ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : વલસાડમાં કોંગ્રેસે સત્તા ગુમાવી પણ ભાજપનું સમીકરણ શું બગડશે ?

ગુજરાત વિધાનસભામાં વલસાડ જિલ્લામાં કપરાડા વિસ્તારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ત્યારે ત્યાંની સ્થિતિ અને ત્યાંના સ્થાનિક મુદ્દાઓ સમજવાની કોશિશ કરીએ, વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠક આવે છે. ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગાવનો સમાવેશ થાય છે. આ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ભૂમિ છે અને રાજ્યની દક્ષિણની શરૂઆત થાય છે ત્યારે આપણે જોઈ આ જિલ્લામાં બેઠકોની શું છે સ્થિતિ અને કેવું છે રાજકીય ગણિત

વલસાડ બેઠક પર મતદાર  Hum Dekhenge News

1)પારડી : પારડી ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું મુખ્ય મથક છે. આ નગર કિલ્લા પારડી નામથી ઓળખવામાં આવે છે. પારડી તાલુકામાં પારસીઓની ઐતિહાસિક અગિયારી જ્યાં આવેલી છે તે ઉદવાડા અને માછીમારી માટે જાણીતું ઉમરસાડી બંદર પણ પારડી તાલુકામાં આવ્યું છે. પારડી વિધાનસભા બેઠક હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું વિધાનસભા ક્ષેત્ર છે. 43 ગામ અને વાપી શહેર તેમજ વાપી GIDC આ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

મતદાતાઓનું સામાજિક પ્રભુત્વ
માધીમાર સમાજનુ ખૂબ પ્રભુત્વ છે. માધીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે. આ બેઠકમાં મતોનુ ધ્રુવીકરણ શક્ય છે. આ બેઠક પર સૌથી વધુ કોળી પટેલ, ઘોડિયા પટેલની પણ બહુમતી જોવા મળે છે. આ ત્રણેય સમાજને સાથે રાખીને ચાલનારને અહીં ચોક્કસથી સત્તા મળે છે. અહીં કોળી પટેલ, ઘોડીયા, માછીમારો, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે.

મતદારોની સંખ્યા
પારડીમાં કુલ મતદારોની સંખ્યા 259267 છે જેમાં પુરુષ 136738 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 122524 અને નાન્યતર જાતિના 5 મતદારો છે.

ચૂંટણીમાં જીત માર્જીન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પારડી વિધાનસભા બેઠક પરથી ભાજપના કનુભાઈ મોહનલાલ દેસાઈએ જંગી જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને હરાવ્યા હતા. કનુભાઈને 98 હજારથી વધુ મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભરતભાઈને માત્ર 46 હજાર મત મળ્યા હતા. જ્યારે 2012માં કનુભાઈએ 44 હજારથી પણ વધુ મતોથી જીત મેળવી હતી.

પારડી બેઠક દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનો એક ભાગ છે. છેલ્લી પાંચ ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપ ચાર વખત જીત્યું છે. 2007 સુધી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. કોંગ્રેસનું અહીં જોર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ

2) વલસાડ : વલસાડ બેઠકની વાત કરીએ તો અનેક મહાનુભાવો સાથે સંકળાયેલી આ બેઠક પર જે પક્ષના ઉમેદવારની જીત થાય એ સરકાર બનાવે એવી પણ એક માન્યતા છે. વલસાડ બેઠક પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના વતનની બેઠક છે. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ માણેક શાહના પરિવારનું વતન છે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બચપણની પ્રાથમિક શિક્ષણ મેળવેલ ભૂમિ છે. આ બેઠક પર 1990થી ભાજપનું શાસન છે. 2012 અને 2017માં ભાજપના ભરત પટેલે આ બેઠક સતત જીતી હતી.

મતદાતાઓનું સામાજિક પ્રભુત્વ
વલસાડ બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો અહીં કોળી પટેલ, ધોડીયા માચી, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે. વલસાડમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવે છે. જેની સાથે જ ધોડીયા સમાજની પણ સારી પક્કડ જોવા મળે છે.

