ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
સૌપ્રથમ વાત કરીએ કચ્છ જિલ્લાની…. કચ્છ જિલ્લામાં વિધાનસભા 6 સીટ આવે છે. જેમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર છે.
1) અબડાસાઃ
અબડાસા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પ્રથમ નંબરની બેઠક છે. આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. આ બેઠકમાં ત્રણ તાલુકા અબડાસા, લખપત અને નખત્રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક કચ્છના પશ્ચિમી વિસ્તારમાં આવેલી છે અને આખા વિસ્તારને ખનિજ સંપદામાં કાચું સોનું માનવામા આવે છે. અબડાસા તાલુકામાં બેન્ટોનાઇટ ખનીજ મળી આવે છે. ખારી નદી, કનકાવતી, બેરાચીયા મુખ્ય નદીઓ છે. અબડાસા તાલુકામાં આવેલું તેરા એક હેરિટેજ વિલેજ છે.
રાજકીય સમીકરણ
કચ્છની અબડાસા સીટ પર હંમેશાથી પક્ષપલટુઓનું રાજકારણ હાવી રહ્યું છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં દરેકની નજર આ સીટ પર રહેશે. અબાડાસાની સીટ પર ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ જીતતું રહ્યું છે. અહીં કોઈ એક રાજકીય પક્ષનું પ્રભુત્વ નથી.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
વર્ષ 2017ની અબડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા જીત્યા હતા પરંતુ તેઓએ અંતે ભાજપના ગઢમાં સામેલ થઈ ગયા. ત્યારે 2020ની પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહને જ ટિકિટ અપાઈ હતી અને તેઓ વિજયી બન્યા હતા.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા. જાડેજાને 48.8 ટકા વોટ મળ્યા હતા4. તો ભાજપના ખાતામાં 42.3 ટકા વોટ પડ્યા હતા. અબડાસા સીટ પર 11 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જેમાંથી 9 ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હતી.
2017ની ચૂંટણી જીત્યા બાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ત્યારે વર્ષ 2020માં આ બેઠક પર પેટાચૂંટણી લડાઈ હતી. જેમાં ભાજપે પ્રદ્યુમનસિંહને જ ટિકિટ આપી હતી. પ્રદ્યુમનસિંહ પેટા ચૂંટણીમાં 36 હજાર વોટથી જીત્યા હતા.
વર્ષ 2012માં ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી. જેના લીધે ભાજપને ઘણી બેઠક પર નુકશાન સહન કરવું પડ્યું હતું. જો કે આ વખતે આમઆદમી પાર્ટી મેદાનમાં છે . જે મહદ અંશે કોંગ્રેસની વોટબેંકને નુકશાન કરી શકે છે.
વર્ષ 2012 માં કોંગ્રેસના જ છબીલ પટેલ વિજેતા બન્યા હતા. જો કે આ બેઠક પર વર્ષ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય છબીલ પટેલ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જ ભાજપમાંથી લડેલા છબીલ પટેલ 764 મતથી ચૂંટણી હારી ગયા હતાં.
વર્ષ 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલ વિજેતા બન્યા હતા. વર્ષ ૨૦૧૪ની પેટાચુંટણી પાતળી બહુમતીથી કોંગ્રેસે આ બેઠક જાળવી રાખી હતી. ત્યારબાદની સ્થાનિક ચુંટણીઓમાં કોંગ્રસનો દેખાવ સારો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ ભાજપે ફરી એકવાર કમબેક કર્યું હતું. જયારે વર્ષે 2007માં ભાજપના જયંતિ ભાનુશાળીએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો.
આ બેઠક પર મતદારોની સંખ્યા
અબડાસા બેઠક પર કુલ 2,53,096 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,22,947 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,30,146 છે.
અબડાસા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠક પર સવર્ણ મતદાતાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત ઓબીસી, એસટી, લઘુમતી અને બાકીના અન્ય જાતિના મતદારો છે.
વાંચોઃ ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું કેટલીક અંદરની વાતો, તમામ પક્ષોની વાત અને સાથે મુખ્ય ઘટનાઓ પર નજર
2) માંડવીઃ
માંડવી બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી બીજા નંબરની બેઠક છે. આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. માંડવી એક પ્રવાસન સ્થળ છે. કચ્છના રાજા ખેંગારજીએ 1574માં બંદરગાહ શહેર તરીકે માંડવીની સ્થાપના કરી હતી. સુંદર સાગરકીનારો, 20 જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. વહાણ બાંધવાના ઉદ્યોગ ઉપરાંત પશુપાલન, ખેતી, માછીમારી, કાપડનો લઘુ ઉદ્યોગ, બાંધણી, ભરતકામના કારણે પણ જાણીતું છે. માંડવી તેની સ્વાદિષ્ટ દાબેલી માટે પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં જે કચ્છની દાબેલી પ્રખ્યાત છે તેની શોધ માંડવીમાં થઇ હતી.
