ગાંધીધામ GST કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્ની પોતાની દીકરી સાથે તેમના પતિ વિરૂદ્ધ જ ધરણાં પર બેઠાં છે. ગુરુવારે દીકરીને લઈને GSTની ગાંધીધામ સ્થિત મુખ્ય કચેરી સામે પતિ વિરુદ્ધ જ ધરણાં પર બેસી જતાં કમિશનરનો ઘરકંકાસ જગજાહેર થયો છે. પતિ આનંદ કુમાર પોતાની સાથે વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાના આક્ષેપ કરી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા.
સુધર જાવો, આદમી બનો જેવાં પ્લેકાર્ડ દેખાડી વિરોધ કર્યો
ગુરુવારે બપોરે સેન્ટ્રલ GSTની મુખ્ય કચેરીની સામે જ કમિશનરની પત્ની રત્ના, પુત્રી અને તેના પિતા હાથમાં “સુધર જાવો’,”આદમી બનો’, “20 વર્ષથી કરાઈ રહેલો અન્યાય’ જેવા પોસ્ટર સાથે બેસી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં મહિલાએ જણાવ્યું કે કમિશનર આનંદકુમાર તેમના પતિ છે અને તેમની સાથે વર્ષોથી અન્યાય કરે છે, આ સાથે તેમણે અયોગ્ય વર્તન, લગ્નેતર સબંધો સહિતના આક્ષેપો કર્યા હતા.
રત્ના પુલપાકાએ જણાવ્યું કે “પતિ આનંદ કુમારે છૂટાછેડાં આપ્યાં વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે. હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ.”
5 વર્ષથી ઘરેલુ વિખવાદને લઈને કોર્ટમાં કેસ ચાલુ છે
કચ્છની મુખ્ય GST કચેરીની બહારજ આ પ્રકારનો મામલો થતા લોકમુખે ભારે ચર્ચા જગાવી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા પાંચેક વર્ષથી ઘરેલુ વિખવાદને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, અને ભરણપોષણની રકમ પણ આપવામાં આવી રહી છે. વિભાગના પુર્વ અધિકારી રહી ચુકેલા મહિલાના પિતા પણ સ્થળ પર ઉપસ્થિત રહીને વિરોધના ભાગ બન્યા હતા. બપોરના ત્રણેક વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કચેરી સામેજ ચાલતા આ વિરોધ ધરણાથી કચેરીના અધિકારીઓ અસંજસની સ્થિતિમાં મુકાયા હતા. સાંજે પોલીસે તેમને સ્થળથી બી ડિવિઝન પોલીસ મથક લઈ ગયા હતા. પીઆઈ પી.એન. ઝીંઝુવાડીયાએ મંજુરી વિના થતા ધરણાને નિયમાનુસાર બંધ કરીને સમજાવટના પગલા ભરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ.