ગુજરાતચૂંટણી 2022ફૂડ
અનાજ-કરિયાણા ઉપર GST, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓનો બંધ સાથે વિરોધ
અનાજ-કઠોળમાં અનબ્રાન્ડેડ પેકિંગ પર પણ જીએસટી લાગુ કરવાના નિર્ણય સામે દેશભરના વેપારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે ભારત બંધના એલાન અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ વેપારીઓએ વિરોધ દર્શાવવા માટે આજે બંધના એલાનને સમર્થન આપતા જોડાયા હતા અને ધંધો બંધ રાખ્યો હતો.
સોમવારથી કરમુક્ત અનાજ- કઠોળ- સ્ટેશનરી જેવી ચીજોમાં જીએસટી લાગૂ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી કરમુક્ત અનાજ-કઠોળ-સ્ટેશનરી જેવી ચીજોમાં જીએસટી લાગૂ પાડ્યો છે. તા. 18 જુલાઈને સોમવારથી તેનો અમલ થવાનો છે. સરકારના આ નિર્ણય સામે વેપારીઓનો વિરોધ છે. નાના વેપારીઓને કરજાળની ઝંઝટમાં મુકાવું પડશે અને રીટર્ન ભરવા સહિતની કામગીરી કરવી પડશે તેવી અનેકવિધ રજુઆતો કરી હતી. ત્યારે સોમવારથી જીએસટી લાગૂ પડે તે પૂર્વે ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ઓનલાઈન માર્કેટના લીધે પહેલેથી જ નુકશાન
આ મામલે રાજકોટના વેપારીઓનું કહેવું છે કે, સરકારના નોટિફિકેશન પછી વેપારી આલમ અને એમાં પણ વિશેષ રૂપે અનાજ કરિયાણા અને ખાદ્ય પદાર્થોના બિઝનેસમાં સંકળાયેલા વેપારીઓ વધુ રોષે ભરાયા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં, ચોખા, કઠોળ, લોટ જેવા વિવિધ આવશ્યક અનાજ પર પાંચ ટકા જીએસટી લાદવાના નિર્ણયથી દેશના સમગ્ર વેપારીઓ વિરોધ વ્યક્ત કરી સરકાર સમક્ષ આંદોલન કરી રહ્યા છે. આ નિર્ણયથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈ-કોમર્સ અને ઓનલાઇન વેપારને લીધે મોટા ભાગનો વેપાર ખતમ થઈ ગયો છે અને એના પર સરકાર પાંચ ટકા જીએસટી લગાડીને વેપારને સંપૂર્ણપણે ખલાસ કરવા જઈ રહી છે. આ કાયદાથી વેપારીઓ તેમ જ સામાન્ય જનતાએ પણ ઘણું સહન કરવાનું આવશે અને નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.