રાજકીય સમીકરણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આપ અને કેટલીક બેઠક પર અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતના 10 ટકા મુસ્લિમ વોટ બેંક પર હક કરનાર ઓવૈસીની પાર્ટીની જે સીટ પર નજર છે તેમાંથી કચ્છની માંડવી બેઠક પણ છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 15 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક પર ખરાખરીને જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો હતો. જેમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાનો 9046 મતોના માર્જીનથી વિજય થયો હતો. ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને 79 હજાર 469 મત મળ્યા હતા.
માંડવી બેઠક પર ઘણાં લાંબા સમયથી ભાજપનો કબજો છે. મુસ્લિમ બહુમતીવાળી સીટ હોવા છતાં વર્ષોથી અહીં ભાજપ જીતે છે. 1985થી 2002 સુધીની ચૂંટણીમાં માંડવી બેઠક પર ભાજપનો જ કબજો રહ્યો છે. આ સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ જીત્યા હતા. સુરેશ મહેતા આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા.
2002ના રમખાણ બાદ આ સીટ પર કોંગ્રેસના છબીલ પટેલે જીત મેળવી હતી. જો કે 2007ની વિધાનસભા ચૂંટણી છબીલ પટેલા હારી ગયા. જે બાદથી 2017 સુધી ભાજપના જ ઉમેદવાર જીતતા આવ્યા છે.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના તારાચંદ છેડા ચુંટણી જીત્યા હતા. જેમણે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ પરમાર કરતા 6.09 ટકા મત વધારે મેળવ્યા હતા. ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠકમાં માંડવી અને મુંદ્રા તાલુકાના ગામનો સમાવેશ થાય છે. જયારે આ બેઠક પરથી વર્ષ 2007માં ભાજપના ધનજીભાઈ સેંધાઈ ચૂંટણી જીત્યા હતા.
આ બેઠક પરથી વર્ષ 2002માં કોંગ્રેસના છબીલ પટેલે ચુંટણી જીતી હતી. જે વર્ષ 2014માં ભાજપમાં જોડાયાં હતા. જે અબડાસા બેઠક પરથી ભાજપ તરફથી મામુલી સરસાઈથી ચૂંટણી હાર્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
માંડવી બેઠક પર કુલ 2,57,359 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,25,380 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,31,978 છે.
માંડવી બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો 35 ટકા સવર્ણ, 21 ટકા મુસ્લિમ અને 13 ટકા દલિત મતદારો છે. આ ઉપરાંત 15 ટકા ઓબીસી મતદારો છે અને 7 ટકા એસટી મતદાતાઓ છે.
3) ભુજઃ
ભુજ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની ત્રીજા નંબરની બેઠક છે. ભુજ એ કચ્છ જિલ્લાનું વડુમથક છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહરે છે.ભુજની સ્થાપના ઇ.સ. 1549માં કરવામાં આવી હતી. અહીં 2001ના ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજમાં સુંદર કોતરણી ધરાવતા મહેલ, મંદિરો જોવાલાયક છે. પાંચ ગઢના નાકા ભુજના ઇતિહાસની યાદ અપાવે છે. ભુજના જોવાલાયક સ્થળોમા પ્રાગ મહેલ, કાળો ડુંગર, દત્ત મંદિર, આઇના મહેલ, હમિરસર તળાવ છે. ભુજ તાલુકામાં આવેલું માધાપર ગામ એશિયાનું સૌથી ધનિક ગામ ગણાય છે.
રાજકીય સમીકરણ
ભુજ બેઠકના મતદારોની વાત કરીએ ગ્રામીણ અને શહેરી બંને પ્રકારના મતદારો આ બેઠક પર જોવા મળે છે. આ બેઠક પર NRI મતદારોની સંખ્યા પણ વધારે છે. કચ્છ લોકસભામાં સમાવિષ્ટ આ બેઠકમાં સમગ્ર ભુજ તાલુકાનો સમાવેશ થાય છે. ભુજ સીટ પર ભાજપ છેલ્લી 7 ચૂંટણીમાંથી માત્ર 2002માં જ ચૂંટણી હાર્યું હતું.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ભુજ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર જ જીતતા આવ્યા છે. ડો. નિમાબેન આચાર્ય સળંગ બે ટર્મથી વિજયી થયા છે. 2017ની ચૂંટણીમાં ભાજપના ડો. નિમાબેન આચાર્યનો 14,022 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 86,532 મત મળ્યા હતા.
