ગુજરાત: અંબાલાલ પટેલે શિયાળામાં માવઠાની કરી આગાહી


- અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં માવઠાની પણ આગાહી કરી
- રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે
- આગામી ત્રણ દિવસમાં ઠંડીની રી-એન્ટ્રી થઈ શકે છે
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ, બપોરે બહાર નીકળવાનું થાય તો ઉનાળા જેવો જ અનુભવ થાય છે. ત્યારે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં માવઠાની પણ આગાહી કરી છે.
ફેબ્રુઆરીની શરુઆતમાં ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠુ પડશે
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 30 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરુઆતમાં ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું આવી શકે છે. જોકે, 27 જાન્યુઆરીથી ઠંડીનું જોર ઘટવાની સાથે ગરમીનો અનુભવ થઈ શકે છે. ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે,એવામાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં ઠંડીની રી-એન્ટ્રી થઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલ ઠંડીમાં ઘટાડો છે. ત્યારે આગામી 22 જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યમ હોવાથી તારીખ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઠંડીનો અનુભવ થશે. જેમાં ગુજરાતનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાશે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.