ભારતના સૌપ્રથમ સેમિકંડક્ટર પ્લાન્ટનું ગુજરાતમાં ખાતમુહૂર્ત
- સાણંદ GIDC ખાતે ‘માઇક્રોન’ના પ્લાન્ટમાં 2024ના અંતમાં ઉત્પાદન શરૂ થશે
- માઇક્રોનના પ્લાન્ટથી ૨૦ હજાર પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળવાની સંભાવના
- માઇક્રોન અને સરકાર વચ્ચે એમોયુ થયાના ત્રણ મહિનામાં જ ખાતમુહૂર્ત
- જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનને હવે સાણંદનું સ્ટોપેજ
સાણંદ GIDC ખાતે ‘માઇક્રોન’ના સેમિકંડક્ટર પ્લાન્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન માટેનું આ સૌપ્રથમ એકમ છે. ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો અશ્વિની વૈષ્ણવ તથા જી. ચંદ્રશેખર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વાયબ્રન્ટ ગુજરાત સમિટના બે દાયકા પૂર્ણ થવા સમયે જ ગુજરાત સેમિકંડક્ટર ક્ષેત્રે આગવું પગલું ભરી રહ્યું છે એમ જણાવી મુખ્યમંત્રીએ સાણંદમાં માઇક્રોનના પ્લાન્ટના ભૂમિપૂજનને ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો. સાથોસાથ વાયબ્રન્ટના ૨૦ વર્ષ પુરા થવાને ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે થનારી ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માઇક્રોન અને સરકાર વચ્ચે પહેલા એમોયુના ત્રણ મહિનામાં જ અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. માઇક્રોનનો પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાત આવનારા સમયમાં સેમિકંડક્ટર અને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તને સેમિકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શરૂઆત ગણાવી. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટથી આગામી વર્ષોમાં ૨૦ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. સાથોસાથ સાણંદની આસપાસના વિસ્તારમાં વૈશ્વિક સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે એમ તેમણે ઉમેર્યું.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય આઈ.ટી. અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્લાન્ટના નિર્માણ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી છે. તેમણે કહ્યું કે, ૨૦૧૪માં મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ ૧૭૦૦૦ કરોડ હતું જે આજે ૨૨ ગણું વધીને ૩.૬૫ લાખ કરોડ થયું, પહેલા મોબાઈલનું એક્સપોર્ટ ૭ હજાર કરોડનું હતું જે આજે ૧૩ ગણું વધીને ૯૧ હજાર કરોડ થયું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પહેલા ૧.૯૦ લાખ કરોડનું હતું જે આજે ૮.૩૦ લાખ કરોડ પર પહોંચ્યું છે.
કેન્દ્રીય રાજયમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત પ્રતિદિન નવા આયામો રચી રહ્યું છે ત્યારે માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી ભારતને સેમિકંડક્ટર દેશ બનાવવાંના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે.
અમેરિકન કંપની માઇક્રોન વિવિધ તબક્કામાં ૨૨,૫૧૬ કરોડના ખર્ચે સેમિકંડક્ટર અને માઈક્રોપ્રોસેસિંગ ચીપના ઉત્પાદન માટે પ્લાન્ટ બનાવશે. આ પ્રોજેકટ ટાટા પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યો છે.
અહીં એ ખાસ નોંધવું જોઇએ કે, ગુજરાતમાં ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ થાય તે માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા છેલ્લા ઘણાં વર્ષથી રસ લઈ રહ્યા છે. મૂળભૂત રીતે રાજસ્થાનના આ અધિકારી વડોદરા અને ગુજરાતમાં કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. જોકે તેમની ગુજરાત સરકારમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગમાં નિયુક્ત થયા બાદ શ્રી નહેરાએ ગુજરાતમાં ટેકનોલોજી વિકાસમાં ઊંડો રસ લઈને નોંધપાત્ર કામગીરી કરી છે. કાર્યક્ષમતા અને ધગશ માટે વહીવટી વર્તુળમાં લોકપ્રિય થયેલા શ્રી નહેરાને આ જ કારણે તાજેતરમાં કેન્દ્ર સરકારમાં સેવા માટે પસંદ કરવામાં આવ્યા છે.