ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: શું જુનાગઢમાં ભાજપ પોતાનો ગઢ પાછો મેળવશે કે કોંગ્રેસ જ બાજી મારશે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

વાત કરીએ સંત અને શૂરા માટે જાણીતી સોરઠની ભૂમિ જૂનાગઢ જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 5 સીટ આવે છે. માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ આવે છે.

1) માણાવદરઃ   
માણાવદર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 85મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં માણાવદર તાલુકો, મેંદરડા તાલુકો અને વંથલી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક સમયે માણાવદર નવાબોની નગરી હતી. કહેવાય છે કે જૂનાગઢના નવાબના પિતરાઈ ભાઈ અહીં રહેતા હતા. જ્યારે દેશ આઝાદ થયો તે પહેલાં સુધી માણાવદર પાકિસ્તાનના કબજામાં હતું જે બાદ તેને ભારત સાથે જોડવામાં આવ્યું. અહીં આજે પણ ઐતિહાસિક ઈમારતો છે.

વાંચોઃ દાહોદ જિલ્લાના જાણો વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લેખાજોખા

રાજકીય સમીકરણ
માણાવદર બેઠક પર 90ના દશકા સુધી કોંગ્રેસનો દબદબો હતો. 1995માં રતિલાલ સુરેજાએ કોંગ્રેસના પેથલજી ચાવડાને હરાવીને કોંગ્રેસના વિજયરથને અટકાવ્યો હતો. 2007માં પેથલજીના પુત્ર જવાહર ચાવડાએ રતિલાલ સુરેજાને હરાવીને ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

2007થી 2017ની વિધાનસભા ચૂંટણી સુધી જવાહર ચાવડા આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા અને જીત્યા. 2017માં કોંગ્રેસની ટિકિટ પર જવાહર ચાવડાનો 29763 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 88570 મત મળ્યા હતા.

વર્તમાન સમયે માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ 2019ની આસપાસ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને 2019ની પેટા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર હતા. તેમની સામે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ઊભા રાખ્યા હતા. ઉપરાંત પાંચ અપક્ષોએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ એનસીપીના ઉમેદવાર રેશમ પટેલે પણ ચર્ચા જગાવી હતી.

આ બેઠક પર મતદારોની સંખ્યા

માણાવદર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
માણાવદરમાં ખેડૂતોની સંખ્યા વધુ છે. પાટીદાર સમુદાયના અહીં 40 ટકા લોકો છે. જ્યારે આહિર, મેર અને દલિતની સંખ્યા બાકિના 40 ટકામાં વહેંચાયેલી છે.

2) જૂનાગઢઃ
જૂનાગઢ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 86મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. જૂનાગઢ શહેર ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગીરનાર આ જિલ્લામાં આવેલો છે. ભવનાથમાં મહાશિવરાત્રીએ મેળો યોજાય છે. 15 સપ્ટેમ્બર 1947ના રોજ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરાઈ અને શામળદાસ ગાંધી અને દયાશંકર દવે સહિતના આગેવાનોએ આરઝી હકૂમતની રચના કરી હતી. 1 જાન્યુઆરી 1949ના રોજ જૂનાગઢનું સૌરાષ્ટ્રમાં વિલનીકરણ કરવામાં આવ્યું હતું. જો કે પાકિસ્તાન આજે પણ પોતાના નકશામાં જૂનાગઢને દર્શાવે છે.

રાજકીય સમીકરણ
આ બેઠક પર સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ મહેન્દ્ર મશરુના નામે છે. 1990થી 2012 સુધી યોજાયેલી 6 વિધાનસભા ચૂંટણીમાં મહેન્દ્ર મશરુ વિજયી થયા હતા. આ સમયગાળા દરમિયાન ચાર ચૂંટણી તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા હતા. 1998થી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જૂનાગઢ ભાજપનો ગઢ બની ગયું. જોકે 2017માં કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ ભાજપ અને મહેન્દ્ર મશરુના વિજયરથને અટકાવ્યો અને કોંગ્રેસ વિજયી બન્યું.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: અમરેલીની 5 સીટ પર હતો ભાજપનો દબદબો, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ બન્યું મજબૂત

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

એક સમયે આ બેઠક ભાજપનો ગઢ હતી પરંતુ 2017ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ ઉમેદવારી કરી હતી અને તેમને મહેન્દ્ર મશરૂને હરાવ્યા હતા. ભીખાભાઈ જોશીનો 6084 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમણે 76850 મત મળ્યા હતા.

