ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગત ચૂંટણીમાં મોરબીની તમામ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી, આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
વાત કરીએ મોરબી જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 3 સીટ આવે છે. મોરબી, ટંકારા અને વાંકાનેર આવે છે.
1) મોરબીઃ
મોરબી બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 65 નંબરની બેઠક છે. આ બેઠક મોરબી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. 2013માં મોરબીને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. એક સમયે મોરબીને મોરવી કહેવામાં આવતું હતું અને દૂધ-ઘીની નદીઓ વહેતી હતી.
ઔદ્યોગિક નગરી તરીકે મોરબી વિકસિત શહેર છે. સિરામિક, ઘડિયાળ, નળિયા અને પેપરમિલના ઉદ્યોગો માટે મોરબી જાણીતું છે. વિશ્વભરમાં મોરબીમાંથી સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટ થાય છે. મોરબી મોટી આપત્તિઓનું સાક્ષી છે. 1979માં મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો અને વિનાશક તારાજી સર્જાઈ હતી.
વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રાજકોટ બેઠક પર શું ભાજપ પોતાનું વર્ચસ્વ યથાવત રાખી શકશે?
રાજકીય સમીકરણ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 6 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967ની વિધાનસભા ચૂંટણીમાં ‘સ્વતંત્ર પાર્ટી’ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
મોરબી માળિયા વિધાનસભા બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ હતી. ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ અમૃતિયા 5 ટર્મથી સતત ચૂંટાઈ આવતા હતા. જોકે પાટીદાર આંદોલનને કારણે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા.
વાંચોઃ મહેસાણા એટલે રાજકીય લેબોરેટરી જાણો આ વખતે કેવો છે “જનાદેશ”
2017માં કોંગ્રેસના બ્રિજેશ મેરજાનો આ બેઠક પરથી 3,419 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 89,396 મત મળ્યા હતા. જોકે તેઓ ભાજપમાં જોડાઈ જતાં આ બેઠક પર પેટા ચૂંટણી થઇ હતી. જેમાં બ્રિજેશ મેરજાનો વિજય થતાં ભાજપ ફરી આ બેઠક જીતવામાં સફળ રહ્યું હતું.
આ બેઠક પર વર્ષ 2020માં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે જયંતિ જયરાજને ટિકિટ આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થઇ હતી.
આ બેઠક પર મતદારોની સંખ્યા
મોરબી બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
મોરબીને પાટીદારોનું હબ ગણવામાં આવે છે. અહીં પાટીદારોની વોટબેંક ખૂબ મજબૂત છે. આ ઉપરાંત આ બેઠક પર લઘુમતી અને સતવારા સમાજના મતોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત દલિત, જૈન, લોહાણા, બ્રાહ્મણ, આહિર, ક્ષત્રિય મતો સમિકરણો બદલી શકે છે.
2) ટંકારાઃ
ટંકારા વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની એક છે. ટંકારા મોરબી જીલ્લાનું નાનું શહેર છે. તે રાજકોટથી 40 કિલોમીટર અને મોરબીથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. ટંકારા આર્ય સમાજના લોકો માટે પવિત્ર શહેર ગણાય છે, કારણ કે ટંકારા આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે.
વાંચોઃ અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યની ભરમાર સાથે આ વખતે ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો
દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા હોવા છતાં આજદિન સુધી આ પવિત્ર ભૂમિને યાત્રાધામનો દરજ્જો મળ્યો નથી. ટંકારામાં ખેતી મુખ્ય ધંધો છે અને કપાસ ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. ટંકારામાં કેટલીક કોટન મિલો આવેલી છે, જેના કારણે લોકોને રોજગારી મળે છે. ટંકારા અગાઉ રાજકોટ જિલ્લાનો ભાગ હતો, પરંતુ મોરબી અલગ જિલ્લો બન્યા બાદ ટંકારા મોરબી જિલ્લાનો ભાગ બન્યો.
રાજકીય સમીકરણ
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો આ પહેલા બેઠક કોંગ્રેસનો ગઢ બની રહી હતી.
