ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઑ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આવતા સપ્તાહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તેજ વડાપ્રધાન મોદીનો પણ સંભવિત પ્રવાસ યોજાવવાનો છે.
રાહુલ ગાંધી 10મીએ ગુજરાતમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. આ સંમેલન દાહોદ ખાતે આગામી 10મી મેના રોજ યોજાશે. જેમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિતિ રહેશે. જ્યાં રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. તેમજ સભા સંબોધીને કોંગ્રેસના કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે.
રાહુલ ગાંધી 10મી મેના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યક્રમનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું. મહત્વનું છે કે, દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાના ખાતે આદિવાસી સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંઘી દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત 1.50 લાખ કાર્યકરો સંબોધિત કરશે.
11 મેનાં રોજ કેજરીવાલ રાજકોટમાં
દિલ્હી અને પંજાબ કબજે કર્યા બાદ આપની નજર હવે ગુજરાત પર છે. ત્યારે ગુજરાતની વધુને વધુ બેઠક મેળવવાના પ્રયાસ આપના નેતાઓએ કરી દીધા છે. અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ સૌરાષ્ટ્રથી કરશે. કેજરીવાલ રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેનાં રોજ સાંજે 5 વાગ્યે જાહેરસભા ગજવશે. કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું એ પણ છે કે અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાક નેતાઓ AAPમાં જોડાઈ શકે છે.
PM મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ રાજકોટથી કરશે
PM મોદી પણ આ મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રની મુલાકાત કરી શકે તેવી સંભાવના છે. PM મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેવાના પણ સંકેત છે. જો કે વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ PMO દ્વારા જાહેર કરાશે.