જામીન પર મુક્ત કરાયેલા આંતકીઓના પગમાં GPS સિસ્ટમ કરાશે ફીટ
જમ્મુ અને કાશ્મીર પોલીસે જામીન પર મુક્ત કરાયેલા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ પર નજર રાખવા માટે GPS એન્કલેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કાશ્મીર પોલીસ આવું કરનાર દેશનું પ્રથમ પોલીસ દળ બની ગયું છે. જીપીએસ ટ્રેકર પહેરનાર ભારતમાં પહેલો આરોપી હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો ગુલામ મોહમ્મદ ભટ બની ગયો છે. ગુલામ 2007ના ટેરર ફંડિંગ કેસમાં આરોપી છે.
GPS એન્કલેટની સિસ્ટમ મુક્ત કરાયેલા આરોપીના પગની ઘૂંટી પર લગાડવામાં આવશે. આ પછી પોલીસ કંટ્રોલ રૂમમાંથી આરોપીની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, NIA સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ આ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને આતંકવાદી આરોપી પર GPS ટ્રેકર લગાવવાની સૂચના આપવામાં આવી હતી. વાસ્તવમાં આરોપી ગુલામ મોહમ્મદ ભટે UAPAની અનેક કલમો હેઠળ જામીન માટે અરજી કરી હતી.
આરોપીને એક અન્ય કેસમાં પણ એનઆઈએ કોર્ટ અને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાના અને આતંકવાદી કૃત્યનું કાવતરું ઘડવાના આરોપમાં દોષિત ઠેરવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિશેષ NIA કોર્ટે જમ્મુના ઝોનલ પોલીસ હેડક્વાર્ટરને આરોપીની પ્રવૃત્તિ નજર રાખવા જણાવ્યું હતું. ફરિયાદ પક્ષની દલીલ બાદ સ્પેશિયલ NIA કોર્ટે આરોપી પર GPS ટ્રેકર લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ યુએસએ, UK, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં જામીન, પેરોલ અને નજરકેદ પર રહેલા આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. તેનાથી જેલોમાં ભીડ ઓછી થાય છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર હુમલો, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા