ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સુરેન્દ્રનગરની 5 બેઠક પર કોંગ્રેસનો દબદબો છે, શું 2022માં 2017નું પુનરાવર્તન જોવા મળશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની…. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની 5 સીટ આવે છે. જેમાં ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા, લિંબડી અને વઢવાણ સામેલ છે.
1) ચોટીલાઃ
ચોટીલા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 63મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠકમાં ચોટીલા તાલુકો અને મુળી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. ચોટીલા ચામુંડા માતાના મંદિરના કારણે પણ જગ વિખ્યાત છે. ચોટીલાના પર્વત પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અહીં દર્શનાર્થે આવે છે.
રાજકીય સમીકરણ
સુરેન્દ્રનગરની ચોટીલા સીટ પર ચોટીલામાં કોઇ એક પક્ષનું ક્યારેય પણ વર્ચસ્વ રહ્યું નથી. ચોટીલા વિધાનસભા પર પહેલી ચૂંટણી 1962માં થઈ હતી. ચોટીલા સીટ પર કોળી સમાજનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધુ વખત કોંગ્રેસનો વિજય થયો છે. 1990થી 2017 સુધીમાં ભાજપ માત્ર એકજ વખત આ બેઠક જીતી શક્યું હતું અને એ પણ 2012માં. જો કે આ બેઠક પર 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ત્રણેય પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.
વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ગત ચૂંટણીમાં ચોટીલા બેઠક પર કોંગ્રેસના ઋત્વિક મકવાણાનો 23887 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમણે 79960 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ચોટીલા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ચોટીલા બેઠક પર મતોનું પ્રભુત્વ જોઇએ તો આ બેઠક પર તળપદા કોળી મતોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત ભરવાડ-રબારી, ચુવાળિયા કોળી, એસસી, કાઠી દરબાર, ગીરાસદાર ક્ષત્રિય, રજપૂત, પ્રજાપતિ, પાટીદાર મતદાતાઓ નિર્ણાયક સાબિત થઇ શકે છે.
2) દસાડા
દસાડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 60મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠક હેઠળ દસાડા તાલુકો,લખતર તાલુકો અને લીંબડી તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરાયો છે. દસાડા તાલુકામાં આવેલુ ખારાઘોડા મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે. કચ્છના નાના રણમાં આ વિસ્તાર આવેલો છે. ઘુડખર અભ્યારણ્યનો કેટલોક ભાગ પણ આ વિસ્તારમાં આવેલો છે.
રાજકીય સમીકરણ
ગુજરાતમાં દસાડાની સીટ દલિતો માટે આરક્ષિત છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને જ વારાફરતી વાર જીતતા આવ્યા છે. આ વખતે આપની પણ ટક્કર જોવા મળશે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળશે, જેમાં કોનું પલડું ભારે તે જોવું ઘણું જ રસપ્રદ હશે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
દસાડા સીટ પર 1990થી 2017 સુધી સાત વખત ચૂંટણી થઈ, જેમાં 5 વખત ભાજપે જીત મેળવી છે જ્યારે બે વખત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. દસાડા બેઠક પર પહેલીવાર ભાજપનો વિજય 1990માં થયો હતો.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં દસાડા બેઠક પર વર્ષ 2017માં કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
વાંંચોઃ ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં થશે રૂ. 450 કરોડનો અધધ ખર્ચ
2017માં ભાજપે વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ રમણલાલ વોરાને જ્યારે કોંગ્રેસે યુવાનેતા નૌશાદ સોલંકીને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભાજપે હારનો સામનો કરો પડ્યો હતો અને કોંગ્રેસે 10 વર્ષ બાદ જીત મેળવી હતી. જો કે કોંગ્રેસના ઉમેદવાર નૌશાદ સોલંકીએ રમણલાલ વોરાને 3728 મતથી જ હરાવ્યા હતા. રમણલાલ વોરા પહેલાં ઇડરથી ચૂંટણી લડતા હતા પણ ગત વખતે પક્ષે દસાડા સીટની ટિકિટ આપી હતી.
આ બેઠક પર મતદારોની સંખ્યા
દસાડા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
દસાડા બેઠક પર કોઈ એક જ્ઞાતિનો ખાસ પ્રભાવ જોવા નથી મળતો, પરંતુ તળપદા કોળી, ચુવાળીયા કોળી, દલિત, પટેલ, મુસ્લિમ સહિતના મતદારો જ્ઞાતિના સમીકરણોમાં જોવા મળે છે. તળપદા કોળી 11.66 ટકા, ચુવાળીયા કોળી ૧૫.૫૪ ટકા, દલિત 13.27ટકા, પટેલ 10.47 ટકા, મુસ્લિમ 10.92 ટકા તેમજ માલધારી અને રાજપૂત સમાજ અનુક્રમે 6.77 ટકા અને 5.49 ટકા વસ્તી ધરાવે છે.
3) ધ્રાંગધ્રાઃ
ધ્રાંગધ્રા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 64મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠકમાં ધ્રાંગધ્રા તાલુકો અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો સમાવેશ થાય છે. 1925માં ભારતની સૌપ્રથમ સોડ એશી ફેક્ટરી ધ્રાંગધ્રામાં સ્થાપવામાં આવી હતી અને વર્ષો બાદ તેનું નામ બદલીને ડીસીડબલ્યુ રાખવામાં આવ્યું હતું. કચ્છનું નાનું રણ અને કચ્છ ઘુડખર અભ્યારણ્ય આ વિસ્તારમાં આવેલું છે.
