GST કાઉન્સીલની બેઠક યોજાઈ, કેન્સરની દવા ઉપર Tax ઘટાડાયો, જાણો બીજા ક્યાં ફેરફાર થયા
નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર : GST કાઉન્સિલની સોમવારે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટીના દર ઘટાડવા અને રૂ. 2000થી ઓછાના ઓનલાઈન વ્યવહારો (ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા) પર 18% જીએસટી લાદવાની બાબત હતી. હાલમાં, વીમાનું પ્રીમિયમ સસ્તું થવાનું નથી, કારણ કે આ મુદ્દે અંતિમ નિર્ણય આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત નમકીન પરના જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ, કેન્સરની કેટલીક દવાઓ પરના GST દર ઘટાડવા પર પણ સહમતિ બની છે. બેઠક દરમિયાન ઉત્તરાખંડના નાણામંત્રીએ જણાવ્યું કે તીર્થયાત્રા પર જીએસટી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણની આગેવાનીમાં બેઠક મળી હતી
નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની બેઠકમાં, આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના GST દરને વર્તમાન 18 ટકાથી ઘટાડવા પર વ્યાપકપણે સંમતિ આપવામાં આવી હતી. જો કે, જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં મોડલિટી નક્કી કરવામાં આવશે. તેથી, કાઉન્સિલની બેઠકમાં વીમા પ્રીમિયમ પર GST લાદવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. GST કાઉન્સિલની આગામી બેઠક નવેમ્બરમાં યોજાવાની છે.
આ ઉપરાંત, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયા સુધીના નાના ઓનલાઈન વ્યવહારો માટે બિલડેસ્ક અને CCAvenue જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ પર 18% GST લાદવાની જાહેરાત પર ચર્ચા થઈ હતી. પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને હાલમાં આ મામલો ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે.
આરોગ્ય વીમા પર GST દર અંગે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલમાં સ્વાસ્થ્ય વીમા પરના વર્તમાન 18 ટકા GST દરને ઘટાડવા માટે વ્યાપક સહમતિ બની છે. ટેક્સના દરને તર્કસંગત બનાવવા કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ અધિકારીઓની કમિટી (ફિટમેન્ટ કમિટી) એ સોમવારે GST કાઉન્સિલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. તે જીવન, આરોગ્ય અને રિ-ઇન્શ્યોરન્સ પ્રિમીયમ પર GST કપાતનો ડેટા અને વિશ્લેષણ આપે છે. બેઠકમાં ભાગ લીધા બાદ દિલ્હીના નાણામંત્રી આતિશીએ પત્રકારો સાથે વાત કરતા તેને મંજૂરી આપી હતી.
GST કાઉન્સિલની આ 54મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. દિલ્હીમાં આયોજિત આ પરિષદની બેઠકમાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ હાજર રહ્યા હતા. હાલમાં, પેમેન્ટ એગ્રીગેટર્સને 2000 રૂપિયાથી ઓછી રકમના વ્યવહારો પર GST ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
મોટાભાગના રાજ્યો વીમા પ્રિમીયમ પર ટેક્સ ઘટાડવાની તરફેણમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના રાજ્યો વીમા પ્રીમિયમ દરમાં ઘટાડો કરવાના પક્ષમાં છે. જો GST દરો ઘટાડવામાં આવે છે તો તે લાખો પોલિસીધારકો માટે ફાયદાકારક રહેશે કારણ કે પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે. જીએસટીના આગમન પહેલા વીમા પ્રિમીયમ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે GST સિસ્ટમમાં સર્વિસ ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વીમા પ્રિમિયમ પર ટેક્સ લાદવાનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષના સભ્યોએ આરોગ્ય અને જીવન વીમાના પ્રિમિયમને GSTમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રીને પત્ર લખીને આ ટેક્સમાંથી રાહત આપવાની અપીલ કરી હતી, ત્યારથી વિપક્ષ આ મુદ્દાને રાજકીય ચર્ચાનો ભાગ બનાવી રહ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સંસદમાં બજેટ પર ચર્ચા બાદ પોતાના જવાબમાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દો GST કાઉન્સિલમાં ઉઠાવશે.