ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ગાંધીનગરમાં 2 ભોજનાલય અને 1 સ્કૂલ મળી 3 મિલકતો સીલ કરાઇ

  • સેક્ટર-16માં આવેલ વધુ એક બેઝમેન્ટમાં ચાલતુ આદર્શ ભોજનાલયને સીલ કરાયુ
  • વેદ ઇન્ટરનેશનલ, વસંતકુંવરબા તેમજ ડીપીએસ સ્કૂલને સીલ કરાઇ
  • અત્યાર સુધીમાં આઠ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી

ગાંધીનગરમાં 2 ભોજનાલય અને 1 સ્કૂલ મળી 3 મિલકતો સીલ કરાઇ છે. જેમાં ભોજનાલયો ગેરકાયદે ધમધમી રહ્યાં હતા તથા સ્કૂલ સંચાલક પાસે એનઓસી નથી. અત્યાર સુધીમાં ચાર સ્કૂલ મળી આઠ મિલકતોને સીલ કરાઇ છે. જ્યારે સેક્ટર-21માં આવેલ જંગલ જોય નામની રેસ્ટોરન્ટ પણ બંધ કરાવવામા આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી હવે ધીરે ધીરે લેશે વિદાય, વરસાદની જાણો શું છે આગાહી 

અત્યાર સુધીમાં આઠ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી

રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા ગાંધીનગરના તંત્ર દ્વારા ગેરકાયદે રીતે ચાલતી રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સ્કુલો, હોસ્પિટલો તેમજ બહુમાળી ઇમારતોમાં તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસ બાદ મનપાએ વધુ ત્રણ મિલકતોને સીલ કરી છે. આ મિલકતોમાં બે ભોજનાલય તેમજ એક સ્કુલનો સમાવેશ થાય છે. ભોજનલાયો ગેરકાયદે રીતે ધમધમતા હતા એટલુજ નહી પરંતુ સીલ કરવામાં આવેલી સ્કુલના સંચાલક પાસે ફાયર એનઓસી નહતી. આ મામલે અત્યાર સુધીમાં આઠ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી છે.

વેદ ઇન્ટરનેશનલ, વસંતકુંવરબા તેમજ ડીપીએસ સ્કૂલને સીલ કરાઇ

રાજકોટ અગ્નિકાંડમાં 27 માનવ જીંદગી હણાયા બાદ તપાસનો રેલો પ્રથમ વખત કોઇ જવાબદાર સરકારી અધિકારીઓ સુધી પહોંચ્યો છે. જેના કારણે અત્યાર સુધી કાયદાના પાલન મામલે આંખ મિચામણા કરતા સરકારી બાબુઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. અત્યાર સુધી કાયદાની ઐસી કી તૈસી કરીને વ્યાપારી સંકુલોમાં ધમધમતી હાટડીઓ જે ગામનું નાનું છોકરુ પણ નરી આંખે જોઇ શકતુ હતુ તે બાબતને હવે જ્યારે રાજકોટમાં નિર્દોષ જિંદગીઓ હણાઇ અને તેનાથી પણ વધુ જ્યારે ભવિષ્યમાં પોતાના પગ નીચે પણ રેલો આવી શકે છે તે પ્રકારના સરકારના પગલા જોઇને જવાબદાર સરકારી બાબુઓની નજરે હવે પડી રહી છે. મનપા અને ફાયર તંત્રની સંયુક્ત ટીમે તાજેતરમાં જ આ પ્રકારની પાંચ જેટલી મિલકતો સીલ કરી હતી. જેમાં વેદ ઇન્ટરનેશનલ, વસંતકુંવરબા તેમજ ડીપીએસ સ્કૂલને સીલ કરાઇ હતી. તંત્ર દ્વારા વાવોલ સ્થિત સિધ્ધાર્થ મિરેકલ સ્કુલને પણ સીલ કરવામાં આવી છે. આ સ્કૂલ પાસે ફાયર એનઓસી રિન્યુ થયેલુ નહતું. જેના પગલે પગલા લેવામાં આવ્યા છે.

ગાંધીનગર મનપાએ ત્રણ સહિત કુલ આઠ મિલકતોને સીલ કરી

બીજી તરફ સેક્ટર-16માં આવેલ વધુ એક બેઝમેન્ટમાં ચાલતુ આદર્શ ભોજનાલયને સીલ કરાયુ છે. આ ભોજનાલય બે દાયકાથી પણ વધુ સમયથી બેઝમેન્ટમાં ચાલતુ હતું. રાજકોટ અગ્નિકાંડ બાદ તેને પ્રથમ વખત બંધ કરાયુ છે. આ પુર્વે આજ વિસ્તારમાં આવેલ આર વર્લ્ડ નામના કોમર્શિયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં ચાલતુ રજવાડી ભોજનાલયને પણ સીલ કરાયુ હતું. આ ભોજનાલય પણ જ્યારથી બિલ્ડીંગ અસ્તિત્વમા આવ્યુ ત્યારથી ચાલતુ હતું. રાજકોટ અગ્નિબાદ કાંડ પ્રથમ વખત તેની સામે પગલા લેવાયા છે. જ્યારે સેક્ટર-21માં આવેલ જંગલ જોય નામની રેસ્ટોરન્ટ પણ બંધ કરાવવામા આવી છે. આ રેસ્ટોરન્ટ પણ ઘણા સમયથી ધમધમતી હતી. અત્યાર સુધીમાં ગાંધીનગર મનપાએ ત્રણ સહિત કુલ આઠ મિલકતોને સીલ કરી છે.

Back to top button