GSSSBએ 2 વર્ષમાં 2826 જગ્યાઓની જાહેરાત કરી, 77 જગ્યાઓની પસંદગી યાદી વિભાગને મોકલી
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2024, ગુજરાત વિધાનસભામાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજે બે ભાગમાં સત્રનું કામકાજ થયું હતું. જેમાં કોંગ્રેસ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી જગ્યાઓ અને તેમાં થયેલા ઉમેદવારોની પસંદગી અંગે સવાલ કર્યો હતો. સરકારે તેનો લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, GSSSBએ 2 વર્ષમાં 2826 જગ્યાઓની જાહેરાત કરી હતી. જેમાંથી 77 જગ્યાઓ માટેની પસંદગીની યાદી વિભાગને મોકલી આપી છે. જ્યારે નર્સિંગ ટ્યુટરની ભરતી પર હાઇકોર્ટનો સ્ટે છે.
અર્જુન મોઢવાડિયાએ સરકારને સવાલ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો હતો કે,31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંવર્ગવાર કેટલી જગ્યાઓ ભરવા માટે કયારે જાહેરાત બહાર પાડવામાં આવી, તે અન્વયે કેટલી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સંવર્ગવાર કેટલી જગ્યાઓ માટેની પસંદગી યાદી સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવી અને કઈ બાકી ભરતી પ્રક્રિયા કયાં સુધીમાં પુર્ણ કરવાનું આયોજન છે?
77 જગ્યાઓ માટે પસંદગીની યાદી મોકલાઈ
અર્જુન મોઢવાડિયાના સવાલનો જવાબ આપતાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 2826 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 77 જગ્યાઓ માટે પસંદગીની યાદી સંબંધિત વિભાગને મોકલવામાં આવી છે. જેમાં નર્સિંગ ટ્યુટરની ભરતી પર હાઇકોર્ટનો સ્ટે છે. જ્યારે બાકીની જગ્યાઓ પર બનતી ત્વરાએ કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલે AMCના 200 કરોડના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું