ગુજરાત: એજન્ટે વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા મોકલવા નકલી માર્કશીટો બનાવી, હાર્ડ ડિસ્ક પરથી ભાંડો ફુટ્યો
- તપાસમાં ખુલાસો થતા સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો
- એજન્ટે બે વિદ્યાર્થીને રૂપિયા 3 લાખમાં નકલી માર્કશીટો આપી
- બંને વિદ્યાર્થી હાલ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરતા હોવાની વિગતો ખુલી
ગુજરાતના ગાંધીનગર ખાતે એજન્ટે વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા મોકલવા નકલી માર્કશીટો બનાવી હતી. તેમાં ગાંધીનગરના એજન્ટે બે વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા મોકલવા 3 લાખમાં નકલી માર્કશીટો બનાવી હતી. આંબાવાડીના શિવાલિક પ્લાઝામાં એજન્ટને ત્યાંથી મળેલી હાર્ડ ડિસ્ક પરથી ઘટસ્ફોટ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બોટિંગ, એડવેન્ચર તથા સ્પોર્ટ્સ મુદ્દે સરકાર નવી નીતિ ઘડશે
તપાસમાં ખુલાસો થતા સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો
ઉલ્લેખનીય છે કે FSLમાં મોકલેલી હાર્ડ ડિસ્કની તપાસમાં ખુલાસો થતા સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે. સીઆઇડી ક્રાઇમે અમદાવાદ અને ગાંધીનગરમાં સાગમટે 17 જેટલા વિઝા એજન્ટોને ત્યાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં આંબાવાડીના શિવાલિક પ્લાઝામાં વિઝા એજન્ટની ઓફિસમાંથી મળેલી હાર્ડ ડિસ્કની તપાસમાં ગાંધીનગરના એજન્ટે બે વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે ત્રણ-ત્રણ લાખ લઈને નકલી માર્કશીટો બનાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલમાં ફરજ બજાવતા પીઆઈ એસ.સી. તરડેએ ગાંધીનગરના લવારપુર ખાતે રહેતાં અને ઉમિયા કુડાસણ ખાતે ઉમિયા ઓવરસીસના નામે વિઝા ઓફિસ ધરાવતા વિશાલ મહેશભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા 22 પ્લોટનું ઈ-ઓક્શન કરાશે, જાણો કયા કેટલી કિંમત નક્કી કરાઈ
બંને વિદ્યાર્થી હાલ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરતા હોવાની વિગતો ખુલી
બનાવની વિગત મુજબ સીઆઇડી ક્રાઈમે યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા કરતા વિઝા એજન્ટોને ત્યાં ગત તા.15મી ડિસેમ્બરના રોજ સાગમટે દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લીધા હતા. પોલીસે આંબાવાડીમાં શિવાલિક પ્લાઝામાં ઓફિસ ધરાવતા એજન્ટના ત્યાં દરોડા પાડીને બે હાર્ડ ડિસ્ક કબ્જે લીધા હતા. આ હાર્ડ ડિસ્ક એફએસએલમાં મોકલવામાં આવતા ઘટસ્ફોટ થયો કે, સચિન કાંતિભાઈ ચૌધરી અને મિહિર રસેશ રામી નામના બે વિદ્યાર્થીઓની ધો-10 અને 12ની માર્કશીટ, સિવિલ એન્જિનિયરની ડિગ્રીના સર્ટી તેમજ અન્ય ડોક્યુમેન્ટ નકલી છે. પોલીસ તપાસમાં બંને વિદ્યાર્થી હાલ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરતા હોવાની વિગતો ખુલી હતી.