ગુજરાત: યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો

- એક વર્ષમાં 18,716 વ્યક્તિને નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી
- નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારામાં એક વર્ષમાં સાત ગણોથી વધુનો ચિંતાજનક વધારો
- ખાનગી નશામુક્તિ કેન્દ્રનો આંકડો લેવામાં આવે તો સારવાર લેનારાનો આંક વધે
ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તે દર્શાવતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 18,716 વ્યક્તિને નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 75, મહારાષ્ટ્રમાં 55, ઓડિશામાં 51 કેન્દ્રનો સમાવેશ થાય છે
વધુ ચોંકાવનારી વાત એ પણ છે કે, નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારાનું પ્રમાણ એક વર્ષમાં સાત ગણુથી વઘુ વધી ગયું છે. ગુજરાતમાં ઈન્ટગ્રેટેડ રિહેબ સેન્ટર ફોર એડિક્ટસના 7, આઉટરીચ એન્ડ ડ્રોપ ઈન સેન્ટર્સ-કમિટી બેઝ્ડ પીઅર લેડ ઈન્ટરવેશન-ડિસ્ટ્રિક્ટ ડી એડિક્શન સેન્ટર્સના 3-3, સ્ટેટ લેવલ કોઓર્ડિનેટિંગ એજન્સીના 1 જ્યારે એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીના 5 એમ કુલ 22 નશામુક્તિ કેન્દ્ર આવેલા છે. સમગ્ર દેશમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ હેઠળના કુલ 740 નશામુક્તિ કેન્દ્રો છે. જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 75, મહારાષ્ટ્રમાં 55, ઓડિશામાં 51 કેન્દ્રનો સમાવેશ થાય છે.
ખાનગી નશામુક્તિ કેન્દ્રનો આંકડો લેવામાં આવે તો સારવાર લેનારાનો આંક વધે
વર્ષ 2024-24માં નશામુક્તિ કેન્દ્રમાં સૌથી વધુ દ્વારા સારવાર લેવામાં આવી હોય તેવા રાજ્યમાં મધ્ય પ્રદેશ 78,159 સાથે મોખરે, ઉત્તર પ્રદેશ 74,945 સાથે બીજા, રાજસ્થાન 52,917 સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશમાંથી એક વર્ષમાં 6.06 લાખ લોકોને નશામુક્તિ કેન્દ્રમાં સારવારની જરૂર પડી હતી. જાણકારોના મતે, આ માત્ર સરકારી નશામુક્તિ કેન્દ્રો છે. ખાનગી નશામુક્તિ કેન્દ્રનો આંકડો લેવામાં આવે તો સારવાર લેનારાનો આંક હજુ ઊંચે જઇ શકે છે.
25મી નવેમ્બર 2024 સુધી રૂપિયા 70 લાખની ગ્રાન્ટ મળી છે
ગુજરાતમાં વર્ષ 2019-20માં નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેનારાઓની સંખ્યા 1608 હતી. જેમાં હવે 10 ગણોથી વધુનો વધારો થયો છે. નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેનારાઓની વધતી સંખ્યાને પગલે કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં પણ વધારો જોવા મળ્યો છે. 2021-22માં રૂપિયા 2.35 કરોડ,2022-23માં રૂપિયા 2.53 કરોડ, 2023-24માં રૂપિયા 3.11 કરોડ જ્યારે 25મી નવેમ્બર 2024 સુધી રૂપિયા 70 લાખની ગ્રાન્ટ મળી છે.