ગુજરાત: શાળાઓ શરૂ થતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો માર
- યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં વધારો
- વર્ષ દરમિયાન પણ સ્ટેશનરીનો ખર્ચ વાલીઓને માથે પડતો જ રહેશે
- એક વિદ્યાર્થી પર વાલીઓને રૂ.270 થી 300નો વધારો સહન કરવો પડશે
ગુજરાતમાં શાળાઓ શરૂ થતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. જેમાં નવા સત્રના પ્રારંભ સાથે સ્કૂલબેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. યુનિફોર્મના રો-મટિરિયલમાં ભાવ વધારો થતાં કિંમતમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. સ્કૂલના નોટબુક અને અન્ય સ્ટેશનરીમાં 8 થી 10 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 27 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન બનશે, છ મહિના ફ્રી ચાર્જ મળશે
યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં વધારો
મુખ્યત્વે વિવિધ ચીજવસ્તુઓમાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચમાં 10 થી 15 ટકાનો ભાવ વધારા હિસાબે વાલીઓને રૂ.300 થી 500 ભાવ વધારો ભોગવવો પડશે. આજથી શાળામાં નવું સત્ર શરૂ થશે અને તે પહેલાં પુસ્તકો, સ્કુલ બેગ, વોટર બેગથી લઈ યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો જોવા મળ્યો છે. જેના અંગે વેપારીઓએ જણાવ્યું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો થયો છે. જેમાં વિવિધ વસ્તુઓના ભાવ જોવામાં આવે તો સ્કૂલ બેગ અને વોટર બેગની કિંમતમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. જેના કારણે કિંમતમાં રૂ.30 થી 40 વધી ગયા છે. જ્યારે સ્કૂલના નોટબુક અને અન્ય સ્ટેશનરીની વાત કરવામાં આવે તો તેમાં 8 થી 10 ટકાનો ભાવ વધારો થયો છે, જેના કારણે કિંમતમાં રૂ.45 થી 60 સુધીનો વધારો જોવા મળ્યો છે.
એક વિદ્યાર્થી પર વાલીઓને રૂ.270 થી 300નો વધારો સહન કરવો પડશે
આ સાથે જ બાળકોની ઉંમર સાથે વધતાં સ્કૂલ શુઝના ભાવ અંગે વેપારીએ જણાવ્યું કે તેમાં 5 થી 7 ટકાસુધીનો વધારો થયો છે, જેના કારણે રૂ.20 થી 30 નું વાલીઓ પર ભારણ પડશે. તેમજ બાળકોના યુનિફોર્મની વાત કરવામાં આવે તો કાપડ અને વિવિધ રો-મટીરયલની કિંમતમાં ભાવ વધવાના કારણે યુનિફોર્મની કિંમતોમાં પણ 15 થી 20 ટકાનો ઉછાળો આવતાં કિંમતો પર રૂ.150 થી 200 સુધીનો વધારો થયો છે. જો તેનો હિસાબ જોવામાં આવે તો એક વિદ્યાર્થી પર વાલીઓને રૂ.270 થી 300 નો વધારો સહન કરવો પડશે.
વર્ષ દરમિયાન પણ સ્ટેશનરીનો ખર્ચ વાલીઓને માથે પડતો જ રહેશે
જ્યારે વિવિધ ધોરણમાં અલગ અલગ લિસ્ટ પ્રમાણે ભાવ વધારો પણ વધુ ઝિંકવામાં આવ્યો છે, જેમાં ઉંમર અને ધોરણ અનુસાર, રૂ.300 થી 500 સુધીનો વધારો વાલીઓને માથે આવી રહ્યો છે. એક તરફ ઘણી ખાનગી શાળાઓ દ્વારા યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે તેના ભાવ અંગે કોઈ ફરિયાદ પણ વાલીઓ દ્વારા થઈ શકે તેમ નથી. જ્યારે બીજી તરફ બજારમાં સતત ભાવ વધારાના કારણે વાલીઓને નવા સત્રની શરૂઆતમાં જ મોંઘવારીનો માર સહન કરવો પડશે. તેમજ વર્ષ દરમિયાન પણ સ્ટેશનરીનો ખર્ચ વાલીઓને માથે પડતો જ રહેશે.