ગુજરાતઃ 10 રૂપિયાની લાલચના ચક્કરમાં 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડના કાપા માર્યા

અમરેલી, 26 માર્ચ, અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે જેમા 40થી વધુ વિદ્યાર્થીઓએે પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ બનાવ પાછળ ઓનલાઈન ગેમિંગના ટાસ્ક કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવથી રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7 માં ભણતા હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માગણી કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે.
માહિતી અનુસાર વીડિયો ગેમના રવાડે ચઢી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરાં પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની પણ જાણકારી મળી રહી છે. આ મામલો લગભગ આઠ દિવસ સુધી છુપાવાયો હતો અને આખરે ઘટના ઉઘાડી પડી જતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.
દરમિયાન આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે આ ખૂબ ગંભીર ઘટના છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારે આ બનાવની ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મળી ચર્ચા કર્યા બાદ ગાઈડલાઈન બનાવવામાં આવશે.
આ પણ વાંચો :- અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી ઝડપાઈ: મહિલાએ લેગિંગ્સમાં છૂપાવ્યું 34.73 લાખનું સોનું