ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

નેશનલ એજ્યુકેશન પોલિસી’20 અંતર્ગત GTU દ્વારા નવા 21 અભ્યાસક્રમો શરૂ કરાયા

ગાંધીનગર, 4 માર્ચ : નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તેના તાબા હેઠળની ૧૬ કોલેજ ખાતે ડેટા સાયન્સ, ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ઇલેક્ટ્રીક વ્હિકલ્સ, AI ટેકનીક્સ એન્ડ મશીન લર્નિંગ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને એનર્જી એન્જીનિયરીંગ જેવા નવા ૨૧ માઇનોર/ઓનર્સ અભ્યાસક્રમો શરૂ કરાયા છે તેમ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ઉદ્યોગો દ્વારા સંચાલિત કુલ ૧૩ માઇનોર/ઓનર્સ પ્રોગ્રામ્સ GTU દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે. જેમાં iACE – મારુતિ સુઝુકી, L&T EduTech અને TCSiONનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઈન્ડસ્ટ્રિયલ પ્રોસેસ સેફ્ટી, AI અને મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી તેમજ 3D પ્રિન્ટિંગ જેવા વિષયો માટે માઇનોર/ઓનર્સ ડિગ્રી આપવામાં આવે છે.

મંત્રી ઋષિકેશ પટેલે માઇનોર/ઓનર્સ અભ્યાસક્રમો અંગે સમજ આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સ્નાતક ડિગ્રી ક્રેડિટ ફ્રેમવર્કમાં આવરી લેવામાં ન આવ્યા હોય, તેવા ઈમર્જિંગ ક્ષેત્રોમાં ‘માઇનોર ડિગ્રી’નો કન્સેપ્ટ NEP હેઠળ અમલમાં આવ્યો છે. માઇનોર ડિગ્રીનો કન્સેપ્ટ અમલમાં આવતા દેશ સહિત ગુજરાતમાં મલ્ટી-ડીસીપ્લીનરી શિક્ષણ પ્રણાલીની શરૂઆત થઈ છે.

તેવી જ રીતે, ઓનર્સ ડીગ્રી હેઠળ વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમના એરીયામાંથી જ પરંતુ ડિગ્રી ક્રેડિટ ફ્રેમવર્કમાં આવરી લેવામાં આવતા ન હોય, તેવા પ્રોગ્રામની પસંદગી કરે છે. આમ, વિદ્યાર્થીને તેની પ્રાથમિક અભ્યાસક્રમની ડિગ્રી સાથે પસંદ કરાયેલ પ્રોગ્રામ માટે ઓનર્સ ડિગ્રી એનાયત કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી ઋષિકેશ પટેલે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, સિવિલ એન્જિનિયરિંગમાં મુખ્ય ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ તેમજ સાયબર સિક્યુરિટીને માઇનોર ડિગ્રી પ્રોગ્રામ તરીકે લઈ શકે છે. તેવી જ રીતે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મુખ્ય ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓ ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી, AI અને બ્લોકચેઈન જેવા સ્પેશ્યલાઈઝ્ડ વિષયોને ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામ તરીકે લઈ શકે છે. એટલે કે, વિદ્યાર્થી પોતાના પ્રાથમિક અભ્યાસક્રમ સિવાયના અન્ય નવા અભ્યાસક્રમમાં એક સાથે અભ્યાસ કરી શકે છે. જેમાં ઉત્તીર્ણ થયેથી વિદ્યાર્થીને વધારાની મોઇનોર/ઓનર્સ ડિગ્રી પણ એનાયત કરવામાં આવે છે.

આ પણ વાંચો :- રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી કરાઈ, જુઓ કોને ક્યાં મુકાયા

Back to top button