રાજકીય સમીકરણ
ધ્રાંગધ્રા બેઠક 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર 1995થી 2002 સુધી ભાજપનો દબદબો હતો. ભાજપના આઇકે જાડેજા સતત ત્રણ ટર્મ સુધી ધ્રાંગધ્રાના ધારાસભ્ય રહ્યા હતા. 2007ની ચૂંટણીથી રાજકીય સમિકરણો બદલાયા અને ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર જીતે છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2007માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી હતી. જોકે 2012માં ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી પરત મેળવી લીધી હતી. પરંતુ 2017માં ફરીએકવાર આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 9 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પરસોત્તમ સાબરિયાનો 13916 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 97135 મત મળ્યા હતા. જો કે ચૂંટણી જીત્યા બાદ પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાઈ ગયા હતા. અને પેટાચૂંટણીમાં તેઓએ ભાજપમાંથી લડી જીત મેળવી હતી.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ધ્રાંગધ્રા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ધ્રાંગધ્રા બેઠક પર મતોનું પ્રભુત્વ જોઇએ તો આ બેઠક પર કોળી, દલિત અને દલવાડી સમાજના મતોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય, રાજપૂત, ભરવાડ-રબારી, દલિત, મુસ્લિમ મતો સમિકરણો બદલી શકે છે.
4) લીંબડીઃ
લીંબડી બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 61મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠકમાં લીંબડી તાલુકો, સાયલા તાલુકો અને ચુડા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકીય સમીકરણ
લીંબડી બેઠક હંમેશા રસાકસીભરી રહી છે. આ બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા સૌથી વધુ વખત ચૂંટણી લડ્યા છે. 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાન ભરવાડનો 19 હજાર કરતા વધુ મતથી વિજય થય હતો.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ કોંગ્રેસના ભવાનભાઈને હરાવ્યા હતા. તો વર્ષ 2002માં કોંગ્રેસના ભવાનભાઈએ ભાજપના ઉમેદવાર કિરીટસિંહને હરાવ્યા હતા. જ્યારે 1998ની ચૂંટણીમાં કિરીટસિંહ રાણાએ કોંગ્રેસના ઉમેદવાર ચતુરભાઈ કોળીપટેલને હરાવીને ચૂંટણી જીતી હતી.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
છેલ્લી બે ટર્મમાં એટલે કે 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો આ બેઠક પરથી વિજય થયો હતો. બન્ને ટર્મમાં કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ જીત્યા હતા. 2017માં સોમા ગાંડા પટેલનો 14651 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 83909 મત મળ્યા હતા.
જોકે સોમા પટેલ રાજ્યસભામાં સાંસદ બનતા 2020માં આ બેઠક પર પેટા ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપના કિરીટસિંહ રાણાનો વિજય થયો હતો.
લીંબડી બેઠક પર મતદારોની સંખ્યા
5) વઢવાણાઃ
વઢવાણ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 62મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. વઢવાણ ત્રાંબા પિત્તળ, કાંસાના વાસણો બનાવવા માટે જાણીતું છે. કવિ દલપતરામ, ન્હાનાલાલ કવિ, મનુભાઈ પંચોળી સહિતના લેખકોનું વતન વઢવાણ છે.
રાજકીય સમીકરણ
1990થી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1990માં ભાજપના રણજીતસિંહ ઝાલાએ કોંગ્રેસના જશુભાઈ ભદ્રેશીવાળાને હરાવીને ભાજપનો વિજયપથ આ બેઠક પર નક્કી કર્યો હતો.
વાંચોઃ ગુજરાત ચૂંટણી : આ છે નેસથી લઈ ટાપુ સુધીના વિશિષ્ટ મતદાન કેન્દ્રો, જાણો રસપ્રદ માહિતી
છેલ્લી ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 16 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
1980 અને 1985માં કોંગ્રેસ આ બેઠક પર જીત્યા બાદ 1990માં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. જે બાદ 35 વર્ષથી આ બેઠક ભાજપના કબજામાં છે.
2007 અને 2012માં વર્ષાબેન દોશી આ બેઠક ભાજપની ટિકિટ પર જીત્યા હતા.
2017ની વાત કરીએ તો ધનજીભાઈ પટેલનો 19524 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 89595 મત મળ્યા હતા.
વઢવાણ બેઠક પર મતદારોની સંખ્યા
વઢવાણ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
વઢવાણ બેઠક પર મતોનું પ્રભુત્વ જોઇએ તો આ બેઠક પર તળપદા અને ચુવાળીયા કોળી મતોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત દલિત, મુસ્લિમ, રાજપૂત અને જૈન મતદાતાઓ નિર્ણાયક સાબિત થઇ શકે છે. તળપદા કોળી 14.11 ટકા, ચુવાળીયા કોળી 4.36, પટેલ 5.82, દલિત 12.30 ટકા, મુસ્લિમ 10 ટકા, રાજપૂત 8.62 ટકા અને જૈન મતદાતાઓની સંખ્યા 8.90 ટકા છે.