ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસને હજુ કેટલાંક ધારાસભ્યો તૂટશે તેવો ડર, વધુ કેસરીયા અટકાવવા અપનાવી આ રણનીતિ
ગાંધીનગરઃ કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રથમ બેઠક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરશે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પ્રથમ યાદી પર ચર્ચા થશે. ડૉ. રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિત પ્રદેશના અનેક મોટા નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે.
વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ યાદીની મંજૂરી મળી શકે છે
કોંગ્રેસ અધ્યક્ષના પદભાર ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત અનેક મોટા નેતાઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ રઘુ શર્મા જયપુરથી સીધા દિલ્હી પહોંચશે.ખડગે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ બેઠક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરશે. જેમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદીની મંજૂરી મળી શકે છે.
કોંગ્રેસ ધારાસભ્યો પર ભાજપની નજર
ગુજરાતમાં કોંગ્રેસના 63 ધારાસભ્યોમાંથી મોટાભાગના નેતાઓની ટિકિટ ફાઈનલ માનવામાં આવી રહી છે. જો કે ભાજપની નજર હજુ પણ કેટલાક ધારાસભ્યો પર ટકી છે, જેના કારણે કોંગ્રેસ તેમને ઉમેદવાર જાહેર કરતાં અચકાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ધારાસભ્યો પર ભાજપ લાંબા ગાળાથી નજર રાખીને બેઠું છે, પરંતુ હાલ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવામાં સફળતા મેળવી છે.
કોંગ્રેસના હજુ કેટલાંક ધારાસભ્યો તૂટી શકે છે
ગુજરાતમાં એવી પણ અટકળો થઈ રહી છે કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના લગભગ અડધા ડઝન કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટીનો સાથ છોડીને ભાજપના કેસરિયા ધારણ કરી શકે છે. ગુજરાતમાં ભાજપ આ ચૂંટણીમાં જીતનો નવો રેકોર્ડ બનાવવા ઈચ્છે છે.ગુજરાતમાં ભાજપ અત્યાર સુધીમાં સૌથી વધુ 127 બેઠકો જ જીતી શક્યું છે. જ્યારે સૌથી વધુ 144 બેઠકો જીતવાનો રેકોર્ડ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે છે.
કોંગ્રેસ ધારાસભ્યોને રોકવા ટિકિટનું ગાજર બતાવી રહી છે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની નજર માધવસિંહ સોલંકીના રેકોર્ડને તોડવા પર છે. કોંગ્રેસ પણ આ વાતથી વાકેફ છે, પરંતુ તે હાલ પોતાના ધારાસભ્યોને રોકવા માટે તેમને ટિકિટની લાલચ આપવાથી વધારે કશું કરી શકે તેમ નથી. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપ નેતાઓના સંપર્કમાં હોવાની અટકળો વારંવાર થતી રહી છે.