જૂનાગઢ બેઠક પર 1962માં પહેલી ચૂંટણી થઈ હતી. ત્યારે જાતિ કે પક્ષ આધારિત નહીં પરંતુ વ્યક્તિને તેની છબિ તેમજ ઓળખના આધારે વોટ મળ્યા હતા.

1998માં ભાજપમાં જોડાયા બાદથી મહેન્દ્ર મશરૂ જૂનાગઢના ધારાસભ્ય પદે હતા. 2012 સુધી સતત છ વખત સ્વચ્છ અને પ્રમાણિક છબિને કારણે તેઓ જ જીતતા હતા. 24 વર્, સુધી સતત જીત્યા બાદ 2017માં તેમને કોંગ્રેસના ભીખાભાઈ જોશી સામે હારનો સામનો કરવો પડ્યો.

આ બેઠક પર મતદારોની સંખ્યા

જૂનાગઢ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
જૂનાગઢ વિધાનસભા બેઠક પર દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ સિવાય પાટીદાર, લોહાણા, આહીર, વાલ્મીકિ સહિત અન્ય જ્ઞાતિઓના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જૂનાગઢમાં સોરઠીયા આહિર, કારડિયા ક્ષત્રિય, કોળી અને પાટીદાર સમાજની બહુમતિ છે. તેમાં પણ આહિર સમાજની વસ્તી લગભગ 12 ટકા જેટલી છે.

3) વિસાવદરઃ
વિસાવદર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 87મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. આ બેઠકમાં વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો, જૂનાગઢ તાલુકો અને અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમુક ગામોનો સમાવેશ થાય છે.

રાજકીય સમીકરણ
આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટણી લડતા હતા. 1995થી લઇને 2012ની વિધાનસભા ચૂંટણી સુધી કેશુભાઈ પટેલ આ બેઠક પર ચૂંટણી જીત્યા હતા. જેમાંથી ચાર વખત તેઓ ભાજપની ટિકિટ પર અને એક વખત તેમની પોતાની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી(જેપીપી)ની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

એક સમયે આ બેઠક ભાજપનો ગઢ હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે નવી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી અને 2012માં આ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા.

2017માં કોંગ્રેસના હર્ષદ રિબડિયાનો ભાજપના કિરિટ પટેલ સામે 23101 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 81882 મત મળ્યા હતા.

આ બેઠક પર અંદાજે સવા લાખ પાટીદાર મતદારો છે. જેથી 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરના જોવા મળી હતી. આ આંદોલનની અસરના કારણે કોંગ્રેસને માત્ર વિસાવદર બેઠક પર જ નહીં, પરંતુ જૂનાગઢ જિલ્લાની અન્ય બેઠકોમાં પણ લાભ થયો હતો.

આ બેઠક પર મતદારોની સંખ્યા

વિસાવદર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
વિસાવદર બેઠક પર પાટીદાર સિવાય 21000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો, 12,000 મુસ્લિમ મતદારો છે.

4) કેશોદઃ
કેશોદ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 88મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં કેશોદ તાલુકો અને માંગરોળ તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેશોદ પાસે તોરણિયા સ્થળ આવેલું છે જ્યાં હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે.

