સુરત મનપાની ઘોર બેદરકારી : સવારે બનાવેલો રોડ બપોરે આઈસ્ક્રીમની જેમ પીગળી ગયો
- સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવી
- અડાજણ વિસ્તારમાં એપ્રોચ રોડ પીગળી ગયો
- રોડ બનાવવામા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એપ્રોચ રોડ પીગળી જવાની ઘટના સામે આવી છે. રોડ પીગળવાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે રોડ બનાવ્યાના ગણતરીના કલાકોમાં જ રોડ પીગળતા વાહન ચાલકોએ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે.
સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરે પીગળવા લાગ્યો
રાજ્યમાં ધીરે ધીરે કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત મનપા દ્વારા સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરના તડકામાં આઈસ્ક્રિમની જેમ પીગળી ગયો હોવાની ઘટનાએ સૌ કાઈને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જો કે આ ઘટના બાદ લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. અને રોડ બનાવવામા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામા આવી રહ્યા છે.
વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
સુરત મનપા દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં અંદાજે 200 મીટરનો એપ્રોચ રોડ બનાવવામા આવ્યો છે. ત્યારે નવાઈ વાત એ છે કે મનપા દ્વારા બનાવવામા આવેલ આ રોડ બપોરે ભર તાપમાં તપમાં ગણતરીના કલોકોમાં જ પીગળવા લાગ્યો હતો. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજથી અડાજણ પાટિયા તરફનો રોડ પર આજે બપોરે રોડ પીગળવા લાગ્યો હતો. સવારે બનાવવામા આવેલ રોડ પરથી કલાકોમાં જ ડામર પીગળી જતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. રોડ બનાવવામાં કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ તંત્ર સામે કરવામા આવી રહ્યા છે. જો કે આ ઘટના અંગે જાણ થતા મનપાએ આ પીગળેલા રોડ પર માટી પાથરવાની શરૂ કરી હતી.
આ પણ વાંચો : કોરોના બાદ ચીનમાં નવા વાયરસનો કહેર ! H3N8 બર્ડ ફ્લુથી પ્રથમ મોત