ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો શુભારંભ
- ગુજરાત મીડિયા કલબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન
- વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપ્યું : CM
અમદાવાદ, 25 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત મીડિયા કલબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાને નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. સાહિત્ય હવે માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહ્યું નથી, સોશિયલ મીડિયા અને વેબ મીડિયા નવાં માધ્યમો તરીકે ઊભર્યાં છે. GLFનાં વિશેષ સત્રો આવનાર નવી પેઢીમાં પણ ભાષા-સાહિત્ય-કલા માટે વિશેષ રસ જગાવશે. આધુનિક માધ્યમો પોતપોતાની રીતે ગુજરાતી ભાષાને જીવંત રાખી રહ્યાં છે. ભાષા-સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.” તેમજ આવતીકાલે ભુજમાં નવા એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મૂકશે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડિરેક્ટર શ્યામ પારેખ તેમજ ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂર, ઉપપ્રમુખ કુલદીપ તિવારી, પૂર્વ પ્રમુખ અજય ઉમઠ અને કલબના સભ્યોએ પોતાનો અમૂલ્ય ફાળો આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગુજરાત મીડિયા કલબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે ફેસ્ટિવલનો શુભારંભ કરાયો.@Bhupendrapbjp@nirnaykapoor@DixitGujarat@kuldeep_2105@shyamparekh#gujaratmediaclub #glf pic.twitter.com/UPeUg1u5Nu
— GujaratMediaClub (@GujMediaClub) December 25, 2023
આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ જૈન અને અમિતભાઈ ઠાકર, જાણીતા ગીતકાર પ્રસૂન જોશી, મીડિયા અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો, સાહિત્યકારો, કલાકારો, પત્રકારો, સામાજિક અગ્રણીઓ, અધ્યાપકો, સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આ ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. નીરજા ગુપ્તા અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડાયરેકટર તથા સ્થાપક શ્યામ પારેખે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
PMએ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે : CM
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના સમૃદ્ધ વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. PM મોદી માને છે કે સાહિત્ય-સંસ્કૃતિને ભાષા, પ્રાંત-પ્રદેશના સીમાડા નડતા નથી અને એટલે જ તેમણે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો મંત્ર આપ્યો છે. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલે યુવા પેઢીમાં ગુજરાતી ભાષા-સાહિત્યના વાંચન-લેખનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે બીજી ભાષાને કે તેના સાહિત્યની અવગણના કરી નથી, એ સારી વાત છે”
GLFનાં વિશેષ સત્રો આવનાર નવી પેઢીમાં ભાષા-સાહિત્ય-કલા માટે વિશેષ રસ જગાવશે : CM
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી યોજાવાની છે અને આજે GLFની પણ ૧૦મી કડીનું ઉદઘાટન થયું છે, એ સુભગ સમન્વય છે. પત્રકારોનાં હિતો માટે કામ કરતી ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આયોજકો પરસ્પર સહકારથી આ ફેસ્ટિવલ યોજી રહ્યા છે” એનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહિત્ય અને સંસ્કૃતિને ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જોડતી કડી કહેતા હોય છે. વાંચન-લેખન, સાહિત્ય સર્જન, સંસ્કૃતિ સંવર્ધન વગેરે માટે વિશેષ પ્રયાસો થકી ભાષા-સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા આજે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે”
ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલને ભાષા, કલા અને સંવાદને પ્રોત્સાહન આપતો અદભુત મંચ ગણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સરકાર દ્વારા મળી રહેલા પ્રોત્સાહનના પરિણામે આજે ગુજરાતી ફિલ્મોનું સર્જન અને પ્રભાવ વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં ફિલ્મ સર્જકો સાથે સંવાદનાં સત્રોનું આયોજન ભાષા, કલા અને સંસ્કૃતિનું ગૌરવ વધારશે. આ ફેસ્ટિવલમાં બાળકો માટેનાં વિશેષ સત્રો આવનાર નવી પેઢીમાં પણ ભાષા-સાહિત્ય-કલા માટે વિશેષ રસ જગાવશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આધુનિક માધ્યમો પોતપોતાની રીતે ગુજરાતી ભાષાને જીવંત રાખી રહ્યાં છે : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “એક સમયે માત્ર પુસ્તકો જ સાહિત્યના માધ્યમ હતાં, આજે બદલાતા સમય સાથે સાહિત્ય અને તેના પ્રકારો પણ બદલાયા છે. સાહિત્ય હવે માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહ્યું નથી. હવે સોશિયલ મીડિયા અને વેબ મીડિયા નવાં માધ્યમો તરીકે ઊભર્યાં છે અને સાહિત્યના ઘણા નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. ટેક્નોલોજીના વિકાસને કારણે ગુજરાતની કલા, સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રે નવો યુગ શરૂ થયો છે.”
વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં હવે 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે, જેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “સાહિત્ય સર્જનમાં પણ ઇન્ટરનેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઊભી થઈ છે. હવે તો માત્ર સાહિત્યને સમર્પિત એવી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ જોવા મળી રહ્યાં છે. આ બધા માધ્યમોએ ગુજરાતી ભાષાને વધુ લોકભોગ્ય અને લોકપ્રિય બનાવી છે. આધુનિક માધ્યમો પણ પોતપોતાની રીતે ગુજરાતી ભાષાને જીવંત રાખી રહ્યાં છે. આજની યુવા પેઢી ઇન્ટરનેટ પર વિશ્વની અન્ય ભાષા-સાહિત્યનું વાંચન ભલે કરે, પરંતુ માતૃભાષા પ્રત્યે લગાવ જળવાઈ રહે તે પણ એટલું જ આવશ્યક છે”
ભાષા-સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ : CM
માતૃભાષા અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “આધુનિક જમાનામાં વિકાસ કરવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ અંગ્રેજીનો પ્રભાવ પણ ન હોય – અભાવ પણ ન હોય તેવી સ્થિતિ ઇચ્છનીય છે. માતૃભાષાના મહત્ત્વને સારી રીતે જાણતા વડાપ્રધાને નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1થી 8 સુધી ફરજિયાત ગુજરાતી ભાષાના અભ્યાસ અંગે કાયદો પસાર કરીને માતૃભાષા બચાવવા મોટું પગલું લીધું છે”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચ પ્રણ આપ્યાં છે. એમાં એક પ્રણ દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરવાનું પણ છે. ગુજરાતી ભાષા, કલા-સંસ્કૃતિની આગવી ઓળખ અને સમૃદ્ધ વારસો છે. સમાજની નવ યુવા શક્તિ આ ફેસ્ટિવલના માધ્યમથી ભાષા સાહિત્યના વારસાને આગળ લઇ જઈ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરશે એવા વિશ્વાસ છે”
ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે કર્યું સંબોધન
ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે આ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, “ગુજરાત મીડિયા ક્લબ છેલ્લાં ૧૮ વર્ષથી પત્રકારો અને પત્રકારત્વના ઉત્થાન સહિત વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સંસ્થા છે. સતત વિકાસ પામી રહેલા મીડિયા પરિપ્રેક્ષ્યને વિસ્તારવા માટે ગુજરાત મીડિયા ક્લબ સતત પ્રયત્નશીલ છે. સાથે જ, આ સંસ્થાએ કોરોના મહામારીમાં લોકજાગૃતિ ફેલાવવા અને અંગદાન જેવી સમાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે લોકજાગૃતિ કેળવવા માટે પણ આ સંસ્થા કાર્યરત છે. ગુજરાત યુનિવર્સિટી સાથે સંયુક્તપણે યોજાઈ રહેલો આ લિટરેચર ફેસ્ટિવલ રાજ્યના યુવાનોમાં ગુજરાતી કલા, સાહિત્ય અને ફિલ્મો પ્રત્યેનો અહોભાવ અનેકગણો વધારશે તથા ઉભરી રહેલા સાહિત્યકારોને એક આગવું મંચ પૂરું પાડશે.”
આ પણ જુઓ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ખાતે GM શોરૂમનું ઉદ્દઘાટન