ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય
- એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા
- પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે
- સરકારી કર્મીઓેને પ્રવાસનો લાભ દર 4 વર્ષે મળશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય છે. જેમાં સરકારી કર્મચારીઓ માટે LTC, વતન પ્રવાસ માટે વંદે ભારત ટ્રેનને માન્યતા અપાઇ છે. તેમાં 6000 કિમીની મર્યાદામાં પ્રવાસનો લાભ મળશે. તેમજ સરકારી કર્મીઓેને પ્રવાસનો લાભ દર 4 વર્ષે મળશે. તથા વર્ષ 2020-23ના બ્લોકથી જ લાભ મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી
એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા
રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદની વાત..
કર્મચારીઓને રજા પ્રવાસ કે વતન પ્રવાસ માટે દર ચાર વર્ષે LTC નો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. જે અંતર્ગત, વંદે ભારત ટ્રેનની મુસાફરીને પણ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 13, 2024
પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે
રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતી આવતી રજા પ્રવાસમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી.બ્લોક-2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.