ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ, 11 ખલાસી લાપતા

  • ખારવા સમાજને દરિયો નહી ખેડવા તાકીદ કરાઇ છે
  • અત્યાર સુધીમાં ૫૦૦ બોટ પરત આવી હોવાનું જણાયું છે
  • માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી

હવામાન વિભાગની આગાહીના પગલે ખારવા સમાજને દરિયો નહી ખેડવા તાકીદ કરાઇ છે. જો કે, નવી સીઝનના પ્રારંભે અમુક બોટ માછીમારી માટે રવાના થઇ હતી પરંતુ દરિયામાં ગઇકાલે અને આજે કરંટ વર્તાયો હતો અને તોફાની વાતાવરણમાં મધદરિયે ત્રણ બોટે કાબુ ગુમાવતા જળ સમાધી લીધી હતી. જો કે, આ ગંભીર ઘટનામાં ૧૧ ખલાસી લાપતા બન્યા હોવાનું જણાયું છે અને સંલગ્ન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જો કે, અત્યાર સુધીમાં ૫૦૦ બોટ પરત આવી હોવાનું જણાયું છે.

રેસ્ક્યુ હાથ ધરી ૭ જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા

જાફરાબાદ માછીમારીની નવી સિઝનના પ્રારંભે જ દરિયો ખેડવા નિકળેલા સાગરખેડૂ મધદરિયે પહોંચ્યા અને કુદરતી વાતાવરણ ગંભીર બનતા મધદરિયેથી બોટ લઇને કાંઠે પરત ફરતા અનેક બોટના મશીનો પર બંધ હોવાથી અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી દોરડા બાંધી ૫રત ફર્યા હતા. દરિયો ગાંડોતૂર બની મસમોટા મોજાં ઉછાળતા જાફરાબાદ થી ૧૮ નોટિકલ માઇલ યશવંતભાઈ બારૈયાની જય શ્રી નામની બોટે મધદરિયામા જળસમાધિ લીધી હતી અન્ય બોટ દ્વારા ૫ ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા. ૪ ખલાસીઓ લાપતા થયા હતા. જાફરાબાદ ની દેવકી નામની બોટે પણ મધદરિયે જળસમાધિ લીધી હતી તે બોટમાં ૧૦ ખલાસીઓ હતા તથા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ૭ જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.

માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લાના રાજપરા ની મુરલીધર નામની બોટે મધદરિયામા જળસમાધિ લેતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ૫ જેટલા ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ૩ બોટના કુલ ૧૧ ખલાસીઓ લાપતા હોવાથી સાગરખેડૂમાં દુઃખની લાગણી ફેલાવા સાથે તંત્ર માં પણ દોડધામ મચી ગઇ છે. મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. હાલ વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મધદરિયે થી ૫૦૦ બોટ જાફરાબાદ બંદરે પરત પહોંચી છે

ખરવા સમાજના બોટ એસોસિયેશન ના પ્રમુખે જણાવ્યું હતું કે મધદરિયે થી ૫૦૦ બોટ જાફરાબાદ બંદરે પરત પહોંચી છે. અન્ય બોટો સાથે વાયરલેસ કરી તેઓને નજીકના બંદરે જતા રહેવા સુચના આપવામાં આવી રહી છે. અને પીપાવાવ કોસ્ટ ગાર્ડ સાથે પણ સંપર્ક કર્યો છે વહેલી સવારથી જીલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ફિશરીઝ વિભાગ કોસ્ટ ગાર્ડ પણ જાફરાબાદ બંદરે આવી પહોંચ્યા હતા અને સાગરખેડૂ ઓ સાથે બેઠક યોજી હતી આમ ગંભીર ઘટના ઘટતા વહીવટી તંત્ર દોડતું થયું છે.

આ પણ વાંચો: ગુજરાત: અન્ન પુરવઠા વિભાગની બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું

Back to top button