મતદારોની સંખ્યા
જો મતદારોની વાત કરવામાં આવે તો પુરુષ મતદારોની સંખ્યા 133422 તેમજ મહિલા મતદારોની સંખ્યા 130854 અને અન્ય 2 મતદારો છે કુલ મતદારોની સંખ્યા 264278 છે.

ચૂંટણીની જીત માર્જીન
વલસાડમાં 2012માં ભાજપ તરફથી ભરતભાઈ પટેલ મેદાનમાં ઉતર્યા હતા અને તેમને 35,999 મતોના અંતરથી જીત મેળવી છે. જ્યારે 2017માં ફરી એકવાર ભરતભાઈ પટેલે અગાઉ કરતાં વધુ 43,092 મતોથી જીત મેળવી હતી.

વલસાડ બેઠકની ખાસિયતો

વલસાડ એક તરફ રાસાયણીક ઉદ્યોગ છે તો પશ્ચિમ દિશામાં દરિયા કાંઠે માછીમારોનો વ્યવસાય છે. વલસાડ હાફૂસ અને ચીકુના બાગાયતી પાકો માટે પણ જાણીતું છે. તો પૂર્વમાં ઔદ્યોગિક વિસ્તારમાં ધોડીયા આદિવાસી અને મુસ્લિમની વસ્તીનું પ્રભુત્વ છે. ભાજપને અહીં ડેમ આંદોલનના કારણે તાપી લિંક પ્રોજેક્ટ કેન્સલ કરવો પડ્યો હતો. આ ડેમનો મુદ્દો આ વખતે કોંગ્રેસ માટે મહત્વનો બની શકે એમ છે. વળી લોકોની માંગ પ્રાથમિક સુવિધાઓ, પાણી અને રસ્તાઓની કાયમની રહી છે.

ધરમપુર વલસાડ અને પારડીની બેઠકનું સમીકરણ

3) ધરમપુર : વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પાછલી ટર્મમાં ભાજપે સત્તા મેળવી હતી. સંપૂર્ણ આદિવાસી સમાજના મતદારો અહીં વસવાટ કરે છે. વર્ષોથી અહી કોંગ્રેસની પકડ રહી છે. ધરમપુર રાજવી સમયનું રજવાડું ધરાવતી બેઠક છે.ધરમપુર વિધાનસભા બેઠકમાં મોટાભાગે મતદારો માત્ર ખેતી ઉપર નભે છે. આ વિસ્તારમાં વારલી, કુંકના અને ધોડિયા પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવે છે. તેમજ બેઠક ઉપર ઉમેદવાર પણ એસટી દર વખતે ઉમેદવારી કરી શકે છે.

મતદાતાઓનું સામાજિક પ્રભુત્વ : આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે રહ્યું છે. જેમાં પણ આ બેઠક આદિવાસી સમાજની પારંપારિક બેઠક છે. આ વિસ્તાર વારલી, કુંકના અને ધોડિયા પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવે છે.

મતદારોની સંખ્યા
ધરમપુર બેઠકમાં પુરુષ મતદારોની વાત કરવામાં આવે તો 125245 જ્યારે મહિલા મતદારો 125801 જેની સાથે જ કુલ 251046 મતદારો છે. અન્ય જાતિના મતદારો અહીં નથી.

ચૂંટણીની જીત માર્જીન
વર્ષ 2017માં ભાજપના અરવિંદભાઇ પટેલે 41,690 મતોથી કોંગ્રેસ નેતા ઇશ્વર પટેલને હરાવ્યા હતા. જ્યારે 2012માં ભાજપના સુમિત્રા ચૌધરી સામે કોંગ્રેસના ઇશ્વરભાઇ પટેલે 28,299 મતોના અંતરથી જીત મેળવી હતી.

4) કપરાડા : એ જે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલો સૌથી છેવાડાનો તાલુકો છે. તે પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. તે મુખ્યત્વે આદિવાસી જિલ્લો છે. મુખ્ય જાતિઓ કુકણા અને વારલી છે. કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. તે સંપૂર્ણ જંગલ વિસ્તાર છે.

