ભારત સરકાર વોડાફોન આઇડિયામાં પોતાનો હિસ્સો લેણા વસૂલશે


નવી દિલ્હી, 31 માર્ચ, 2025: ભારત સરકાર વોડાફોન આઇડિયામાં પોતાનો હિસ્સો લેણા વસૂલશે. કેમ કે કેન્દ્ર સરકારને વોડાફોન આઇડીયા પાસેથી સ્પેક્ટ્રમના હજુ સુધી બાકી રકમ નીકળે છે ત્યારે કંપનીમાં રૂ. 36,950 કરોડના ઇક્વિટી શેર્સની ખરીદી કરીને પોતાનું લેણુ વસૂલશે. આમ સંકટગ્રસ્ત ટેલિકોમ કંપનીમાં અત્યાર સુધી સરકારનો હિસ્સો 22.6 ટકા હતો તે વધીને આશરે 49 ટકાનો થઇ જશે.
સરકારને રૂ. 36,950 કરોડના શેર મળશે
30 માર્ચના રોજ, વોડાફોન આઈડિયાએ માહિતી શેર કરી હતી કે ભારત સરકારને રૂ. 36,950 કરોડના ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. ટેલિકોમ મંત્રાલયે 29 માર્ચે આ સંબંધમાં એક આદેશ જારી કર્યો હતો, જેના હેઠળ કંપની એક્ટ, 2013ની કલમ 62(4) હેઠળ આ શેર સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે.
શેર ટ્રાન્સફર પ્રક્રિયા 30 દિવસમાં થશે
સરકારને શેર દીઠ રૂ. 10ના ઇશ્યૂ ભાવે 3,695 કરોડ ઇક્વિટી શેર મળશે. આ ઇશ્યૂ ભાવ છેલ્લા 90 ટ્રેડિંગ દિવસો અથવા 10 ટ્રેડિંગ દિવસોની વોલ્યુમ-વેઇટેડ એવરેજ કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે, જેથી કંપની એક્ટની કલમ 53 હેઠળ શેર લઘુત્તમ કિંમતથી નીચે જારી ન થાય.
કંપનીએ હવે આ પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જો કે, આ સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) અને અન્ય નિયમનકારી સંસ્થાઓની મંજૂરી પર નિર્ભર રહેશે.
શું કંપનીનું નિયંત્રણ બદલાશે?
આ સોદા બાદ સરકારનો હિસ્સો 22.60 ટકાથી વધીને 48.99 ટકા થઈ જશે. જો કે, વોડાફોન આઈડિયાના પ્રમોટર્સનું કંપની પર નિયંત્રણ ચાલુ રહેશે. વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે, “અમે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું, જેથી તેને નિયમનકારી મંજૂરીને આધિન બને તેટલી વહેલી તકે લાગુ કરી શકાય.”
ટેલિકોમ સેક્ટર પર સરકારનો હિસ્સો અને અસર વધી રહી છે
આ નિર્ણયથી ભારતના ટેલિકોમ સેક્ટર પર સરકારની પકડ વધુ મજબૂત થશે. આ વોડાફોન આઈડિયાને નાણાકીય રાહત આપશે, જે તેને 5G નેટવર્ક અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોકાણ કરવા સક્ષમ બનાવશે. હવે બધાની નજર તેના પર છે કે વોડાફોન આઈડિયા આ હિસ્સાના ટ્રાન્સફરને કેવી રીતે હેન્ડલ કરે છે અને શું તે કંપનીને બજારમાં નવો પગપેસારો કરી શકશે કે કેમ?
આ પણ વાંચોઃ ધોનીના વળતાં પાણી: 9માં નંબરેથી 7માં નંબરે આવ્યા છતાં મેચ જીતાડી શક્યા નહીં, માહીનો ચાર્મ ફિક્કો પડ્યો