પ્રાંત ઈરાનમાં આવેલો છે પણ વર્ષો પહેલાં આ આખો વિસ્તાર ‘ખુરાસાન’ નામે ઓળખાતો. આતંકી સંગઠન આ સમગ્ર વિસ્તાર પર કબજો જમાવવા માગે છે એટલે આ નામ રાખ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતની 3620 ગ્રામ પંચાયતોમાં 10 લાખથી વધુ લોકો ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા