દેશભરમાં એક તરફ દિવાળીની સિઝનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. ગૃહ વપરાશમાં સૌથી જરૂરી એવા ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલ,કપાસિયા થી લઈ પામઓઈલમાં રૂ. 15 થી લઈ 55 નો વધારો થઈ રહ્યો છે.
રાજ્યની સૌથી મોટી ખાદ્ય તેલોની મંડળી સૌરાષ્ટ્ર ખાતે છે અને ત્યાં ભાવમાં અવિરત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે સીગતેલમાં રૂ.15 તો પામઓઈલમાં રૂ.55નો ભાવવધારો જોવા મળ્યો છે આ ઉપરાંત કપાસિયા તેલમાં રૂ.50નો વધારો થયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં વધારો થશે, જાણો શું છે કારણ
હાલમાં બજારમાં તહેવારો નજીક આવી રહ્યા છે તેવા સમયે ખરીદીનો અભાવ છે તેમ છતાં નફાખોરો સક્રિય થયા હોવાને કારણે ખાદ્યતેલોના ભાવમાં અવિરત તેજી જોવા મળી રહી છે. શનિવારે સીંગતેલ 15 કિલોનો ભાવ રૂ.2,925 હતો તે વધીને રૂ.2,940 થયો છે જયારે કપાસિયા તેલનો ભાવ શનિવારે રૂ.2,315 હતો 15 કિલોનો આજે સીધો રૂ.2,365 થયો છે.
આ ઉપરાંત પામોલીન તેલના ભાવ શનિવારે રૂ.1,570 હતા તેનો ભાવ આજે રૂ.1,625 થયો છે.આમ પામઓઈલમાં રૂ.55નો વધારો થયો છે જયારે સનફલાવર અને મકાઈના તેલમાં ધીમો વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર સમયે જ તેલના ભાવ ઉંચકાતા નફાખોરો અને સટોડિયા સક્રિય થયા હોવાની શંકા છે. સરકાર સત્વરે પગલાં લે અને તેલના ભાવ અંકુશમાં લે તેમ લોકો ઈચ્છી રહ્યાં છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં ભડકો, કપાસિયામાં રુ.100 તો સિંગતેલમાં રુ.50નો વધારો