ગ્રીસમાં મોટી દુર્ઘટના; પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં 79નાં મોત


દક્ષિણ ગ્રીસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓથી ભરેલી માછીમારીની બોટ પલટી જતાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
પરંતુ આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોનું કહેવું છે કે આ બોટમાં ઓછામાં ઓછા 100 વધુ લોકો હાજર હતા, જેમની હજુ સુધી કોઈ જાણકારી નથી.
દેશની સરકારના જણાવ્યા અનુસાર, ગ્રીસમાં બનેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સ્થળાંતર દુર્ઘટના છે. ગ્રીસમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.
કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન બોર્ડર એજન્સી ફ્રન્ટેક્સના એક વિમાને મંગળવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય જળસીમામાં બોટને જોઈ હતી. બોટમાં બેઠેલા કોઈપણ વ્યક્તિએ લાઈફ જેકેટ પહેર્યું ન હતું.
આ પણ વાંચો- મંત્રી ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા કેમ પહોંચ્યા શેલ્ટર હોમ?
ગ્રીક જાહેર પ્રસારણકર્તા ERT એ અહેવાલ આપ્યો કે સત્તાવાળાઓએ સેટેલાઇટ ફોન દ્વારા બોટનો અનેક પ્રસંગોએ સંપર્ક કર્યો હતો અને મદદની ઓફર કરી હતી, પરંતુ બોટ તરફથી વારંવાર કહેવામાં આવ્યું હતું કે “અમને ઇટાલી જવા સિવાય બીજું કંઈ જોઈતું નથી.”
થોડા કલાકો પછી લગભગ 1 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પરના કોઈએ ગ્રીસના કોસ્ટગાર્ડને જાણ કરી કે જહાજનું એન્જિન ફેલ થઇ ગયું છે. તેના 10 થી 15 મિનિટ પછી બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેજ પવનને કારણે તેમાં પણ ઘણી સમસ્યાઓ આવી હતી.
બચાવકાર્ય દરમિયાન 100થી વધારે લોકોને બચાવી લેવાયા હતા પરંતુ ત્યાર સુધીમાં 79 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધો હતો.
આ પણ વાંચો- ગુજરાતના આ દરિયાકાંઠાના ગામમાં બિપોરજોય વાવાઝોડાથી બચવા અનોખો ઉપાય કર્યો