ગુજરાત: ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી ક્રાઈમની સત્ય ઘટના
- અકસ્માતે મોત માટે એક લાશની જરૂર હતી
- પાંચ સાગરિતો પણ અત્યારે પકડાઈ ગયા છે
- પૈસા કમાવવા દલપતે પછી નવું ષડયંત્ર કર્યું
ગુજરાતના પાલનપુરના વડગામના ધનપુરા ગામે ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી ક્રાઈમની સત્ય ઘટના બની છે. જેમાં સવા કરોડનો વીમો પકવવાનું તરકટ રચાયુ હતુ. અને કર્મચારીનો હત્યારો હોટેલ માલિક પોલીસના હાથે ઝડપાયો છે.
પાંચ સાગરિતો પણ અત્યારે પકડાઈ ગયા
સળગતી કારમાંથી મળેલા મૃતદેહ પાછળ દેવું વધી જતા હોટેલ માલિકના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોતાનો જ વીમો ઉતરાવી, પોતાના જ મોતમાં હત્યા કરેલી લાશનો ઉપયોગ કરી કમાણી કરવાની કરતૂત બહાર આવી છે. પોલીસે તપાસ બાદ આ ભેજાબાજ હોટેલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહને પકડી પાડ્યો છે અને ષડયંત્રમાં ભાગીદાર તેના અન્ય પાંચ સાગરિતો પણ અત્યારે પકડાઈ ગયા છે.
દલપતસિંહે ધનપુરા ખાતે એક હોટેલ ખરીદી હતી
દલપતસિંહે ધનપુરા ખાતે એક હોટેલ ખરીદી હતી પણ તેમાં ધંધો ચાલતો નહીં. રોકેલા પૈસા સામે વળતર નહીં મળતા આર્થિક બોજો વધી રહ્યો હતો. આ ઉપરાંત, દલપતસિંહને રોફ જમાવવા, સિક્કો પાડવા ટોળકી રાખવાનો પણ શોખ. ટોળકી સાથે રોજ ઉજાણી કરવી, ખાણી-પીણી અને મોજશોખથી ઐય્યાશ જીંદગી હતી. દલપત ઉપર દેવું સતત વધી રહ્યું હોવાથી ક્રાઈમ થ્રીલર ફિલ્મોના ઉદાહરણ લઈ તેણે સાગરિતો સાથે મળી એક પ્લાન બનાવ્યો અને પ્લાનના પ્રથમ ચરણમાં પોતાનો કુલ રૂ. 1.26 કરોડના બે વીમા નવેમ્બર 2024માં ખરીદ્યો હતો. એક વીમાની પોલીસીમાં અકસ્માતે મરણ પામે તો એક કરોડ અને બીજી પોલીસીમાં રૂા. 26 લાખની પોલીસી ખરીદવામાં આવી હતી.
અકસ્માતે મોત માટે એક લાશની જરૂર હતી
કાર અકસ્માત, વીજ કરંટ કે અન્ય રીતે આકસ્મિક વીમો પકવવા માટે દલપતનું મરણ જરૂરી હતી. જોકે દલપતનો વિચાર તો કોઈ બીજાના મોતને પોતાના અવસાનમાં ખપાવી વીમાની રકમ મેળવવાનો હતો. અકસ્માતે મોત માટે એક લાશની જરૂર હતી. એટલે સાગરિતોને કબરમાંથી લાશ મેળવવાનો આદેશ આપ્યો. સાગરિતો પ્રથમ પ્રયત્નમાં લગભગ ચાર મહિના જૂની લાશ લાવ્યા હતા. લાશ દલપતના કદ-કાઠીની હતી, બીજું માત્ર હાડકાં જ દેખાતા હોવાથી કબરમાંથી બીજી લાશ મેળવવા પ્રયત્ન થયો. પરંતુ, બીજી વખત માત્ર હાડકાંના ભૂક્કા જેવું હાથ આવતા કબરની લાશવાળો પ્લાન રદ થયો.
પૈસા કમાવવા દલપતે પછી નવું ષડયંત્ર કર્યું
પોતાના મોતને ઉપજાવી કાઢી પૈસા કમાવવા દલપતે પછી નવું ષડયંત્ર કર્યું. અમીરગઢના વીરમપુર ખાતે ચોકીદાર કરતા રેવાભાઈ ઠાકોર ઉપર એની નજર પડી હતી. રેવાભાઈની પત્નીને નોકરીએ રાખી દંપતિને ધનપુરાની હોટેલ લાવવામાં આવ્યું હતુ. એક દિવસ મોકો જોઈ રેવાભાઈને ચિક્કાર દારૂ પીવડાવી, તેનું કાસળ કાઢી તેની લાશ કારમાં મૂકી તેને સળગાવી નાખવામાં આવી હતી. પરંતુ પોલીસની સતર્કતાથી ભાંડો ફૂટી ગયો અને દલપત હવે પકડાઈ ગયો છે.