ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

‘D’ ગેંગ પર ગુજરાત ATSનો સંકજો: 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓની ધરપકડ

Text To Speech

માત્ર દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં પોતાની ગુનાઓનો ખૌફ ફેલાવનાર દાઉદ ગેંગના સાગરિતો સુધી પહોંચવામાં ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી છે. જી હાં, ગુજરાત ATSની ટીમે અંડરવર્લ્ડ ડોન દાઉદની નજીકના તેમજ વર્ષ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને અમદાવાદમાંથી દબોચી લીધા છે. બ્લાસ્ટ કર્યા બાદ પકડાયેલા તમામ આરોપીઓ વિદેશ ફરાર થઈ ગયા હતા. ત્યારથી, સમગ્ર દેશની પોલીસ સહિત ગુજરાત ATSની ટીમ આ વોન્ટેડ આરોપીઓ પર બાજ નજર રાખીને બેઠી હતી. નકલી પાસપોર્ટ લઈ અમદાવાદ આવતા ગુજરાત ATSની ટીમે યુસુફ બટકા, અબુબકર, સોએબ બાબા, સૈયદ કુરૈશી સહિત ચાર આરોપીને ઝડપી જેલના સળિયા ગણતા કરી દીધા છે.

ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી

બાતમીના આધારે ઝડપાયા આરોપીઓ
ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી કે, દાઉદની નજીક તેમજ મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ અમદાવાદ આવી રહ્યા છે. આ બાતમીના આધારે ATSની ટીમે ચારેબાજુ પહેરો ગોઠવી દીધો અને અમદાવાદ આવતા જ આ ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા.

આરોપીઓ બદલતા નામ અને સરનામા
બ્લાસ્ટ બાદ પોલીસથી ભાગતા ફરતા આ ખૂંખાર આરોપીઓ પોલીસ પકડમાં ન આવે તેમજ સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવા માટે નતનવા પેંતરા અજમાવતા હતા. આરોપીઓ પોતાનું નામ અને સરનામું બદલતા રહેતા હતા. કોઈપણ એક જગ્યાએ રહેતા નહોતા. એક જગ્યાએ થોડો સમય રહ્યા બાદ છુપાવવા માટે નવું ઠેકાણું શોધી લેતા હતા. જો કે, અમદાવાદ આવેલા આરોપીઓ નકલી પાસપોર્ટ પર પણ સરનામું ખોટું જ રાખ્યું હતું. જેથી, ગુજરાત ATSની ટીમે તેની ખરાઈ કર્યા બાદ જ તેઓની ધરપકડ કરવામાં આવી છે.

12 માર્ચ 1993,મુંબઈ બોમ્બ બ્લાસ્ટ

મુંબઈ બ્લાસ્ટમાં થયા હતા 250થી વધુના મોત
12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરાયા હતા. વર્ષ 1993, તારીખ 12 માર્ચનો દિવસ મુંબઈના ઈતિહાસના કાળા પન્નાઓમાં કાયમ માટે લખાઈ ગયો. જેના ડાઘ બ્લાસ્ટનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોના દિલમાં આજે પણ છે. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં એક-બે નહીં, પરંતુ 12 સિરિયલ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Back to top button