મતદાતાઓનું સામાજિક પ્રભુત્વ
કપરાડા વિધાનસભા બેઠકમાં સૌથી વધારે જાતિ અનુગત વાત કરીએ તો ધોડિયા જ્ઞાતિના મતદારો વધારે છે. જેની બેઠક ક્રમાંક 181 છે. જોકે હકીકત એવી છે કે, કપરાડામાં કોઈ પક્ષ કે નીતિ નહિ પરંતુ એક જ સમુદાયનું આધિપત્ય છે. ડુંગર અને જંગલોથી ભરેલો કપરાડા મત વિસ્તાર સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી અનુસુચિત જન જાતિની બેઠક છે.

મતદારોની સંખ્યા
કપરાડામાં પુરુષ મતદારોની સંખ્યા 135275 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 131195 છે જ્યારે અન્યમાં 5 મતદારો છે, કપરાડા બેઠક પર કુલ 266475 મતદારોની સંખ્યા રહેલી છે.

ચૂંટણીની જીત માર્જીન

જ્યારે જીત ચૌધરી 2020માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે 47,066 મતના રેકોર્ડ બ્રેકથી જીત મેળવી હતી. પણ કોંગ્રેસમાંથી જીતુ ચૌધરી 2017માં માત્ર 170 મતોના માર્જીનથી જીત મેળવી હતી. જ્યારે 2012માં 18,685 મતોના અંતરથી જીતુ ચૌધરીએ જીત મેળવી હતી.

ઉમરગામ અને કપરાડા બેઠકનું સમીકરણ

5) ઉમરગામ : ગુજરાત વિધાનસભા બેઠકમાં છેલ્લી 182મી વિધાનસભા બેઠક એટલે ઉમરગામ બેઠક છે. બેઠક 1995થી ભાજપના કબજામાં છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં કુલ 53 ગામ અને ઉમરગામ નગરપાલિકા શહેરી વિસ્તાર છે. પરપ્રાંતીય લોકોની પણ ખૂબ મોટી વસ્તી છે. ગુજરાતી ભાષા ઉપરાંત અહીં મહારાષ્ટ્રની સરહદ હોય મરાઠી, હિન્દી ભાષા પણ વધુ પ્રમાણમાં બોલતી ભાષા છે.

મતદાતાઓનું સામાજિક પ્રભુત્વ : વારલી સમાજ, માછીમારો, ધોડિયા પટેલ, કોળી પટેલ અહીંના નિર્ણાયક મતદારો છે. આ પંથકની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) 4 ટકા અને અનુસૂચિત જનજાતિ (ST)ના 40 ટકા જેટલાં મતદારો છે. માછીમારી પર નભતા માછીમારોની અહીં સારી એવી વસ્તી છે.

મતદારોની સંખ્યા : ઉમરગામ બેઠક પર કુલ 285398 મતદારો છે જેમાં પુરુષ 151902 અને મહિલા મતદારોની સંખ્યા 133493 ઉપરાંત અન્ય 3 મતદારો છે.

ચૂંટણીની જીત માર્જીન
2017ની વાત કરીએ તો રમણલાલ પાટકર સામે કોંગ્રેસે અશોકભાઈ પટેલને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં રમણલાલને 96004 મત મળ્યા હતા જ્યારે અશોકભાઈને 54314 મત મળ્યા હતા. જ્યારે 2012માં રમણલાલ સામે કોંગ્રેસ પાર્ટીએ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી હતી. ભાજપના ઉમેદવાર ત્યારે પણ જંગી સરસાઈથી જીતી ગયા હતા.

ઉમરગામ બેઠક પર કુલ 1 લાખથી વધુ એસટી મતદારો નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળતા હોય છે. આ બેઠક પર 70 હજાર જેટલા બક્ષીપંચ મતદારો પણ પરિણામને અસર પાડી શકે છે. ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતમાં આવતા સર્વે નંબર 9 પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે. ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં અનેક સિરિયલો, ફિલ્મોનું નિર્માણ થયું છે. તેમજ ઘણાં નવા સ્ટુડિઓ અહીં થઈ રહ્યા છે તૈયાર.

આ પણ વાંચો : ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું અંદરની વાત : બનાસકાંઠામાં નેતા રડી પડ્યા તો ગોંડલમાં શું ‘ખેલ’ ચાલી રહ્યો છે ?

Back to top button