ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગોઝારો બુધવારઃ મોરબીના હળવદમાં દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Text To Speech

મોરબીઃ હળવદ જીઆઈડીસી વિસ્તા૨માં આજે બપો૨નાં સમયે સાગર સોલ્ટ નામના મીઠાનાં કા૨ખાનાની દીવાલ ધરાશાયી થતા 30 જેટલા શ્રમિકો દટાયા હતા. જે પૈકી 12 શ્રમિકોના મોત નિપજ્યા અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ દીવાલ નીચે દટાયેલા શ્રમિકોને બચાવવા માટે હિટાચી અને 3 જેસીબીની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકો અને તંત્રની મદદથી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દીવાલ ધરાશાયી કેવી રીતે થઈ જાણો
હળવદની સાગર સૉલ્ટ નામની ફેકટરીની અંદર મોટાં-મોટાં શેડ આવેલાં છે અને તેની વચ્ચે દીવાલો બનેલી છે. દીવાલની એક બાજુ મીઠાથી ભરેલી મોટી-મોટી બોરીઓ રાખવામાં આવી હતી જે દીવાલના ટેકે હતી. દીવાલની બીજી બાજુ સ્થાનિક મજૂરો મીઠાની કોથળી ભરવાનું કામ કરતા હતા. દીવાલની બીજી બાજુ બોરીઓના વજનના કારણે બોરીઓનો વજન દીવાલ પર આવતા દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલની બીજી બાજુ કામ કરતા 15થી વધારે લોકો આ દીવાલ તૂટતા તેની નીચે દબાઈ ગયા હતા.

દુર્ઘટનામાં મોતને ભેટેલા શ્રમિકોની યાદી
(1) રમેશભાઈ નરસીંહભાઈ ખીરાણા(ઉ.વ.45)
(2) કાજલબેન જેશાભાઈ ગાણચ (ઉ.વ.27)
(3) દક્ષાબેન રમેશભાઈ કોળી (ઉ.18)
(4) શ્યામભાઈ રમેશભાઈ કોળી (ઉ.13)
(5) દિલાભાઈ રમેશભાઈ કોળી (ઉ.26)
(6) રમેશભાઈ મેઘાભાઈ કોળી (ઉ.42)
(7) દિપકભાઈ દિલીપભાઈ સોમાણી (ઉ.54)
(8) રાજુભાઈ જેરામભાઈ (ઉ.30)
(9) દિલીપભાઈ રમેશભાઈ (ઉ.25)
(10) શીતલબેન દિલીપભાઈ (ઉ.32)
(11) રાજીબેન ડાયાભાઇ ભરવાડ (ઉ.30)
(12) દેવીબેન ડાયાભાઈ ભરવાડ (ઉ.14)

PM મોદીએ શોક વ્યક્ત કર્યો અને સહાય જાહેર કરી
પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, “મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક તંત્ર અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.” આ સાથે જ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PM રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવા અંગે પણ જણાવ્યું હતુ.

CM ભુપેન્દ્ર પટેલ, મંત્રી બ્રિજેશ મિરજાએ લીધી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતે GIDCમાં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો ૨દ કરી હળવદ પહોંચ્યા હતા.ઈજાગ્રસ્ત શ્રમિકોને મળી તેમના ખબર-અંતર પૂછ્યા હતા.અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવાના તંત્રને આદેશ પણ આપ્યા હતા.

મંત્રી બ્રિજેશ મેરજાને અધિકારીઓને દોડાવ્યા
ઘટના બની તે સમયે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક ચાલી રહી હતી.બેઠક દરમિયાન મંત્રી બ્રિજેશ મેરજાને હળવદની ગોઝારી ઘટનાની જાણ થતાં તેમને વહીવટી તંત્રનાં અધિકારીને ઘટના સ્થળે દોડાવ્યા હતાં. મંત્રી બ્રિજેશ મેરજા કેબિનેટ બેઠકમાંથી CM ભુપેન્દ્ર પટેલ સાથે મોરબી આવવા તાત્કાલિક રવાના થયા હતા. કારખાનામાં પહોંચી તેમને ઘટનાની પુરી જાણકારી મેળવી હતી.

Back to top button