ગુજરાતટ્રેન્ડિંગ

ગોઝારી ટ્રેન દુર્ઘટના: સુરતમાં ત્રણ મિત્રો ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ પામ્યા

Text To Speech

સુરત, ૧૪ નવેમ્બર, સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતા ત્રણ જુવાન જોધ યુવકોનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બાદ સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. દિવાળીના વેકેશનમાં ત્રણ યુવકો સુરતથી વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. વેકેશન ખુલતાં તેઓ પરત રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ સુરતની શિવાંજલી સોસાયટીમાં રહેતા હતા. ત્રણેય યુવકો યુપીના કાનપુરના રામપુરના રહેવાસી હતા. આ ત્રણેય આકાશ, દીનું અને પ્રમોદ એક સાથે નોકરી કરવાના હતા. જો કે, તેઓ રેલવે ટ્રેક ક્રોસિંગ કરતાં ટ્રેનની અડફેટે ત્રણેય મિત્રોનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇને તેઓનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

દિવાળી પર્વની ઉજવણી બાદ સુરત રોજગાર મેળવવા માટે આવેલા ત્રણ મિત્રો સાથે હ્રદયને હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાથી સુરત હજારો કિલોમીટર દૂર ધંધા રોજગાર માટે આવેલા ત્રણેય મિત્રો એક સાથે નોકરી કરવા માગતા હતા, પરંતુ એક સાથે કાળને ભેટી ગયા હતા. રાત્રિ દરમિયાન યુપીથી આવેલા 22 વર્ષીય આકાશ નિષાદ, 24 વર્ષીય દીનું નિષાદ અને 17 વર્ષીય પ્રમોદ નિષાદ રેલવે ટ્રક પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી ટ્રેન પસાર થઈ રહી હતી. જેની જાણકારી આ લોકોને થઈ નહીં અને ત્રણેય મિત્રો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

ત્રણેય મિત્રો એક સાથે સચિન વિસ્તારમાં આવેલા જરીના કારખાનામાં નોકરી નક્કી કરવા માટે જવાના હતા. પરંતુ તે પહેલાં જ રાત્રિ દરમિયાન સચિન નજીક રેલવે ટ્રેક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ભેસ્તાન સચિન રેલવે ટ્રેક પાસે આ ઘટના બની હતી. રાત્રિ દરમિયાન આશરે 11:30 વાગ્યે આ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. રેલવે ટ્રેક ક્રોસિંગ વખતે આ ઘટના બની હતી. ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક મિત્ર પ્રમોદની મૃતદેહ ટ્રેક નજીક આવેલા ઝાડી ઝાંખરામાં મળી આવી હતી.

આ પણ વાંચો…પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં થયા ફેરફાર

Back to top button