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ડો. નીમાબહેન આચાર્ય ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યાં હતા. તેમણે કોંગ્રેસના અમીરાલી હાજીહુસેન લોઢીયાને 11 ટકા મતથી હરાવ્યા હતા.આ બેઠક પર વર્ષ 2007માં ભાજપના વાસણ આહિરે કોંગ્રેસના શિવજી આહિરને 16 ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી.
જો કે 2002માં આવેલા વિનાશક ભૂકંપથી આ વિસ્તારમાં ઘણું જ નુકસાન થયું હતું. ભૂકંપ પછી ગુજરાત રમખાણને કારણે ભુજના મતદાતાઓમાં ઘણી નારાજગી જોવા મળી રહી હતી. આ કારણે વર્ષ 2002ની ચૂંટણી ભાજપના વાસણભાઈ આહિર હારી ગયા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ભુજ બેઠક પર કુલ 2,90,952 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,43,468 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,47,483 છે.
ભુજ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો પાટીદાર, દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. આ બેઠક 37 ટકા સવર્ણ મતદારો, 36 ટકા લધુમતી મતદારો અને 35 ટકા પાટીદાર મતદારો છે. આ ઉપરાંત 22 ટકા એસસી ને 9 ટકા ઓબીસી મતદારો છે.
4) અંજારઃ
અંજાર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ચોથા નંબરની બેઠક છે. આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. અંજાર શહેર જેસલ-તોરલની સમાધિના કારણે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ શહેરને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત છરીની બનાવટ,સૂડી, બાંધણી, ચામડાની બનાવટોના કારણે પણ અંજાર જાણીતું છે.
રાજકીય સમીકરણ
અંજાર શહેરની સ્થાપના રાજા અજય પાલે કરી હતી, તે સમયે સમગ્ર વિસ્તારમાં અનાજના ગોદામ ન હતા જેના કારણે આ શહેરને અંજાર તરીકે ઓળખાય છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે યોજાનારી આ ચૂંટણી આ વખતે ખુબ જ મહત્વની છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે સિવાય આમઆદમી પાર્ટી પણ મેદાનમાં છે. વર્ષ 2012માં ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી. જેના લીધે ભાજપને ઘણી બેઠક પર નુકશાન સહન કરવું પડ્યું હતું. જો કે આ વખતે આમઆદમી પાર્ટી મેદાનમાં છે .
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો વિજય થયો છે અને વાસણ આહિર સળંગ બે ટર્મથી વિજયી થયા છે. 2017ની ચૂંટણીમાં ભાજપના વાસણ આહિરનો 11,313 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 75,331 મત મળ્યા હતા. આ બેઠકની ઐતિહાસિક વિગત પર નજર ફેરવીએ તો વાસણ આહિર 1995 અને 1998માં પણ આ બેઠક પરથી વિજયી થયા હતા.
2012માં ભાજપના વાસણ આહિર જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વી. કે. હુંબલને માત્ર ૩ ટકા મતથી હરાવ્યા હતા. વાસણ આહિરનો આ બેઠક પરથી માત્ર 4,728 મતથી વિજયી થયા હતા.
જયારે આ પૂર્વે 2007ની ચૂંટણીમાં જુના સીમાંકનમાં આ બેઠક પરથી ભાજપના નીમાબેન આચાર્ય જીત્યાં હતા. તેમણે કોંગ્રેસના વી. કે. હુંબલને 11 ટકા મતથી હરાવ્યા હતા.
અંજાર બેઠક પર મતદારોની સંખ્યા
અંજાર બેઠક પર કુલ 2,70,813 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,32,507 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,38,3906 છે.
ભુજ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર આહિર, દલિત, મુસ્લિમ, રબારી, પાટીદાર અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક છે. આહિર, દલિત અને મુસ્લિમ જ્ઞાતિના મતદારો કોઇપણ પક્ષનું સમિકરણ બદલી શકે છે.
વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી : છેલ્લી પાંચ ટર્મમાં થયું સરેરાશ આટલું મતદાન, જાણો આંકડા
5) ગાંધીધામઃ
ગાંધીધામ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પાંચ નંબરની બેઠક છે. આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. કંડલા બંદરનો વિકાસ થવાથી ગાંધીધામની આસપાસના ઉદ્યોગોને પણ ફાયદો થયો છે. મેરી ટાઈમ, ટ્રાન્સપોર્ટ, શિપિંગ સહિતના ઉદ્યોગોના કારણે ગાંધીધામ રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. કંડલા બંદર ઉપરાંત ગાંધીધામ તાલુકામાં પાતળીયા હનુમાન અને હાજલ દાદાનો અખાડો જાણીતા સ્થળ છે.
