ગુજરાત: હાઈસ્કૂલમાં 9 હજાર શિક્ષકોની જગ્યા ખાલી, જ્ઞાન સહાયકની નવી ભરતી ખોરંભે
- પ્રવાસી શિક્ષક નિમવાની મંજુરી આપવામાં આવે તેવી માગ ઊઠી
- ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન
- બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાવાની છે તેમાં શિક્ષકો વિના જ સત્ર પૂર્ણ થાય તેવા એંધાણ
ગુજરાતની હાઈસ્કૂલમાં 9 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે. જેમાં જ્ઞાન સહાયકની નવી ભરતી ખોરંભે છે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાવાની છે તેમાં શિક્ષકો વિના જ સત્ર પૂર્ણ થાય તેવા એંધાણ છે. જ્યાં જ્ઞાન સહાયક હાજર જ થયા નથી તેવી શાળાઓમાં પ્રવાસીની મંજૂરી આપવા માગ થઇ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં તથ્ય કાંડને વર્ષ, પૈસાનું શું કરવાનું, અમે તો દીકરાઓ ગુમાવ્યાં છતાં ન્યાય ન મળ્યો: પરિજનો
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે, ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સંચાલક મંડળના હોદ્દેદારો જણાવી રહ્યા છે. બીજી તરફ ખાલી પડેલી જગ્યામાં જ્ઞાન સહાયકની નવી ભરતી કરવાની પ્રક્રિયા જ આખી ખોરંભે પડી હોવાનું જણાય છે. કારણ કે, હજુ સુધી જ્ઞાન સહાયકની ભરતી અંગે કોઈ જાહેરાત આપવામાં આવી નથી.
પ્રવાસી શિક્ષક નિમવાની મંજુરી આપવામાં આવે તેવી માગ ઊઠી
આ સિવાય ગત વર્ષે જે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી એમાં ઘણા ઉમેદવાર હાજર થયા બાદ જતા રહ્યાં હતા. આવી સ્કૂલો તેમજ જ્યાં સુધી જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષક ન મુકાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડે નહીં એ માટે પ્રવાસી શિક્ષક નિમવાની મંજુરી આપવામાં આવે તેવી માગ ઊઠી છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષે પ્રવાસી શિક્ષક યોજના રદ કરી બે ગણા પગાર સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની ભરતી કાયમી શિક્ષકની મોફક કેન્દ્રીયકૃત રીતે હાથ ધરાઈ હતી, જેમાં મેરિટના આધારે ઉમેદવારોને સ્કૂલોની ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે સત્ર શરૂ થતા જ જે જ્ઞાન સહાયક ફરજ બજાવતાં હતી તેઓને રિન્યુ કરી દેવાયા હતા. પરંતુ રાજ્યની ઘણી સ્કૂલોમાં જ્ઞાન સહાયકો હાજર થયા નહોતા અથવા તો થયા બાદ પણ જતા રહ્યાં હોવાની વિગતો જાણવા મળે છે.