ગુજરાત: વિદેશમાં વર્ક પરમીટ અપાવવાના નામે દંપતિ સાથે છેતરપિંડી કરનાર એજન્ટ ઝડપાયો


- વડોદરાના એક દંપતિ સાથે છેતરપિંડી કરી હતી
- એજન્ટને પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો
- યુકે મોકલવા માટે વાત કરી કુલ રૂ.13.69 લાખ પડાવ્યા
થાઈલેન્ડમાં વર્ક પરમીટ અપાવવાના નામે વડોદરાના એક દંપતિ સાથે છેતરપિંડી કરનાર એજન્ટને પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે.
યોગેશભાઈ અને તેમના પત્નીએ થાઈલેન્ડ જવા માટે રૂ.3.60 લાખ ચૂકવ્યા
ડભોઇના સાઠોદ ગામે રહેતા યોગેશભાઈ બારોટે થાઈલેન્ડ જવા માટે સયાજીગંજના ફિનિક્સ કોમ્પલેક્ષમાં લાઈવ ઈમિગ્રેશન નામની ઓફિસ ધરાવતો શૈલેષ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના ભાગીદારો વિવેકકુમાર શાહનો અમદાવાદમાં સંપર્ક કરાવતા યોગેશભાઈ અને તેમના પત્નીએ થાઈલેન્ડ જવા માટે રૂ.3.60 લાખ ચૂકવ્યા હતા.
યુકે મોકલવા માટે વાત કરી કુલ રૂ.13.69 લાખ પડાવ્યા
થાઈલેન્ડ ગયા પછી દંપતીને જાણ થઈ હતી કે તેમને વર્ક પરમિટ નહીં પણ ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા છે. જેથી તેમણે વિવેક ઉર્ફે વીકીને જાણ કરતાં તેણે યુકે મોકલવા માટે વાત કરી કુલ રૂ.13.69 લાખ પડાવ્યા હતા. સયાજીગંજ પોલીસે આ ગુનામાં દોઢ વર્ષથી ફરાર વિવેક ઉર્ફે વીકી દિલીપકુમાર શાહ (હાલ રહે સૂર્ય કિરણ સોસાયટી, કરમસદ રોડ, આનંદ મૂળ રહે લાડવગો, જરોદ, વાઘોડિયા) ને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી