આવનારી ચૂંટણીમાં ટિકિટને લઈને C.R.Patil એ કર્યો ધડાકો, કોઈને ટિકિટ ન મળે તો ખોટું ન લગાડતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચારનું બિડુ ઝડપશે. તો અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ગુજરાત પ્રવાસ વધી ગયા છે. તો બીજી તરફ ગુજરાતમાં ભાજપના નેતાઓ પણ કામે લાગી ગયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ બે દિવસ ભાવનગરના પ્રવાસે છે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં બાઇક રેલી તથા રોડ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ શહેરનાં જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવામાં આવ્યો હતો. સાથે-સાથે આપ અને કોંગ્રેસ પર પાટીલે આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાવનગરમાં ભવ્ય રોડ-શો પણ કર્યો હતો. આ રોડ-શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સંસદ સભ્ય ભારતીબેન શીયાળ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી આર.સી. મકવાણા તેમજ જિલ્લાનાં ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તો સાથે સાથે આ પેજ સમિતિના સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલનમાં સી.આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સી.આર.પાટીલે કેજરીવાલ દ્વારા રેવડી કલ્ચર એટલે કે મફત આપવાની કરેલી વાતને મામલે જણાવ્યું હતું કે, કેજરીવાલ જાદુગર છે. કેજરીવાલે સુરતમાં 7 બેઠક જીતવાની કરેલી વાતનાં મામલે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, હજુ ખાતું તો ખોલવા દયો પછી વાત કરીશું. તેમ કહી ચાલતી પકડી હતી. તેમને કાર્યકરો અને ટિકિટ વાંચ્છુકોને કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને નાતે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવનો મારો કોઈ રોલ નથી. આ કામ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ કરશે. માટે કોઈને ટિકિટ ના મળે તો ખોટું લગાડશો નહીં. તેમ કહી અનેકને વિચારતા કરી દીધા હતા.