ગુજરાત ATSને આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તા હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. આસારામના અંગત વ્યક્તિ અખિલ ગુપ્તાની હત્યાના આરોપી પ્રવિણ વકીલની હરિદ્વારથી ધરપકડ કરવામાં આવી છે. અખિલ સગીરા પર જાતીય શોષણના કેસમાં સાક્ષી હતો. યુપીમાં સાત વર્ષ પહેલા અખિલ ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. તે છેલ્લા સાત વર્ષથી ભાગતો ફરતો હતો. તે હરદ્વારમાં છુપાઇને સાધુ બનીને રહેતો હતો. ત્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ બે આરોપી છે, જેઓ પોલીસની પકડમાં આવ્યા નથી. ગુજરાત એટીએસ વોન્ટેડ પ્રવીણ વકીલનો હવાલો યુપીને સોંપશે.
આસારામના ઇશારે કરાઇ હતી હત્યા
આરોપી સામે આશારામના ઇશારે બે શાર્પ શૂટરને હત્યા કરવાના આદેશ આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તે હત્યા કર્યા બાદ સાધુ બનીને છુપાયો હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે આ મામલે ગુજરાત એટીએસએ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રવીણ આસારામનો અંગત વ્યક્તિ અને PA હતો. 2015થી તે આ ગુનામાં ફરાર હતો. આ સમગ્ર ઘટના મુઝફ્ફરનગરમાં બની હતી.
ATSની ટીમે વોચ ગોઠવી હતી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાત વર્ષ પહેલાં આસારમ કેસના સાક્ષી અખિલ ગુપ્તા પર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે શાર્પ શૂટર કાર્તિક હલધર અને નીરજ જાટે જાન્યુઆરી, 2015માં આસારામના પીએ અને તેની વિરુદ્ધના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરવામાં સંડોવાયેલા હતા. આ ગુનાનો અન્ય એક આરોપી પ્રવિણ વકીલ ફરાર હતો. થોડાં સમય પહેલાં પ્રવિણ વકીલ હરિદ્વારમાં છુપાયેલો હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. તેના આધારે એટીએસની ટીમે વોચ ગોઠવીને આશારામના સાગરીત પ્રવિણની હરિદ્વારના ગંગા કિનારે ચાલી રહ્યો હતો તે સમયે ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ એક Twitter પોસ્ટથી ‘વિરાટ’ના નિવૃત્તિની અટકળો થઈ શરૂ !