ગુજરાત AAP પાર્ટીના આદિવાસી આગેવાનોની UCC મુદ્દે કેજરીવાલ સાથે બેઠક
- આદિવાસી સમાજને UCC માંથી બાકાત રાખવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દેશમા મોટા પાયે વિરોધ કરશે: કેજરીવાલે આદીવાસી આગેવાનોને ખાતરી આપી
વિશાલ મિસ્ત્રી; રાજપીપળા: કેન્દ્ર સરકાર દ્વારા UCC લાગુ કરવા મુદ્દે હાલ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા એનો સખત વિરોધ કરાઈ રહ્યો છે.તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાત પ્રભારી ડો.સંદિપ પાઠકે એવું નિવેદન આપ્યું હતું કે અમે UCC નું સૈધ્ધાંતિક સમર્થન કરીએ છીએ. આ નિવેદનને પગલે આદિવાસી આગેવાન અને નાંદોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવાએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. તો બીજી બાજુ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એમ જણાવ્યું હતું કે જો UCC નો ડ્રાફ્ટ તૈયાર થયાં પછી જો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ UCC નું સમર્થન કરશે તો હું પાર્ટી માંથી રાજીનામું આપી દઈશ.
આ તમામની વચ્ચે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં UCC મુદ્દે ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી આગેવાનોની દિલ્હી અરવિંદ કેજરીવાલ અને ડો.સંદિપ પાઠક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમા ચૈતર વસાવા સહિત આદિવાસી આગેવાનોએ UCC લાગુ થવાથી આદિવાસી સમાજને કેવી અસર પડશે એ મુદ્દે રજુઆત કરી હતી. દરમિયાન આદિવાસી સમાજને UCC માંથી બાકાત રાખવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દેશમા મોટા પાયે વિરોધ કરશે એવી કેજરીવાલે આદીવાસી આગેવાનોને ખાતરી આપી હતી.
ત્યારે આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ડો.સંદિપ પાઠક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજને નુકશાન થવાનું હોય આદિવાસી સમાજને UCC માંથી બાકાત રાખવાની માંગણી સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશના દરેક રાજ્યોમાં મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવશે. આ બાબતે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે. UCC ના વિરોધના ભાગરૂપે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ગુજરાતના તાલુકા/જિલ્લા કક્ષાએથી તા.13/07/2023 ના ગુરુવારના રોજ મોટી સંખ્યામાં ભેગા મળી આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.