ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી ગીર સોમનાથ બેઠક પર પુનરાવર્તન જોવા મળશે, કમળ ખીલશે કે ઝાડુ ફરી વળશે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની…. વર્ષ 2013માં જૂનાગઢમાંથી અલગ થયેલા ગીર સોમનાથ જિલ્લામાં ઉના, કોડીનાર, સોમનાથ અને તાલાલા એમ ચાર વિધાનસભા બેઠકો આવેલી છે અને આ તમામ બેઠકો કોંગ્રેસ પક્ષનો કબજો છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠકનો ગીર સોમનાથમાં સમાવેશ થાય છે. બેઠકની સૌ પ્રથમ વાત કરીએ સોમનાથ બેઠકની….
1) સોમનાથ
સોમનાથ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 90મા નંબરની બેઠક છે. આ બેઠક ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. આ બેઠકમાં વેરાવળ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2013માં ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી હતી. 12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર વિશ્વ વિખ્યાત છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું છે. વેરાવળ બંદર માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે.
રાજકીય સમીકરણ
સોમનાથ વિધાનસભાની બેઠકનો 2007 સુધી એક ઈતિહાસ રહ્યો હતો. આ બેઠક પર 1975થી લઇ 2007 સુધીમાં એક ઉમેદવાર સિવાય અન્ય કોઇ ઉમેદવારને મતદારોએ બીજીવાર રીપીટ કર્યા નહોતા. અલબત્ત જ્યારે ઉમેદવારને રિપીટ કરાયા, ત્યારે જે તે ઉમેદવારના પક્ષ પણ અલગ- અલગ રહ્યાં હતા.
આ પણ વાંચો : ચૂંટણીમાં કોઈ કોઈનું કોઈ નહીં તે સાબિત થશે !
સોમનાથ વિધાનસભા બેઠક હેઠળના મતવિસ્તારમાં જસાભાઈ બારડને મોટા આગેવાન ગણવામાં આવે છે. વર્ષ 1990માં જસાભાઈ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જસાભાઈ અનેક વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને સોમનાથના ધારાસભ્ય બન્યા છે.
2014ના મોદી લહેરમાં જસાભાઈ બારડે હાથનો સાથ છોડવી કેસરિયો કર્યો હતો પરિણામે સોમનાથ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપના ઉમેદવાર જસાભાઇ બારડે કોંગ્રેસના નીશાંત ચોટાઈને 25 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા. જસાભાઈને વર્ષ 2014માં આનંદીબેન પટેલ કેબિનેટમાં કૃષિ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, 2017માં જસાભાઈની હાર થઈ હતી.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક પર 1990થી 2017 સુધીમાં ભાજપ માત્ર બેજ વખત જીત્યું છે. 1998 અને 2007માં ભાજપનો વિજય થયો હતો. 2012માં કોંગ્રેસના જસાભાઈ બારડનો વિજય થયો હતો. 2017ની વાત કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાનો 20450 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 94914 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
સોમનાથ બેઠક પર કુલ 2,62,942 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,29,462 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,33,477 છે.
સોમનાથ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે. સોમનાથ વિધાનસભા સીટ સામાન્ય જાતિઓ માટે અનામત છે. અહીં કોળી, મુસ્લિમ, ખારવા, કારડીયા, આહિર સમાજના વોટર્સની સંખ્યા વધુ છે.
2) તાલાલા
તાલાલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 91મા નંબરની બેઠક છે. આ બેઠક ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. આ બેઠકમા તાલાલા તાલુકો, સુત્રાપાડા તાલુકો અને મેંદરડા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલાલા પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતું છે. કેસર કેરીની માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. સાસણ ગીર એશિયાટિક સિંહના કારણે જગવિખ્યાત છે. દક્ષિણ આફ્રિકાના સીદી બાદશાહની વસતી માત્ર આજ તાલુકામાં જોવા મળે છે. આ બેઠક પર કોંગ્રેસ 2007, 2012 અને 2017માં વિજયી થઇ છે.
રાજકીય સમીકરણ
1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. તાલાલાનો ચૂંટણીજંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. આ બેઠક પર 1990થી 2017 સુધીમાં ભાજપ માત્ર બેજ વખત જીત્યું છે. 1995 અને 2007માં ભાજપનો વિજય થયો હતો.
આ પણ વાંચો : નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર, રાજકીય જંગમાં રિવાબા-નયના જાડેજામાંથી કોણ આગળ ?
