ડીસા નગરપાલિકાની ઘોર બેદરકારી: જીવિત ગાયને ટ્રોલીમાં આખી રાત બાંધી રાખતા દર્દનાક મોત

ગૌમાતાના સન્માનના દાવા વચ્ચે ગૌરક્ષાના કાયદાનો ભંગ, ડીસામાં નગરપાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

16 ઓગસ્ટ 2025 ડીસા: બનાસકાંઠાના ડીસામાં એક અતિ સંવેદનશીલ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે, જેણે ગૌરક્ષકો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જગાવ્યો છે. ગૌમાતાની પૂજા અને રક્ષાની વાતો વચ્ચે, ડીસા નગરપાલિકાના કર્મચારીઓની ગંભીર બેદરકારી અને ક્રૂરતાને કારણે એક જીવિત ગાયનું દર્દનાક મોત થયું છે. એક સોસાયટીમાંથી ફરિયાદ મળ્યા બાદ ગાયને અમાનવીય રીતે બાંધી, ટ્રેક્ટરની ટ્રોલીમાં આખી રાત રાખવામાં આવી, જેના પરિણામે વહેલી સવારે તેનું તરફડીને મોત થયું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ ઘટનાની ઊંડી તપાસની માંગણી કરવામાં આવી છે.

રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં દાખવવામાં આવેલી ઘોર બેદરકારી અને ક્રૂરતા
ડીસા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. આ વખતે વિવાદનું કારણ રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં દાખવવામાં આવેલી ઘોર બેદરકારી અને ક્રૂરતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડીસાની એક સોસાયટીના રહીશોએ એક ગાય ઉત્પાત મચાવતી હોવાની ફરિયાદ નગરપાલિકામાં કરી હતી. ફરિયાદના આધારે, નગરપાલિકાના રખડતા ઢોર પકડવા માટેના કોન્ટ્રાક્ટરના માણસો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

તંત્રએ ગાય સાથે કરેલ અમાનવિય દુર્વ્યવહારને લઈને ગૌરક્ષકો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ
કોઈપણ વેટરનરી તબીબની સલાહ કે તપાસ લીધા વિના, આ કર્મચારીઓએ ગાયને ‘હડકાયેલી’ માની લીધી. ત્યારબાદ, ચારથી પાંચ માણસોએ એક જીવિત ગાય પર તૂટી પડી, તેના ચારેય પગ અને મોઢું દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી દીધા. આટલું જ નહીં, ગાયને ઊંચકીને ટ્રેક્ટરની ટ્રોલીમાં પટકી દીધી હતી અને આખી રાત તેને તે જ હાલતમાં પાલિકાના હાથીખાનામાં મૂકી રાખી.
આખી રાત ટ્રોલીમાં અમાનવીય રીતે બંધાયેલી રહેવાને કારણે ગાયને અસહ્ય પીડા થઈ. જેના પરિણામે, વહેલી સવારે તે તરફડીને મૃત્યુ પામી. આ દુર્ઘટનાની જાણ થતા જ ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ગૌરક્ષા અને પશુકલ્યાણના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત
ઘટનાની ગંભીરતાને જોતા, ગૌરક્ષકોએ આ મામલો ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચાડ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા, વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી ગાયનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આ પ્રકારની અમાનવીય અને ક્રૂર ઘટના એ દર્શાવે છે કે ગૌરક્ષા અને પશુકલ્યાણના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત છે. નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારી અને સંવેદનહીનતા સામે કડક પગલાં લેવા માટે લોકો માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.











