ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં તબીબની ઘોર બેદરકારી: ડૉક્ટરે ડાબાની જગ્યાએ જમણા પગનું કરી નાખ્યું ઓપરેશન

રાજકોટ, 18 જુલાઇ, રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં તબીબની ઘોર બેદરકારી સામે આવી છે. 20 વર્ષીય યુવતીનું યુનિકેર હોસ્પિટલ દ્વારા ડાબા પગની જગ્યાએ યુવતીના જમણા પગમાં ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવતીએ અન્ય ડૉક્ટરને બતાવતા તેને પગના ઓપરેશનની વાત ખબર પડી હતી. ત્યારબાદ આ હોસ્પિટલ વિરુદ્ધ 20 વર્ષની યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.

હોસ્પિટલ તંત્રમાં દોડધામ જોવા મળી

જૂનાગઢની મહિલા દર્દીને તબીબનો કડવો અનુભવ થયો છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે જૂનાગઢની આ યુવતીને પગમાં દુખાવાને કારણે જૂનાગઢના ડૉક્ટરને બતાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી, ત્યારબાદ આ યુવતી ઓપરેશન માટે આવી હતી અને યુવતીના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ યુવતીને ડાબા પગમાં તકલીફ હતી અને ઓપરેશન માટે તે દાખલ થઇ હતી પરંતુ અહીં યુનિકેરના તબીબની બેદરકારી તો જુઓ તેમણે ડાબાના બદલે યુવતીનું જમણા પગનું ઓપરેશન કરી દીધું હતું. જેને લઈને આ યુવતી દ્વારા હવે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં હોસ્પિટલ વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. જેને લઇને હોસ્પિટલ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.

દસ વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે ગણપતિ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા તેના ડાબા પગમાં સામાન્ય ઇજા થઈ હતી. થોડાક દિવસો પૂર્વે પોતાના ડાબા પગમાં ગોઠણથી નીચેના ભાગે દુખાવો થતાં જુનાગઢ ખાતે ડોક્ટર નિકુંજ ઠુંમરને બતાવ્યું હતું. તેમજ તેમણે સોનોગ્રાફી તેમજ એમઆરઆઇ પણ કરાવ્યું હતું. તબીબ નિકુંજ ઠક્કરે કહ્યું હતું કે તમારા ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે. જેના માટે સારવાર અર્થે તમારે વાકયુલર સર્જન ડૉક્ટરને બતાવવું પડશે. જેથી મેં ગુગલમાં સર્ચ કરતા યુનિકેર હોસ્પિટલ જાણવા મળ્યું હતું.

હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના વડાએ શું કહ્યું 

જૂનાગઢની યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ અરજી કરવામાં આવતા સમગ્ર મામલે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના વડા કાર્તિક શેઠે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે આ યુવતી હોસ્પિટલમાં દાખલ થવા માટે આવી હતી. ત્યારે તેની સાથે રહેલા તેમના સગાને તમામ બાબતોની માહિતી આપી હતી. યુવતીને સારવાર દરમિયાન ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું. તેમજ જમણા પગમાં પણ તેની અસર થતી હોવાથી બંને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ઓપરેશન કરતા પહેલા દર્દી અને તેમના સગાઓને સમજાવ્યા હતા અને સહમતિ પત્ર ઉપર સહી પણ લેવામાં આવી હતી અને ત્યારબાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે હવે આ યુવતી દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે ત્યારે અમે આ તમામ બાબતોના પુરાવા પોલીસને આપ્યા છે. હવે પોલીસે દ્વારા હોસ્પિટલ તંત્રના સત્તાધીશોનું નિવેદન નોંધણીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો..સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બન્યા બેફામ, 3 દિવસમાં 7 શ્રમિકોના મૃત્યુ

Back to top button