હાથરસ, 6 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. શુક્રવારે સાંજે મેક્સ લોડર અને રોડવેઝની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આગ્રા-અલીગઢ હાઈવે ઉપર દુર્ઘટના બની
મળતી માહિતી મુજબ, મેક્સમાં લગભગ 30 લોકો હતા અને તે બધા મુકુંદ ખેડાની તેરમી પર્વ મનાવીને ખંડૌલી નજીક સેવાલા ગામ પરત ફરી રહ્યા હતા. આ દુ:ખદ ઘટના આગરા-અલીગઢ બાયપાસ પર મીતાઈ ગામ પાસે બની હતી. મૃતકોમાં પુરૂષો અને મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
મેક્સ લોડર અને રોડવેઝ બસ વચ્ચે જીવલેણ ટક્કર
ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચારની હાલત નાજુક બનતા તેમને અલીગઢ રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની નોંધ લેતા સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ઘાયલોને વધુ સારી સારવાર માટે સૂચના આપી હતી. પોલીસ અધિક્ષક નિપુણ અગ્રવાલ, જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ કુમાર, સીઓ હિમાંશુ માથુર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે હાજર છે.