ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠાની 9 બેઠક પર ચૂંટણીમાં કોણ કોની સામે ટકરાશે
- થરાદ,ડીસા, ધાનેરા અને કાંકરેજ બેઠક પર પ્રતિષ્ઠાભર્યો જંગ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની 9 બેઠકો પર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાવવાનો છે. જેમાં થરાદમાંથી શંકરભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કાંકરેજમાંથી કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ડીસામાં વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યાની ટિકિટ કાપીને પ્રવીણ માળીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ બેઠકો ઉપર જિલ્લાના રાજકીય વિશ્લેષકોની ખાસ નજર પડી રહી છે. અને લોકો આ વિસ્તારના પરિણામો ઉપર પણ ભારે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે જોઈએ કોણ કોની સામે ટકરાશે?
વાવ : વાવ બેઠક પર હવે છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. જેમાં કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ભાજપમાંથી ઠાકોર સ્વરૂપજી અને આપ પાર્ટીમાંથી ડોક્ટર ભીમજી પટેલ સહિત બસપા અને અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે અહીંયા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને મજબૂત ગણાતા અપક્ષ ઉમેદવાર અમીરામ શંકરલાલ આશલ વચ્ચે નો ચૂંટણી જંગ રસાકસી ભર્યો બની રહે તેવી સંભાવના છે. અમીરામ આશલ ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સાથે હતા. આ વખતે તેમને અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે અહીંનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેવાનો છે. આ વિસ્તારમાં નર્મદાની કેનાલો તૂટવાના પ્રશ્નો વિશેષ છે.
થરાદ : થરાદ બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવાર મેદાનમાં છે. અહીંથી રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી વર્તમાન ધારાસભ્ય અને હેમાજીના પૌત્ર ગુલાબસિંહ રાજપુત ચૂંટણી લડી રહ્યા છે. જેથી આ બેઠક પણ પ્રતિષ્ઠા ભરી બની ગઈ છે. શંકરભાઈ વાવ બેઠક છોડીને થરાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીંયા સાંસદ પરબત પટેલનો તેમને પૂરતો સાથ મળશે તો શંકરભાઈ ચૂંટણીની વૈતરણી પાર કરી દેશે. બાકી હાલમાં કોંગ્રેસ- ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીંયા 97 ગામોના પીવાના પાણીનો પ્રશ્ન, જીઆઇડીસી તેમજ સરકારી સુવિધાજનક હોસ્પિટલ નો મુખ્ય પ્રશ્ન છે.
ધાનેરા : ધાનેરા બેઠક પર 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપમાંથી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ હાજાભાઇ પટેલ, કોંગ્રેસમાંથી વર્તમાન ધારાસભ્ય નથાભાઈ હેગોળા ભાઈ અને આપ પાર્ટીમાંથી દેવડા સુરેશ ત્રિકમાજી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ બેઠક પર ભાજપમાંથી બળવો કરીને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે તેમને શક્તિ પ્રદર્શન કર્યું હતું. હાલ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે બંને પક્ષોને અસર કરે તેવી સંભાવના છે. પરિણામે અહીંનો જંગ પણ તીવ્ર રસાકસી ભર્યો બની રહે તેવી પૂરી શક્યતા છે. ધાનેરા મતવિસ્તારમાં પાણી અને રેલ નદીના પુરની સમસ્યાઓ સતાવી રહી છે.
દાંતા : દાંતા બેઠક ઉપર સૌથી ઓછા ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવવાનો છે. આ બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય કાંતિભાઈ કાળાભાઈ ખરાડી ને ત્રીજી વખત રિપીટ કર્યા છે. જ્યારે ભાજપમાંથી પારગી લાઘુભાઈ ચાંદાભાઈને, તો આપ પાર્ટી એ નિવૃત્ત ડીવાય.એસ.પી. બુંબડીયા મહેન્દ્રભાઈ કેસરાભાઈ ને ટિકિટ આપી છે. જેવો આપ પાર્ટીમાં જોડાયા તેના બીજા જ દિવસે આપ પાર્ટી એ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. બુંબડીયા મહેન્દ્રભાઈ અગાઉ અપક્ષ પણ ઉમેદવારી કરી ચૂક્યા છે. અહીંયા ભાજપ- કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ખેલાશે. આપ પાર્ટીના ઉમેદવાર ભાજપ -કોંગ્રેસ એમ બંને પક્ષના મત તોડી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જ્યારે કાંતિભાઈ ખરાડી છેલ્લી બે ટર્મથી જીતતા આવ્યા છે. જેમને આ વખતે એન્ટી ઇનકમબન્સી નડી શકે છે. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં રોડ- રસ્તા ના મુખ્ય પ્રશ્નો છે.
વડગામ : વડગામની આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અહીંયા 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક ઉપર ગઈ ટર્મમાં અપક્ષ ઉમેદવારી કરીને વિજેતા બનેલા જીગ્નેશ મેવાણી આ વખતે કોંગ્રેસના ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયેલા મણીભાઈ વાઘેલા ને આ વખતે ભાજપે ટિકિટ આપી છે. જેવો અગાઉ આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. જ્યારે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે દલપત ભાટિયા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ઓવેસીના પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી જંગમાં છે. મોટાભાગે મુસ્લિમ અને દલિત મતદારોની સંખ્યા વધુ છે. અહીંના મુસ્લિમ આગેવાનોએ સ્થાનિક ઉમેદવારની માગણી કરી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ બહારના ઉમેદવાર મૂક્યા છે. પરંતુ આ બંને પક્ષો વચ્ચે સીધો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. આપ પાર્ટી ના ઉમેદવાર દલિત હોવાથી તેઓ પણ ભાજપના મત ખેરવે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા મુખ્ય છે.