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2012માં કોંગ્રેસના જસુભાઈ બારડનો વિજય થયો હતો. 2017ની વાત કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસના ભગાભાઈ બારડનો 31730 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 85897 મત મળ્યા હતા. 1975 બાદ બે વખત એક માત્ર જસુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે.
આ બેઠક પર મતદારોની સંખ્યા
તાલાલા બેઠક પર કુલ 2,34,839 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,14,743 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,20,093 છે.
તાલાલા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે . તાલાલા સીટ પર આહિર અને કારડિયા સમાજનું પણ પ્રભુત્વ રહ્યું છે. 1975 બાદ 1990ની ચૂંટણીને બાદ કરતા આહિર આથવા કારડિયા જ્ઞાતિના ઉમેદવાર જ જીત્યા છે.
3) કોડિનાર
કોડીનાર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 92મા નંબરની બેઠક છે. આ બેઠક ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. આ બેઠકમા કોડીનાર તાલુકો અને ઉના તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકીય સમીકરણ
કોડિનાર બેઠક 1995થી ભાજપનો ગઢ હતી. 1998થી 2007 સુધી સળંગ ત્રણ વખત ભાજપના દિનુ બોઘા સોલંકી વિજયી થયા હતા. 2009માં પેટા ચૂંટણી થઇ હતી જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો, જોકે 2012માં ફરી આ બેઠક ભાજપના ફાળે ગઇ હતી. જોકે 2017માં કોંગ્રેસે આ બેઠક ભાજપે પાસેથી આંચકી લીધી હતી.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશ ચૂંટણી: ટશિગંગે ફરી ઇતિહાસ રચ્યો, માઈનસ તાપમાનમાં પણ 100% મતદાન
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ભાજપનો ગઢ ગણાતી કોડીનાર બેઠકને કોંગ્રેસે 2017માં જીતીને ભાજપનો વિજય રથ રોક્યો હતો. કોંગ્રેસના મોહનલાલ વાળાનો 14535 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 72408 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રામભાઈ વાઢેરને 57873 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
કોડિનાર બેઠક પર કુલ 2,34,591 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,14,967 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,19,622 છે.
4) ઉના
ઉના ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 93મા નંબરની બેઠક છે. આ બેઠક ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. આ બેઠકમા ઉના તાલુકો અને ગીર ફોરેસ્ટનો ભાગ સમાવાયો છે. ગીરના સિંહ માટે ઉના તાલુકો જાણીતો છે. આ વિસ્તારમાં ધાર્મિક સ્થળ દ્રોણ આવેલું છે. તેમજ દેલવાડામાં શ્યામકુંડ તેમજ ગુપ્ત પ્રયાગની જગ્યા આવેલી છે.
રાજકીય સમીકરણ
ઉના બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 1962થી 2017 સુધીમાં માત્ર એકજ વખત ભાજપ અને એસપી આ બેઠક પર વિજયી થયું છે. 2007માં ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. જોકે 2012 અને 2017માં કોંગ્રેસ આ બેઠક ફરી વિજયી થવામાં સફળ રહી હતી. ઉના બેઠકના મોટાભાગના ગામો દરિયા કિનારે આવેલા છે. 153 ગામોની બનેલી આ બેઠક પરના ઘણાં ગામો ગીરના જંગલમાં પણ આવે છે..
આ પણ વાંચો : ગુજરાત સૌરાષ્ટ્રના નારાજ ધારાસભ્યએ ભાજપ માંથી આપ્યું રાજીનામું
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 6 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના પુંજાભાઈ વંશ જીતતા આવ્યા છે. 2017માં પુંજાભાઈ વંશનો 4928 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 72775 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર હરિભાઈ સોલંકીને 67847 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ઉના બેઠક પર કુલ 2,67,043 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,30,241છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,36,799 છે.
ઉના બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ઉના બેઠક પર કોળી સમાજનુ વધુ વર્ચસ્વ જોવા મળે છે અને કોળી સમાજના લોકો પાટીદારોનો સાથ આપવા તૈયાર હોવાથી આ બેઠક મહત્વની બની જાય છે. ગુજરાતમાં કદાચ પહેલી એવી બેઠક હશે કે જ્યાં પટેલ અને કોળી નેતાઓ એક થાય તેવું લાગી રહ્યું છે. જેના કારણે આ બન્ને સમાજનુ વર્ચસ્વ ધરાવતી બેઠક અતિ મહત્વની બને છે.