રાજ્યમાં પોલીસ વિભાગમાં બઢતીનો દૌર શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના ગૃહ મંત્રાલયે સરકારના સિનિયર પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા સિનિયર ત્રણ IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે. વર્ષ 2005 કેડરના ત્રણ આઇપીએસ અધિકારીને પ્રમોશન અપાયું છે. સરકારે IPS મનીંદરસિંહ પવાર, IPS હિમાશું શુકલા અને IPS રાઘવેન્દ્ર વતસ્યને IGP તરીકે પ્રમોશન આપ્યું છે.
બઢતી પામેલા અધિકારીઓ હાલ ક્યાં ?
ગૃહ મંત્રાલય દ્વારા આજે બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ જે ત્રણ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તેમાંથી IPS મનીંદરસિંહ પવાર વર્તમાનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે જ્યારે IPS હિમાશું શુકલા કેબિનેટ સચિવાલયમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર સેવા આપી રહ્યાં છે. જ્યારે કે IPS રાઘવેન્દ્ર વત્સય CBI માં ડેપ્યુટેશન ઉપર રહેલા છે.
તાજેતરમાં પ્રેમવીરસિંહ અને પિયુષ પટેલને સિંગલ ઓર્ડરથી અપાયું હતું પ્રમોશન
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગૃહવિભાગ દ્વારા ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું હતું. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું હતું. જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને ADGP (Additional Director General Of Police) તરીકે પ્રમોશન અપાયું હતું. આ બંને ઉચ્ચ અધિકારીઓને સિંગલ ઓર્ડરથી પ્રમોશન આપવામાં આવ્યા હતા.