રાજકીય સમીકરણ
આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1995થી આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે. 1990માં હમિરભાઈ ધુલા જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1995, 1998 અને 2002માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ સામે તેમનો પરાજય થયો હતો. વર્ષ 1972 પછીથી પરબત ચાવડાને છોડીને કોંગ્રેસના એકપણ ઉમેદવાર આ બેઠક જીતી શક્યા નથી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી 6 ટર્મથી ભાજપના ઉમેદવાર આ બેઠક જીતતા આવ્યા છે.

2017માં ભાજપના દેવાભાઈ માલમનો 10806 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 71425 મત મળ્યા હતા.

2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જયેશ લાડાણીએ ઉમેદવારી કરી હતી. તેમણે 60 હજાર વોટ મળ્યા હતા.

પાટીદાર આંદોલનની અસર હોવા છતાં ભાજપે કોળી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે પાટીદાર સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

કેશોદ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
કેશોદ વિધાનસભા સીટ પર કોળી, પાટીદાર, આહિર અને અલ્પસંખ્યક સમુદાયના મતદાતાઓનું વર્ચસ્વ છે. કોળી, લેઉવા-કડવા પટેલ, મસોયા, સોરઠિયા, આહિર, દલિત, અલ્પસંખ્યક, મહિયા, કાઠી, હાટી અને રાજપૂતની સાથે સાથે મેહર, લોહાણા, સિંધી અને બ્રાહ્મણ મતદાતાઓ પણ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

5) માંગરોળઃ  
માંગરોળ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 89મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. આ બેઠકમાં માંગરોળ અને માળિયા-મિયણા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. માંગરોળનું ચોરવાડ ગામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ છે. માછીમારી માટે માંગરોળ મહત્વનું બંદર છે.

ચોરવાડના દરિયા કિનારે જૂનાગઢના નવાબ રસુલખાન ઉનાળાની રજાઓમાં આરામ કરવા આવતા હતા, જેના માટે તેમણે ત્યાં હવા મહેલ પણ બનાવ્યો હતો, જે હાલમાં જર્જરિત હાલતમાં છે.

વાંચોઃ ચૂંટણી પ્રચાર સાથે ફોટો-વિડીયો પણ થવા લાગ્યા વાયરલ, તો સોશિયલ મીડિયાના ખર્ચ પર કોણ રાખશે નજર ?

રાજકીય સમીકરણ
માંગરોળ બેઠક વર્ષ 1998માં ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. જોકે વર્ષ 2002માં ફરી કોંગ્રેસ આ બેઠક પર વિજયી થઇ હતી. જ્યારે કે વર્ષ 2007 અને વર્ષ 2012માં આ બેઠક ભાજપના ફાળે ગઇ હતી.

આ બેઠક પર 1962થી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 2012 સુધી જાતિ અને સમાજ આધારિત ઉમેદવારો ચૂંટણી જીત્યા નથી. જોકે, 2012 પછી આ બેઠકનું રાજકારણ બદલાયું અને અહીં જ્ઞાતિ આધારિત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 3 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠકમાં કોંગ્રેસના બાબુભાઈ વાજાનો 13914 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 71654 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ભગવાનજી કરગતિયાને 57740 મત મળ્યા હતા.

2014 ની પેટા ચૂંટણી અને 2017 ચૂંટણીમાં કોંગ્રેસના બાબુ વાજાનો વિજય થયો હતો અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

2017માં અમિત શાહે પોતે ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગતિયા માટે પ્રચાર કર્યો હતો, તેમ છતાં તેઓ ચૂંટણી હારી ગયા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

માંગરોળ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ગુજરાતમાં એવી 11 બેઠકો છે જેમાં મુસ્લિમ વસ્તી 35%થી વધુ છે. જેમાં માંગરોળનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કોળી સમાજની વસતિ 40% જેટલી છે. અહીની કુલ વસતિમાં એસસી અને એસટી સમુદાયની આબાદી 9 ટકાથી વધુ છે. એટલે કે માંગરોળની વિધાનસભા બેઠક પર કોળી અને મુસ્લિમ વોટર્સનું પ્રભુત્વ છે.

Back to top button