ગુજરાતની ટંકારા વિધાનસભા બેઠક પર અઢી દાયકાથી વધુ સમયથી ભાજપનું વર્ચસ્વ છે. આ બેઠક પર ભાજપના એક ધારાસભ્ય સતત પાંચ વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
સત્તારૂઢ પક્ષ ભાજપનો પારંપરિક ગઢ ગણાતા મોરબી જિલ્લામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સ્થિતિ સારી ન હતી. આ સીટ પરથી કોંગ્રેસની જીત થઈ હતી. ગત વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનું પરિણામ ભોગવવું પડ્યું હતું.
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના લલિત કગથરાએ ભાજપના રાઘવજી ગડારાને 29,770 મતના અંતરથી હરાવ્યા હતા. લલિત કદથરાને 94,090 મત તો રાઘવજી ગડારાને 64,320 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ટંકારા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ટંકારા વિધાનસભા બેઠક પર પાટીદાર સમુદાયનો દબદબો છે. આ ઉપરાંત આ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિય, દલવાડી, માલધારી, બ્રાહ્મ, મુસ્લિમ, આહીર, પ્રજાપતિ, સુથાર, લોહાર, દરજી, જૈન, સોની, રાજપૂત, આદિવાસી, ઓબીસી મતદાતાઓ પણ મોટી સંખ્યામાં છે.
3) વાંકાનેરઃ
વાંકાનેર મચ્છુ નદીના વણાંક પર આવેલું છે તેથી તેનું નામ વાંકનેર પડ્યું છે. વાંકાનેર ઝાલા રાજપૂતો દ્વારા શાસિત રાજ્ય હતું. મહારાજ અમરસિંહના શાસનકાળમાં વાંકાનેર એક વ્યવસ્થિત અને વિકાસશીલ રાજ્ય હતું. મહારાજા અમરસિંહ કળા અને શિલ્પના સંરક્ષક હતા. વાંકાનેર સ્થિત રણજીત વિલાસ મહેલને મહારાજા અમરસિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે આજની તારીખમાં પણ શાહી પરિવારને અધિકૃત છે.
રાજકીય સમીકરણ
વાંકાનેર વિધાનસભ બેઠક પર સૌપ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઈ હતી. ત્યારથી લઈને આજ દિવસ સુધી અહીં વ્યક્તિ વિશેષને વોટ મળે છે. છેલ્લાં ઘણાં સમયથી આ સીટ પર પીરઝાદા પરિવારનો દબદબો છે. વર્ષ 2007થી આ બેઠક પર મોહમ્મદ જાવેદ પીરઝાદા ધારાસભ્ય છે. તો તેમના પિતા અબ્દુલ મુતલિબ પીરઝાદાએ વર્ષ 1971માં જનસંઘના પોસ્ટર બોય કેશુભાઈ પટેલને 1972ની ચૂંટણીમાં હરાવ્યા હતા. કેશુભાઈ પટેલ ગુજરાતના CM બન્યા હતા.
વાંકાનેર વિધાનસભા બેઠક પર છેલ્લા 15 પર વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. ગુજરાતમાં મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ 2007 અને 2012માં પણ કોંગ્રેસે આ સીટ જાળવી રાખી હતી.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી ભાજપને મ્હાત આપી રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાએ ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 1,361 માર્જિનથી હરાવ્યા હતા.
કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાએ વર્ષ 2012 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને હરાવ્યા હતા.
તો વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જ્યોત્સના સોમાણીએ કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.
વર્ષ 2017ની ચૂંટણીમાં મોહમ્મદ પીરઝાદાને 72,588 વોટ મળ્યા હતા જ્યારે તેમની સામે ઉભેલા ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 71,227 વોટ મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
વાંકાનેર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
વાંકાનેર વિધાનસભા બેઠક પર લઘુમતી અને કોળી સમાજનો દબદબો છે. આ મતવિસ્તારમાં લઘુમતી સમાજના 21.63 ટકા મતદાર, તળપદા કોળી સમાજના 14.88 ટકા મતદાર, ચુંવાળીયા કોળી સમાજના 11.49 ટકા મતદાર, લેઉઆ પટેલના 10.10 ટકા મતદાર, માલધારી સમાજના 8.11 ટકા મતદારો છે. વાંકાનેરમાં 27 ટકા મુસ્લિમ મતદારો છે.