પાકિસ્તાનથી સિંધી સમાજના લોકો કચ્છના રણમાં આવ્યા અને આ શહેરનું નિર્માણ કર્યું હતું. ગાંધીજી ગુજરાત આવવાના હતા અને આ શહેરનો પાયો નાંખવાના હતા પરંતુ તેમની હત્યા થતાં આ વાયદો અધૂરો રહ્યો હતો. નવી દિલ્હીથી ગાંધીજીના થોડા અસ્થિ અહીં લાવવામાં આવ્યા હતા અને આ નવા શહેરનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યું હતું. દિલ્હી બાદ આદિપુર એક એવું સ્થળ છે જ્યાં ગાંધીજીની સમાધિ આવેલી છે.
રાજકીય સમીકરણ
કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની બેઠક ગાંધીધામ SC એટલે દલિત ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠકમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાંક ગામ અને અંજાર તાલુકાનું એક ગામ વરસાનાનો સમાવેશ થાય છે. આ બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2008ના નવા સીમાંકનમાં મુંદ્રા SC બેઠક રદ થઈ અને ગાંધીધામ SC બેઠકનું ગઠન થયું હતું.
છેલ્લી ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી. અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક ભાજપના ગઢ ગણાય છે. આ બેઠક પર 2017માં માલતી મહેશ્વરીનો વિજય થયો હતો. તેમને 79,713 મત મળ્યા હતા અને 20,270 મતોના માર્જીનથી વિજય થયો હતો.
વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રમેશ માહેશ્વરી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન ચાવડાને 16 ટકા મતોથી હરાવ્યા હતા.
ગાંધીધામ બેઠક પર મતદારોની સંખ્યા
ગાંધીધામ બેઠક પર કુલ 3,14,991 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,48,093 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,66,892 છે.
ગાંધીધામ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર 25 ટકા સવર્ણ, 17 ટકા ઓબીસી, 17 ટકા લઘુમતી, 16 ટકા એસસી અને 12 ટકા અન્ય જાતિના મતદારો છે.
6) રાપરઃ
રાપર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી છઠ્ઠા નંબરની બેઠક છે. આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. એક સમયે રાપરને રાહપર તરીકે ઓળખવામાં આવતું હતું. રાપર તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો તાલુકો છે. તેની ઉત્તરમાં કચ્છનું મોટું અને દક્ષિણમાં નાનું રણ આવેલું છે. રાપર તાલુકાના બાદરગઢની ટેકરીમાંથી નીકળતી લાકડિયાવલી નદી 42 કિ.મી. લાંબી છે અને કચ્છના રણમાં સમાઇ જાય છે.
રાજકીય સમીકરણ
ગુજરાતની કચ્છ જિલ્લાની ત્રીજી મહત્વની વિધાનસભા બેઠક એટલે રાપર. રાપર વિધાનસભા બેઠક પર હંમેશા રસાકસીભરી જોવા મળે છે. ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર વિજયી બને છે. રાપર નજીક જ હડપ્પન સંસ્કૃતિના જુના શહેર ધોળાવીરા સ્થિત છે. રાપર વિધાનસભા બેઠકમાં રાપર અને ભચાઉ બે તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉ તાલુકાના ધોળાવીરા, ખરોડા, કલ્યાણપુર, જાનન, રતનપર, ગઢડા, અમરાપર સહિતના 46 ગામોનો સમાવેશ થાય છે.
છેલ્લી ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2017ની ચૂંટણી કોંગ્રેસના સંતોકબેન આરેઠિયાનો 15,209 મતના માર્જીનથી વિજય થયો હતો. સંતોકબેન આરેઠિયાને 63,814 મત મળ્યા હતા.
વર્ષ 2014ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પંકજ મહેતા જીત્યા હતા. ભાજપના પંકજ મહેતાએ કોંગ્રેસના બાબુ મેધજી શાહને કરતા 12 ટકા વધુ મત મેળવ્યા હતા.
જયારે વર્ષ 2012માં ભાજપના જ વાઘજીભાઈ પટેલ વિજેતા બન્યા હતા. તો 2007ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના બાબુ મેઘજી શાહે ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને હરાવીને જીતી હતી.
રાપર બેઠક પર મતદારોની સંખ્યા
ગાંધીધામ બેઠક પર કુલ 2,47,463 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,17,779 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,29,683 છે.
રાપર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
રાપર બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે. આ બેઠક પર 51 ટકા ઓબીસી, 22 ટકા સવર્ણ, 14 ટકા લઘુમતી, 13 ટકા એસસી મતદાતાઓ છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ભાજપ કચ્છની તમામછ સીટ પર ભગવો ફરકાવવા માગતી હોય તો તેમણે વાગડમાં પાટીદારના દબદબાને ધ્યાને રાખવું જરૂરી છે. રાજકીય પંડિતના મતે પશ્ચિમ કચ્છમાં કોઈ લોકપ્રિય વરિષ્ઠ નેતાને મેદાનમાં ઉતારવાથી ભગવા બ્રિગેડને ફાયદો થઈ શકે છે.