ઉત્તર ગુજરાતગુજરાત

ગોઝારો મંગળવાર : ટ્રક અને કારનો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

Text To Speech

પાલનપુર: કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ઘાવડા -દેવપર માર્ગ ઉપર સોમવારે મધ્યરાત્રીના સમયે કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ પરિવારને લઈને જતી કાર નો અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર અને ભયાનક હતો કે, કારનો કચરઘાણ થઇ ગયો હતો. કારના આગળના બોનેટથી લઈને સમગ્ર કારનો કચરઘાણ થઇ ગયો હતો. ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે.

આ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે થયેલ અકસ્માતની ઘટનામાં ગોસ્વામી પરિવારના ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા. કારમાં સવાર ત્રણ વર્ષની દીકરી અને પરિવારના એક સભ્યને ગંભીર ઇજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ઘાવડા અને દેવપુર માર્ગ પર એક બંધ ટ્રક ઉભી હતી. આ દરમ્યાન પાછળથી આવેલી કાર ધડાકા ભેર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર સંગીતાબેન ચેતનભારતી ગોસ્વામી અને ત્રણ વર્ષનો દીકરો મનભારતી ચેતનભારતી, સંગીતાબેનના સાસુ કસ્તુરબેન દિનેશભારતી ગોસ્વામી તેમજ કાકા સસરા પરેશભારતી બચુભારતી ગોસ્વામીના આ અકસ્માતમાં કરુણ મોત નિપજયા હતાં. જ્યારે કારમાં સવાર અન્ય ચેતન ભારતી અને તેમની ત્રણ વર્ષની દીકરીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભૂજની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતની ઘટનામાં કારનો કચરઘાણ થઇ ગયો હતો.આ ઘટનાને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

જ્યારે મૃતકોના મૃતદેહને નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. જેઓ તેમની બિમાર દીકરીને સારવાર માટે લઈને માંડવી જઇ રહ્યા હતાં. તે સમયે આ આ ઘટના સર્જાઇ હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગોસ્વામી સમાજ અને પરિવારમાં અત્યંત દુઃખની લાગણી પ્રસરી છે. અકસ્માતની ઘટનાના પગલે પી.આઈ. બી. એમ. ચૌધરી અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button