ગુજરાત વિધાનસભા ચૂંટણી : 46 ઉમેદવારોના નામ સાથે કોંગ્રેસની બીજી યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. પ્રથમ તબક્કાના મતદાન માટેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી હોય તેવામાં કોંગ્રેસે અગાઉ તેના ઉમેદવારનું પ્રથમ લીસ્ટ બહાર પાડી દીધા બાદ બીજી યાદી જાહેર કરવામાં કેટલાક અડચણ આવતા હોય તેમ જલ્દી યાદી જાહેર કરવામાં આવી ન હોય જેના કારણે અનેક તર્કવિતર્ક થતા હોય તેની વચ્ચે મધરાત્રે બીજી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 46 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં સૌરાષ્ટ્ર કચ્છ બેઠકના વધુ 25 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર કચ્છના 10 નામો જાહેર કરવામાં આવ્યા હતા.
જો કે આજે પણ રાજકોટ પૂર્વ અને પશ્ચિમ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. નારાજગી અને જુથવાદના કારણે કોંગ્રેસ રાજકોટ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. આજે રાજકોટ જિલ્લાની ગોંડલ, ધોરાજી અને જેતપુર બેઠક પરના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ બેઠક પર યતિશ દેસાઈ, ધોરાજી બેઠક પર લલિત વસોયા અને જેતપુર બેઠક પર દિપક વેકરિયાને ટિકિટ આપવામાં આવી છે. અગાઉ રાજકોટ દક્ષિણ, ગ્રામ્ય અને જસદણ બેઠકના ઉમેદવારની જાહેરાત પ્રથમ યાદીમાં કરવામાં આવી હતી.