ગુજરાત વિધાનસભા ચુંટણી : દિયોદર બેઠક માટે ચૂંટણી પહેલા 24 દાવેદારોનું લિસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ


- પૂર્વ મંત્રી કેશાજીનું નામ લિસ્ટમાં નથી
- આડકતરી રીતે બાદબાકી કરાઇ હોવાની ચર્ચા
પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કઈ બેઠક માટે કયા ઉમેદવારની પસંદગી કરાશે ? તેને લઈને જિલ્લામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન જ દિયોદર વિધાનસભા બેઠક માટે 24 જેટલા ચૂંટણી ઈચ્છુક દાવેદારોના નામ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. આ વાયરલ થયેલા લીસ્ટમાં પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણનું નામ નથી. જેને લઈને આડકતી રીતે કેશાજીને ટિકિટ ન આપવાની રજૂઆત કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

કેશાજી ચૌહાણ 2012 ની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટાયા હતા. અને ત્યારબાદ મંત્રી બન્યા હતા. જ્યારે 2017માં શિવાભાઈ ભુરિયા સામે તેમનો પરાજય થયો હતો. હવે કેસાજીનું નામ ન હોવાથી તેમની દાવેદારીને લઈને પણ ભાજપ સહિત જિલ્લામાં ભારે ચર્ચા છે. બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે, દિયોદર બેઠક ઉપરથી ભાજપના પ્રબળ અને લોક ચાહના ધરાવતા દાવેદારોનું જે લિસ્ટ સોશિયલ મીડિયામાં વહેતું થયું છે. તેમાં સામાજિક ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતા 24 ઉમેદવારોએ અંદરખાને એવું નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ પક્ષ જેને પણ ટિકિટ આપશે તો બધા સાથે મળીને કમળને વિજયી બનાવશે.