મહાપુરૂષોએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે જબરજસ્ત સંઘર્ષ કર્યો : પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરી જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કરાઈ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં યોગદાન આપનારા અનેક વીરસપુતો સહિત રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ એની પાછળ લાખો નામી અનામી મહાન સ્વાતંત્ર્યવીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. આ મહાપુરૂષોએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે જબરજસ્ત સંઘર્ષ કર્યો, જેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. ત્યારે તેમના જીવનમાંથી પ્રેરણા લઇ આ મહામુલી આઝાદીનું જતન કરીએ.
મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિકાસ અને સુશાસનનાં ફળ દેશભરમાં છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચી રહ્યાં છે. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ‘‘ટીમ ગુજરાત’’ વધુ તેજ રફતારથી આગળ વધારી રહી છે. મંત્રીએ જણાવ્યું કે, આ જિલ્લામાં આવેલું શક્તિપીઠ અંબાજી આઝાદીના ૭૫ વર્ષ પછી પણ રેલ્વેની સુવિધાથી વંચિત હતું જેને રેલ્વે નેટવર્કથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારત- પાકિસ્તાનની બોર્ડર નજીક નડાબેટ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મંત્રીના પ્રવચનના કેટલાક અંશો
- રૂ. 125 કરોડના ખર્ચે સીમાદર્શન કાર્યક્રમ શરૂ કરાયો
- બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે કુલ-૧૫૯૫ નવા ઓરડાઓ મંજુર કરાયા
- જિલ્લામાં પાંચ વર્ષમાં ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો.
- બનાસકાંઠા જિલ્લો વર્ષ-૨૦૨૧-૨૨ માં ૨૩.૬૦ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે.
- બનાસ ડેરીની દૈનિક દૂધની આવક ૯૦ લાખ લીટરે પહોંચી છે.
- રાજ્ય સરકારે કરમાવદ તળાવ ભરવા રૂ.૫૫૦ કરોડની યોજના મંજૂર કરી.
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની હોમ સાયન્સ કોલેજની એન.સી.સી. કેડેટ દીકરી રીંકલ તુલસીભાઇ સાલવી આજે ૧૫ મી ઓગસ્ટે દિલ્હી ખાતે યોજાઇ રહેલ રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ભાગ લીધો છે.
- ગયા વર્ષમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ૪૫,૧૪૭ દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી હતી.
- જિલ્લાની ૨૪,૯૭૮ સગર્ભા મહિલાઓને ડિલીવરીના સમયે સેવા પૂરી પાડવામાં આવી.
- જુલાઈ-૨૦૨૨ના અંત સુધીમાં કુલ- ૫૫,૭૫૪ ગંગા સ્વરૂપ માતાઓને રૂ. ૬.૯૬ કરોડની રકમ તેમના ખાતામાં જમા કરાવાઇ.
બનાસકાંઠાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક અપાયો
આ પ્રસંગે મંત્રીએ બનાસકાંઠા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓ અને અધિકારીઓ, કર્મચારીઓનું મંત્રીશ્રીના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.