પાલનપુર : પાલનપુર બેઠક પર નવ ઉમેદવાર ચૂંટણીના જંગમાં છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકર છે. જેઓ નો પરિવાર આરએસએસ સાથે જોડાયેલો છે. અનિકેત ઠાકર અગાઉ પાલનપુર શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. યુવા અને અભ્યાસુ છે. તેમના પિતાને સમાજમાં ‘ગુરુ’ તરીકે સૌ ઓળખે છે.જ્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલને ત્રીજીવાર ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આપ પક્ષમાંથી વકીલ રમેશ નાભાણી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ઉપર પણ ત્રિકોણીય જંગ ખેલાશે. પરંતુ મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રહેશે. જેમાં વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલ સામે પાલનપુર શહેરના પ્રશ્નોને લઈને લોકોમાં અસંતોષ જોવા મળે છે. પરંતુ આ બેઠક પર પટેલ, દલિત અને મુસ્લિમ મતદારો નિર્ણાયક ગણાય છે. તેથી અહીંયા પણ ભારે રસાકસી રહેવાની શક્યતા છે. પાલનપુર મત વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ સિંચાઈનું પાણી અને શહેરી વિસ્તારમાં રોડ-રસ્તા અને સફાઈના મુખ્ય પ્રશ્નો છે.
ડીસા : ડીસા વિધાનસભા બેઠક પર હવે 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાવવાનો છે. આ બેઠક ઉપર ભાજપના વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યાની ટિકિટ કપાઈ છે. જ્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ યુવા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપ પક્ષમાંથી પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળી અને કોંગ્રેસ પક્ષે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ના પુત્ર સંજય રબારીને ચૂંટણી લડાવી છે. બંને યુવા ચહેરાઓ માટે ધારાસભ્યની પ્રથમ ચૂંટણી છે. પરંતુ પ્રવીણ માળી ડીસા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમને શહેરમાં કરેલા કામોને લઈને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. અને ભાજપમાં ઉચ્ચકક્ષાએ સફળ કામગીરી નિભાવી છે. તેમનો જંગ કોંગ્રેસ અને આપના ઉમેદવાર ડોક્ટર રમેશ ચૌધરી સાથે થવાનો છે. ડોક્ટર રમેશ ચૌધરી સેવાભાવી તબિબ તરીકે જાણીતા છે. આ બેઠક ઉપર લેબજી ઠાકોરે પણ ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર ઠાકોર સમાજના નોંધપાત્ર મતદારો છે. જેના કારણે ભાજપને તેની અસર થવાની સંભાવના છે. જેથી અહીંયા આ વખતની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ ખેલાશે. અને ભારે રસાકસી વાળો રસપ્રદ અને પ્રતિષ્ઠા ભર્યો જંગ બની રહેવાનો છે. ડીસામાં મુખ્યત્વે ઓવરબ્રિજ નીચેના રસ્તા, ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંડા જતા સિંચાઈના પાણીનો મુખ્ય પ્રશ્ન છે.
દિયોદર : બનાસકાંઠા જિલ્લાની દિયોદર બેઠક પર પાંચ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપના કેસાજી શિવાજી ચૌહાણ (ઠાકોર) ચૂંટણી લડે છે. જે રાજ્યના પૂર્વ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શીવાભાઈ ભુરીયાને રીપીટ કરવામાં આવ્યા છે. આ બેઠક પર આપ પાર્ટી એ ભેમાભાઈ ચૌધરીને પણ મેદાનમાં ઉતાર્યા છે. એટલે અહીંયા ત્રિપાંખિયો જંગ નક્કી છે. કેશાજી ગત ચૂંટણીમાં માત્ર 972 મતથી પરાજિત થયા હતા. આ વખતે તેમને આપના ઉમેદવારનો પણ સામનો કરવાનો છે. ત્યારે ત્રિપાંખિયા જંગમાં કોણ સફળ થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે. આ વિસ્તારમાં બ્રિજ નો પ્રશ્ન તેમજ જીઆઇડીસી નો પ્રશ્ન મુખ્ય છે.
કાંકરેજ : કાંકરેજ વિધાનસભા બેઠક માટે હવે સાત ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આ બેઠક પર રાજ્યના વર્તમાન મંત્રી કીર્તિસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર છે. જેઓ બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃતજી મોતીજી ઠાકોરને ચૂંટણી લડાવી છે. આપ પાર્ટી એ મુકેશ ઠક્કરને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક ઉપર મંત્રી ચૂંટણી લડતા હોવાથી પ્રતિષ્ઠાભર્યો જંગ ગણાઈ રહ્યો છે. અહીંયા દરબાર અને ઠાકોર સમાજના વધુ મતદારો છે. ત્યારે ભાજપ -કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહે તેવી સંભાવના છે. આ વિસ્તારમાં 2017માં આવેલા પૂરમાં ખારીયાના અસરગ્રસ્તોનો પ્રશ્ન તેમજ જીઆઇડીસી માટે પસંદ કરવામાં આવેલી જગ્યા યોગ્ય ન આવવાનો પ્રશ્ન મુખ્ય છે. જ્યારે કેટલાક ગામોમાં પીવાના ખારા પાણીનો પ્રશ્ન પણ મતદારોને સતાવે છે.
આ પણ વાંચો : કેવું છે ભાજપનું મીડિયા સેન્ટર, જ્યાંથી ઓપરેટ થાય છે તમામ માહિતી, જુઓ વિડીયો