ગુજરાત: ATSએ ઝડપેલા રૂ.31 કરોડના લિક્વિડ ટ્રામાડોલ પ્રકરણમાં વધુ એક ઘટસ્ફોટ થયો
- રૂ.68 કરોડની 40 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ આફ્રિકી દેશોમાં ઘુસાડાઈ
- કેવલ અને હર્ષિતે 2024માં ફેબ્રુઆરીથી જુદા જુદા ત્રણ કન્ટેનર રવાના કર્યા હતા
- પાંચ માસના ગાળામાં ટ્રામાડોલ ટેબ્લેટના ત્રણ કન્ટેનર આફ્રિકી દેશમાં પહોંચાડયા
ગુજરાત ATSએ ઝડપેલા રૂ.31 કરોડના લિક્વિડ ટ્રામાડોલ પ્રકરણમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. જેમાં ગુજરાતમાંથી રૂ.68 કરોડની 40 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ આફ્રિકી દેશોમાં ઘુસાડાઈ છે. તેમાં છત્રાલમાંથી હર્ષદ કુકડિયા, આનંદ અને અંકિત પટેલની ધરપકડ કરવામાં આવી છે. કેવલ અને હર્ષિતે 2024માં ફેબ્રુઆરીથી જુદા જુદા ત્રણ કન્ટેનર રવાના કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓફશોર ટ્રફના કારણે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
પાંચ માસના ગાળામાં ટ્રામાડોલ ટેબ્લેટના ત્રણ કન્ટેનર આફ્રિકી દેશમાં પહોંચાડયા
પાંચ માસના ગાળામાં ટ્રામાડોલ ટેબ્લેટના ત્રણ કન્ટેનર આફ્રિકી દેશમાં પહોંચાડયા છે. ભરૂચના દહેજ જોલવા જીઆઈડીસીની ફેક્ટરીમાંથી ATSએ ઝડપેલા 31 કરોડના લિક્વિડ ટ્રામાડોલ પ્રકરણમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આ રેકેટના ફરાર મુખ્ય સૂત્રધાર કેવલ ગોંડલીયા અને તેના સાગરિત હર્ષિત પટેલે ફેબ્રુઆરી,2024થી જુન સુધીના પાંચ માસના ગાળામાં ટ્રામાડોલ ટેબ્લેટના ત્રણ કન્ટેનર આફ્રિકી દેશમાં પહોંચાડયા છે. 68 કરોડની 40 લાખ ટેબ્લેટ આફ્રિકી દેશોમાં પહોંચ્યાના ઘટસ્ફોટથી એટીએસના અધિકારીઓ પણ ચોંક્યા હતા. આ પ્રકરણમાં એટીએસની ટીમે સરખેજની શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયા અને છત્રાલની ડિનાકોર ફાર્માના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરી છે. આમ આ કેસમાં કુલ પાંચ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરાઈ છે જ્યારે ફરાર આરોપી કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલની શોધખોળ ચાલી રહી છે.
2024માં કસ્ટમે 110 કરોડની 65 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો ભરેલા શંકાસ્પદ બે કન્ટેનર ઝડપી લીધા
જુલાઈ, 2024માં કસ્ટમે 110 કરોડની 65 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો ભરેલા શંકાસ્પદ બે કન્ટેનર ઝડપી લીધા હતા. એટીએસને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ભરૂચના દહેજ જોલવા ખાતે જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીઓમાં ટ્રામાડોલ ટેબ્લેટનું રો મટિરિયલ્સ તૈયાર થાય છે. બાતમીના આધારે એટીએસએ રેડ કરી પંકજ રાજપૂત અને મારૂતી બાયોજેનીકના નિખિલ કપૂરિયાની ધરપકડ કરી 31.20 કરોડની મત્તાનો લિકવીડ ટ્રામાડોલનો 1,410 લીટરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ રેકેટમાં કેવલ ગોંડલીયા, હર્ષિત પટેલ, સરખેજની શ્રીજી સાયન્ટીફિકના માલિક હર્ષદ કુકડિયા અને ટેબ્લેટ બનાવતી ડિનાકોર ફાર્માના આનંદ અને અંકિત પટેલના નામ ખૂલતા ધરપકડ કરી હતી. ફરાર કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલના ઝડપાયા બાદ સ્પષ્ટ થશે કે આરોપીઓએ રાજ્યમાં આવી બીજા કોઈ સ્થળે ફેક્ટરી ખોલી છે કે નહી. એટીએસની તપાસમાં 68 કરોડની 40 લાખ ટ્રામાડોલ ટેબ્લેટના ત્રણ કન્ટેન્ર ફેબ્રુઆરી,2024 થી જૂન,2024 સુધી રવાના થયાની વિગતો ખુલી છે.
કેમિકલ અને રો-મટિરિયલ્સ ભરૂચની ફેક્ટરીના પંકજ અને નિખિલને આપતા
સરખેજની શ્રીજી સાયન્ટીફીકનો માલિક હર્ષદ કુકડિયા ટ્રામાડોલનું સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (પાવડર) બનાવવા માટે કેમિકલ અને રો-મટિરિયલ્સ ભરૂચની ફેક્ટરીના પંકજ અને નિખિલને આપતા હતા. બંને આરોપી પ્રોસેસ કરી પાઉડર તૈયાર થાય એટલે હર્ષદ કુકડીયાને પરત મોકલતા હતા. હર્ષદ આ પાઉડર કેવલને પહોંચાડતા હતો. કેવલ પાઉડરની ટેબ્લેટ બનાવી પેકીંગ કરવાનું કામ છત્રાલના ઘાનોટ ખાતે આવેલી ડિનાકેર ફાર્માના માલિક આનંદ અને અંકિત પટેલને આપતો હતો.