ગુજરાત: કરિયાણાના વેપારીને સસ્તા ભાવે ચોખા લેવાનું ભારે પડ્યું
- 80 ટન ચોખા કિંમત રૂપિયા 26 લાખનો માલનો વિજયભાઈએ ઓર્ડર આપ્યો
- વેપારીને સસ્તા ભાવે ચોખા આપવાનું કહી રૂપિયા 24.60 લાખની છેતરપિંડી કરી
- ચાર શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગુજરાતમાં કરિયાણાના વેપારીને સસ્તા ભાવે ચોખા લેવાનું ભારે પડ્યું છે. જેમાં રતનપરના કરિયાણાના વેપારીને સસ્તા ભાવે ચોખા આપવાનું કહી રૂપિયા 24.60 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. તેમાં કચ્છના મુંદ્રા પોર્ટમાંથી ચોખા કઢાવી પાકા બિલ સાથે આપવાનું કહ્યું હતું. જેમાં કુલ ચાર શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: મુન્દ્રા બંદરના સોપારી કાંડમાં થયા મોટા ખુલાસા
કરિયાણાની દુકાન ચલાવતા વેપારીએ કચ્છમાંથી સસ્તા ચોખા ખરીદવા બાબતે ડીલ કરી
રતનપરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીએ કચ્છમાંથી સસ્તા ચોખા ખરીદવા બાબતે ડીલ કરી હતી. જેમાં તેઓએ કચ્છ જઈ ચોખાનો નમુનો જોઈ 80 ટન ચોખાનો સોદો કર્યો હતો. આ પેટે રૂપિયા 24.60 લાખ આપી દેવા છતાં ચોખા ન મળતા અંતે વેપારીએ જોરાવરનગર પોલીસ મથકે 4 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. રતનપરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય વિજય રમણીકલાલ કોશીયા રતનપર એસબીઆઈ શાખા પાછળ ચામુંડા પ્રોવીઝન સ્ટોર નામની કરીયાણાની દુકાન ચલાવે છે અને કરીયાણાનો હોલસેલ તથા રીટેઈલ વેપાર કરે છે. તા. 7મી જુલાઈના રોજ તેમના મીત્ર ભાવેશભાઈ શેઠ અને રાજુભાઈ ગાંગડીયા દેવાંગ પ્રવીણભાઈ દેત્રોજાને લઈને તેમની દુકાને આવ્યા હતા. અને દેવાંગભાઈને કચ્છમાં એક વેપારી સાથે સારા કોન્ટેક હોવાથી મુંદ્રા પોર્ટમાંથી સસ્તા ભાવે ચોખા કઢાવી પાકા બીલ સાથે વેચાણ કરે છે તેવી વાત કરી હતી. જયારે તા. 10મીએ કચ્છના વેપારી ગૌરવભાઈ માલ જોવા બોલાવે છે, તેમ કહેતા વિજયભાઈ દેવાંગભાઈ, ભાવેશ શેઠ, રાજુભાઈ ગાંગડીયા સાથે કચ્છમાં માલ જોવા ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં આઇટી દ્વારા કરકપાતના બોગસ ક્લેઈમ શોધી કાઢવા AIનો ઉપયોગ થશે
80 ટન ચોખા કિંમત રૂપિયા 26 લાખનો માલનો વિજયભાઈએ ઓર્ડર આપ્યો
જયાં ગૌરવભાઈએ રાજુ પટેલ અને શર્માજી નામના બે માણસોને બોલાવી ચોખા બતાવ્યા હતા. ચોખા પસંદ પડતા 30 રૂપિયાના ભાવના 40 ટન અને 35 રૂપિયાના ભાવના 40 ટન એમ કુલ 80 ટન ચોખા કિંમત રૂપિયા 26 લાખનો માલનો વિજયભાઈએ ઓર્ડર આપ્યો હતો. જયારે ગૌરવ શાહના નવકાર એન્ટરપ્રાઈઝમાં 24.60 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. અને બાકીના 1.40 લાખ માલ લોડ કર્યા પછી આપવાની વાત થઈ હતી. જયારે તા. 22મી જુલાઈને શનિવારે ફરીવાર વિજયભાઈ કચ્છ ગયા હતા અને ગૌરવ શાહ સહિતનાઓએ સોમવારે માલ લોડ કરી આપવાની ખાતરી આપી હતી. જેમાં ચોખા આવ્યો ન હતો અને ત્યારબાદ તપાસ કરતા કરતા તેમના ઘરે તાળા અને મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. આથી તા. 5મી ઓગસ્ટના રોજ રાત્રે વિજયભાઈ કોશીયાએ અમદાવાદના દેવાંગ પ્રવીણભાઈ દેત્રોજા, અંજારના ગૌરવ પ્રકાશભાઈ શાહ, મુંદ્રાના મોટાકપાયા ગામના રાજુભાઈ પટેલ અને શર્માજી તથા તપાસમાં ખુલે તેઓની સામે છેતરપીંડીનો ગુનો નોંધાવ્યો છે.